SURAT

શું ખરેખર ચંદ્રયાન -3 ની ડિઝાઇન બનાવવામાં સુરતનાં મિતુલ ત્રિવેદીની કોઈ ભૂમિકા હતી…કે પછી?

સુરત(Surat) : ભારતને (India) વિશ્વના સ્પેસ મિશનમાં (Space Mission) મોખરાનું સ્થાન અપાવનાર મિશન મૂન (Mission Moon) એટલે કે ચંદ્રયાન -3ની (Chandrayaan3) ડિઝાઇન તૈયાર કરવામાં શું ખરેખર કહેવાતા સુરતી અવકાશ વૈજ્ઞાનિક (Scientist) મિતુલ ત્રિવેદીની (Mitul Trivedi) કોઈ ભૂમિકા હતી ખરી? ડિઝાઇન પોતે બનાવી હોવાનો તેમનો દાવો કેટલો સાચો? એમના આ દાવાની સાયન્ટિફીક ખરાઈ કોણે કરી, વિગેરે અસંખ્ય પ્રશ્નો અવકાશ વિજ્ઞાન જગત સાથે સંકળાયેલા જાણકારો પૂછી રહ્યાં છે. તેઓ શ્રી હરિકોટાથી (ShriHarikota) સુરત આટલા જલ્દી કઈ રીતે આવી શક્યા? શું ખરેખર ચંદ્રયાન -3ની ડિઝાઇન બનાવવામાં સુરતનાં મિતુલ ત્રિવેદીની કોઈ ભૂમિકા હતી?

રાજ્ય અને દેશના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાનાં હેવાલો પછી દિવસભર સોશિયલ મીડિયામાં ચર્ચાઓ ચાલી હતી. કેટલાકે લખ્યું ઇસરો અમદાવાદ કે, ગુજરાત સરકારે મિતુલ ત્રિવેદીને હજી સુધી એમની આ સિદ્ધિ માટે કોઈ અભિનંદન કેમ પાઠવ્યા નથી? તો કોઈ કે લખ્યું મિતુલ ત્રિવેદી સ્પેસ સાયન્સને લગતી કોઈ ડિગ્રી જ ધરાવતા નથી.

કોઈ કે વર્ષ 2020માં સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં સી.એ.તરીકે વ્યાખ્યાન આપતા જ્ઞાતા તરીકેનો વીડિયો વાઇરલ કર્યો છે. જેમાં તેઓ ઇસરો અને નાસા સાથે જોડાયેલા હોવાનો દાવો કરે છે. સુરતમાં રહેતા તથા અવકાશ અને બ્રહ્માંડની બાબતોની સતત જાણકારી રાખતા અનુરાગ એમ. કડવેએ આ મુદ્દે ફેસબુક પર વિગતવાર લેખ લખ્યો છે, તેમણે લખ્યું છે કે, ‘ખોટા દાવાઓનો પર્દાફાશ કરવો: સોશિયલ મીડિયા પર સ્યુડો-ઇસરો વૈજ્ઞાનિકનો માસ્ક ઉતારી રહ્યો છે’.

સોશિયલ મીડિયાના આજના યુગમાં, વ્યક્તિઓ માટે ખોટી ઓળખ ધારણ કરવી અને વિવિધ ક્ષેત્રોમાં કુશળતાનો દાવો કરવો સરળ છે. તાજેતરમાં, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓના વૈજ્ઞાનિકો તરીકે લોકો પોતાને ખોટી રીતે ચિત્રિત કરે છે તે અંગેનું વલણ જોવા મળ્યું છે.

આવા ભ્રામક કૃત્યો માત્ર સાચા વૈજ્ઞાનિકોની પ્રતિષ્ઠાને કલંકિત કરતા નથી પણ લોકોને ગેરમાર્ગે દોરે છે. આ લેખમાં, અમારો ધ્યેય એક વ્યક્તિના ચોક્કસ કેસને ઉજાગર કરવાનો છે જે ખોટી રીતે પોતાને ISROના વૈજ્ઞાનિક તરીકે રજૂ કરે છે અને લોકોને આવા કપટપૂર્ણ દાવાઓ વિશે કેવી રીતે જાગૃત કરી શકાય તેની ચર્ચા કરવાનો છે.

વધુમાં કડવેએ ઉમેર્યુ છે કે, Instagram, Facebook અને LinkedIn સહિત વિવિધ સોશિયલ મીડિયામાં ‘ડૉ. મિતુલ ત્રિવેદી’ નામનો એક વ્યક્તિ સક્રિયપણે સામગ્રી પોસ્ટ કરી રહ્યો છે અને પોતાને ISROના વૈજ્ઞાનિક તરીકે રજૂ કરી રહ્યો છે. તેમની પોસ્ટ્સમાં ઘણી વખત ટેકનિકલ શબ્દજાળ, ISRO મિશન વિશેની જટિલ વિગતો અને ફોટોશોપ કરેલી છબીઓનો સમાવેશ થાય છે. ઝીણવટથી તપાસ કરતા, તે સ્પષ્ટ થાય છે કે ‘ડૉ. મિતુલ ત્રિવેદી’ કોઈપણ સત્તાવાર ક્ષમતામાં ISRO સાથે જોડાયેલા નથી. ISRO તેના કર્મચારીઓને લગતી માહિતી જાહેર કરવા અંગે કડક નીતિ જાળવી રાખે છે અને આવી માહિતી સામાન્ય રીતે માત્ર સત્તાવાર ચેનલો દ્વારા જ સુલભ હોય છે.

એક પ્રતિષ્ઠિત અને તટસ્થ અખબાર તરીકે ‘ગુજરાતમિત્ર’નું વલણ રહ્યું છે કે સાચી હકીકત બહાર આવે, મિતુલ ત્રિવેદીનો દાવો સાચો છે કે ખોટો, તે અંગે અખબાર કોઈ પ્રમાણપત્ર આપવા માંગતું નથી. ભારતીય અવકાશ મિશનમાં સાચા યોગદાન માટે વૈજ્ઞાનિકોની પ્રસંશા થવી જ જોઈએ પણ સાથે સાથે કોઈપણ જાતના યોગદાન વિના કોઈ વ્યક્તિ વિક્રમ સારાભાઈની જેમ અમર ન બનવો જોઈએ, અખબાર અને ડિજિટલ મીડિયાની આવી નોંધથી ભવિષ્યનો દસ્તાવેજ બનતો હોય છે, દેશભરમાં કેટલાક લોકો ચંદ્રયાન -3ની સફળતામાં પોતાનો દાવો રજૂ કરી રહ્યાં છે. ‘ગુજરાતમિત્ર’ મિતુલ ત્રિવેદીના દાવાને નકારતું પણ નથી અને દાવો સાચો છે એ મતને સમર્થન પણ આપતું નથી. ઇસરો, રાજ્ય અને કેન્દ્ર સરકાર આ બાબત સ્પષ્ટતા કરે એ જરૂરી છે.

Most Popular

To Top