વડોદરા: અપક્ષ રીતે ચૂંટાઈ આવ્યા બાદ વાઘોડિયાના ધારાસભ્ય ભાજપને બહારથી ટેકો આપી રહ્યા છે તે જગજાહેર વાત છે પરંતુ આજે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને ભાજપના જાણ પ્રતિનિધિઓની બેઠકમાં તેઓની ઉપસ્થીતીએ અનેક સવાલો ઉભા કર્યા કે શું તેઓ વિધિવત રીતે ભાજપામાં જોડાઈ ગયા તેઓએ ભગવો ધારણ કરી લીધો? કારણ કે કમળના નિશાન અને તેઓના ફોટા વાળા બૅનરોએ પણ ત્રિમંદીર ખાતે કેટલાકનું ધ્યાન ખેંચ્યું હતું. વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષ ચૂંટાઈ આવ્યા છે. જો કે ચૂંટાયા બાદ અને ગુજરાતમાં ભાજપાની 156 બેઠકો આવ્યા બાદ તેઓ પાસે કોઈ પર્યાય રહ્યો ન હતો જેથી ભાજપાના ખોળામાં જ બેસવાનું નક્કી હતું પરંતુ હજુ સુધી તેઓએ વિધિવત ભગવો ધારણ કર્યો નથી અને આજે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ભાજપાના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓની બેઠકમાં હાજરી આપી હતી. એટલું જ નહિ ત્રિમંદીર ખાતે મુખ્યમંત્રીના સ્વાગત માટે બનાવાયેલ બેનર પણ ભાજપાના નિશાન સાથે મૂકી દેવામાં આવ્યું હતું.
ત્રિમંદિરની એન્ટ્રીમાં જ તમામ ધારાસભ્યોના ફોટા અને કમળના નિશાન સાથે મોટા મોટા બેનરો લગાવવામાં આવ્યા હતા. આ બૅનરોમાં વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વગાહીલનું બેનર આંખે ઉડીને વળગે તેમ હતું. તેઓના ફોટા સાથે કમળનું નિશાન હતું અને તેઓ દ્વારા મુખ્યમંત્રીને આવકારતું બેનર બનાવડાવવામાં આવ્યું હતું ત્યારે શું તેઓ સત્તાવાર રીતે ભાજપામાં જોડાઈ ગયા? હાલમાં તેઓના માટે વિસ્તારની પ્રજા તેઓને અપક્ષ ધારાસભ્ય ગણે કે ભાજપના ધારાસભ્ય ગણે તે અસમંજસમાં છે. આ અંગે જિલ્લા પ્રમુખનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ કાર્યક્રમમાં વ્યસ્ત હતા. જ્યારે ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો સંપર્ક થઇ શક્યો ન હતો.