વડોદરા: ડો. ભીમરાવ આંબેડકર જન્મ જયંતી નિમિત્તે જાહેર રજા હોવા છતાં નિઝામપુરા સ્થિત પાસપોર્ટ ઓફિસ દ્વારા કેટલાય લોકોને પાસપોર્ટ અંગે વિવિધ કામગીરી બાબતે આજની એપોઈન્ટમેન્ટ આપી દેવાઈ હતી. જેના પગલે કેટલાય લોકો પાસપોર્ટ ઓફિસે ઉમટી પડ્યા હતા. ઓફિસે પહોંચતા ત્યાં માત્ર સિક્યુરિટી ગાર્ડ જ જોવા મળતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. વિદેશ જવા અંગે પાસપોર્ટ બાબતે વડોદરા સ્થિત નિઝામપુરા પાસપોર્ટ ઓફિસેથી વિવિધ જાતની અરજીઓ સ્વીકારવામાં આવે છે. જેમાં નવા પાસપોર્ટ સહિત રિન્યુઅલ તથા પાસપોર્ટ અંગે જુદી જુદી કામગીરી કરવામાં આવે છે આ અંગે અરજદારોને જે તે સમયે મુદત અંગે ચોક્કસ તારીખ અને સમય આપવામાં આવે છે.
આજે આંબેડકર જન્મ જયંતી નિમિત્તે જાહેર રજા હતી. તા. ૧૪ મી એ આ રજા પ્રતિવર્ષ જાહેર કરવામાં આવે છે.આ અંગે અગાઉથી તમામ સરકારી વિભાગોને તથા શૈક્ષણિક સંસ્થાઓ સહિત લાગતા વળગતા સૌ કોઈને જાણ હોય જ છે. છતાં પાસપોર્ટ ઓફિસ દ્વારા જુદા જુદા કારણોસર પાસપોર્ટ બાબતે અરજ કરનારાને તા.૧૪મી એપ્રિલની આંબેડકર જયંતિની એપોઇન્ટમેન્ટ આપવામાં આવી હતી. આ અંગે અરજી કરનારાઓને તેમના મોબાઈલ ફોનમાં તા.૧૪મીની એપોઇન્ટમેન્ટ યથાવત હોવાના વારંવાર ત્રણથી ચાર મેસેજ કરવામાં આવ્યા હતા.
પરિણામે બહારગામ સહિત દૂર દૂરથી આવનારાઓ આ બાબતે સતર્ક થયા હતા.દરમિયાન ગઈકાલે રાતે લોકો જયારે સુતા હોય તે સમય પાસપોર્ટ ઓફિસના અધિકારીઓએ અરજી કરનારાઓને તેમના મોબાઈલ ફોનમાં તા. ૧૪મી એપ્રિલે આંબેડકર જન્મ જયંતી નિમિત્તે જાહેર રજા હોવાથી પાસપોર્ટ ઓફિસમાં રજા છે તેવા મેસેજ કર્યા હતા. અને તમામ અરજી કરનારાઓની જે તે દિવસની એપોઇન્ટમેન્ટ કેન્સલ કરવામાં આવી છે તેવી જાણ કરવામાં આવી હતી. પરંતુ મોડી રાત્રે મળેલા આ સંદેશા વાંચનાર અરજદારો ઊંઘમાં હોવાથી આવા સંદેશા વાંચી શક્યા ન હતા. તેથી આજે નિયત એપોઇન્ટમેન્ટના સમયે પાસપોર્ટના કામકાજ બાબતે દૂર દૂરથી સંબંધિત લોકો નિઝામપુરા સ્થિત પાસપોર્ટ ઓફિસે આવી પહોંચ્યા હતા. જ્યાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા આજે જાહેર રજા હોવાની જાણ થતા અરજ કરનારા મોબાઈલ ફોનમાં સંદેશા જોવામાં પડ્યા હતા.
રજા અંગે ડિપાર્ટમેન્ટે ધ્યાન રાખવું જોઈએ
ઓનલાઇન એપ્લિકેશન કરાય છે. જેમાં શિડ્યુલ આપવાનું કામ વિભાગ દ્વારા કરવામાં આવે છે. ત્યારે ડિપાર્ટમેન્ટે એ ધ્યાન રાખવું જોઈએ કે રજા છે કે નહિ. ઉપરાંત રાતે 12.30 પછી મેસેજ કર્યા છે કે એપોઇન્ટમેન્ટ કેન્સલ કરાઈ છે. ત્યારે રાતે 12. પછી કોણ મોબાઈલમાં ધ્યાન આપે? અને જો સવારે ન આવે તો એમ જણાવે કે અગાઉ બે મેસેજ કર્યા હતા તેમ છતાં ન આવ્યા. આજે જે એપોઇન્ટમેન્ટ કેન્સલ થઇ છે તેના રિશિડ્યુઅલ એક મહિના પછી કરાયા છે ત્યારે કોઈને અર્જન્ટ હોય તેઓ શું કરે? – પાસપોર્ટ ઓફિસે આવેલ વ્યક્તિ