Columns

બાળકોને બંધક બનાવનાર રોહિત આર્યને ઠાર મારવાની જરૂર હતી?

આપણું સરકારી તંત્ર એટલું જડ અને સંવેદનહીન થઈ ગયું છે કે તેમાંથી હક્ના રૂપિયા કઢાવવા હોય તો પણ નવનેજાં પાણી ઊતરી જાય છે. આ તંત્ર સામે કોઈ ફરિયાદ કરવામાં આવે તો તે બહેરા કાને અથડાય છે. જો સરકારના ગેરવહીવટ સામે કોર્ટમાં ધા નાખવામાં આવે તો ન્યાય મળતાં વર્ષોનાં વર્ષો નીકળી જાય છે. કોઈ ગુસ્સાવાળો માણસ આ જડ વહીવટીતંત્રનું ધ્યાન દોરવા કોઈ આક્રમક પગલું ભરે તો તેને પાગલ જાહેર કરીને ગોળીથી શૂટ કરી નાખવામાં આવે છે.

આવી કરુણ ઘટના તાજેતરમાં મુંબઈ મહાનગરમાં બની છે, જેમાં ૧૭ બાળકોને બંધક બનાવનારા રોહિત આર્ય નામના યુવાનને પોલીસે શૂટ કર્યો છે. રોહિત આર્ય કોઈ ગુંડો, મવાલી કે આતંકવાદી નહોતો. તેનો કોઈ ગુનાઇત રેકોર્ડ નહોતો. રોહિત આર્ય મહારાષ્ટ્ર સરકારના શિક્ષણ ખાતા માટે કોન્ટ્રેક્ટના ધોરણે કામ કરતો હતો. તેણે સરકારી શાળામાં બાળકોની હાજરી વધારવા માટે ‘મારી શાળા, સુંદર શાળા’ નામની દસ્તાવેજી ફિલ્મ બનાવી હતી. તે ઉપરાંત મહારાષ્ટ્ર સરકારના વિવિધ પ્રોજેક્ટો માટે તેણે કામ કર્યું હતું, પણ તેને તેનું ઉચિત મહેનતાણું ચૂકવવામાં આવ્યું નહોતું.

સર્જનાત્મક ફિલ્મો બનાવતો રોહિત આર્ય મુંબઈના પવઇ વિસ્તારમાં એક સ્ટુડિયો પણ ચલાવતો હતો, જેમાં યુવાનોને અભિનયની તાલીમ આપવામાં આવતી હતી. રોહિત આર્યે ગુરુવારે બપોરે કેટલાક યુવાનોને ઓડિશન માટે બોલાવ્યા અને તેમને એક રૂમમાં પૂરી દીધાં હતાં. રોહિતની માગણી હતી કે મહારાષ્ટ્ર સરકારનો કોઈ પ્રતિનિધિ તેની સાથે વાત કરે અને તેના સવાલોના જવાબો આપે તો તે યુવાનોને છોડી દેશે. રોહિતે એક નાનકડો વીડિયો બનાવ્યો હતો, જેમાં તેણે પોતાની વાત મૂકી હતી.

આ વીડિયો હાથમાં આવતાં જ મુંબઈ પોલીસે તેના સ્ટુડિયોને ઘેરી લીધો હતો. પોલીસે તમામ બંધકોને મુક્ત કરાવ્યા હતા. રોહિત પાસે એક એરગન હતી, જેમાંથી તેણે એક પણ ગોળી છોડી નહોતી, તો પણ પોલીસે તેના પર ગોળી છોડી હતી અને તેને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. રોહિતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ત્યારે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ ઘટનાને કારણે અનેક સવાલો પેદા થયા છે. સૌથી મોટો સવાલ એ છે કે શું પોલીસ કોઈ નાગરિકની વાજબી ફરિયાદ સાંભળવાને બદલે તેને ગોળી મારીને શૂટ કરી શકે?

ગુરુવારે બપોરે લગભગ ૩ વાગ્યે પુણેના રહેવાસી રોહિત આર્ય નામના વ્યક્તિએ મહાવીર ક્લાસિક બિલ્ડિંગ સંકુલમાં સ્થિત એક સ્ટુડિયોમાં ૧૭ બાળકોને બંધક બનાવ્યાં હતાં. મુંબઈના પવઈ-મરોલ વિસ્તારમાં આવેલી આ ઇમારતમાં અભિનયના વર્ગો ચલાવવામાં આવતા હતા. રોહિત આર્ય પર આરોપ છે કે તેણે ઓડિશનના નામે બાળકોને સ્ટુડિયોમાં બોલાવ્યાં અને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો.

ઘટના સમયે ૧૭ બાળકો અને કેટલાક પુખ્ત વયનાં લોકો અંદર હાજર હતાં. સાક્ષીઓના જણાવ્યા અનુસાર ગુરુવારે બપોરે ૩ થી ૩.૩૦ વાગ્યાની વચ્ચે બાળકો બારીઓમાંથી બહાર ડોકિયું કરતાં અને મદદ માટે બૂમો પાડતાં જોવા મળ્યાં હતાં, જેના પગલે લોકો નજીકમાં એકઠાં થયાં હતાં અને પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં જ પોલીસે વિસ્તારને ઘેરી લીધો અને બચાવ કામગીરી શરૂ કરી. સ્ટુડિયોની બહાર હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. અધિકારીઓ આરોપીની ઓળખની પુષ્ટિ કરવાનો અને તેના હેતુને સમજવાનો પ્રયાસ કરી રહ્યા હતા, સાથે જ બાળકોને સુરક્ષિત રીતે બચાવવાની વ્યૂહરચના પણ ઘડી રહ્યા હતા.

પોલીસ અને રોહિત આર્ય વચ્ચે લગભગ એક કલાક અને પિસ્તાળીસ મિનિટ સુધી વાતચીત ચાલુ રહી હતી, પરંતુ રોહિત આક્રમક રહ્યો અને તેણે દરવાજો ખોલવાનો ઇનકાર કર્યો હતો. આ દરમિયાન પોલીસે વાટાઘાટો ચાલુ રાખી હતી. થોડી ચર્ચા પછી રોહિતે કેટલીક માંગણીઓ કરી. પોલીસે તેને બાળકોને સુરક્ષિત રીતે છોડી દેવાની ચેતવણી આપી હતી. આખરે પોલીસ બાથરૂમની બારીમાંથી સ્ટુડિયોમાં પ્રવેશી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બધાં બાળકો અને એક મહિલાને સુરક્ષિત રીતે બચાવી લીધાં હતાં. ઓપરેશન દરમિયાન ઘાયલ થયેલા રોહિત આર્યને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું પછીથી મૃત્યુ થયું હતું. પોલીસે જણાવ્યું હતું કે તેઓએ આરોપી પાસેથી એક એરગન અને કેટલાક રાસાયણિક પદાર્થો જપ્ત કર્યા છે, જેની ઓળખ પુણેના રહેવાસી રોહિત આર્ય તરીકે થઈ છે. તે એક ઉદ્યોગપતિ હતો.

રોહિત આર્યના પ્રકરણમાં મહારાષ્ટ્ર સરકારના એક મંત્રીની સંડોવણી બહાર આવી છે. પોલીસનું કહેવું છે કે રોહિત આર્યે આ પગલું ભર્યું, કારણ કે છેલ્લા કેટલાક સમયથી તેની માંગણીઓ પૂર્ણ થઈ ન હતી. પ્રારંભિક માહિતી મુજબ રોહિત આર્યના પૈસા સરકારી પ્રોજેક્ટમાં અટવાયેલા હતા. દીપક કેસરકર રાજ્યના શિક્ષણ મંત્રી હતા ત્યારે રોહિત આર્યને એક શાળાના નવીનીકરણનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. તેને આ કામ માટે પૈસા ચૂકવવામાં આવ્યા ન હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે રોહિત આર્યએ ચુકવણી માટે કેસરકરના ઘરની બહાર ઘણી વખત વિરોધ પ્રદર્શન કર્યું હતું, પરંતુ તેને સરકાર તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો. રોહિત આર્ય મહારાષ્ટ્ર સરકારમાં ચાલતાં ઘણાં કૌભાંડોથી માહિતગાર હતો. બાળકોને બંધક બનાવવા દ્વારા તે સરકારી સ્તરે ચાલતા ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માગતો હતો, જેનો કેટલાક લોકોને ડર હતો.

રોહિત આર્યે અગાઉ આરોપ લગાવ્યો હતો કે શિક્ષણ વિભાગના મારી શાળા, સુંદર શાળા અભિયાન હેઠળ શરૂ કરાયેલ PLC સેનિટેશન મોનિટર પ્રોજેક્ટ નામના સ્વચ્છતા અભિયાન માટે તેમને તેમનાં બાકી નાણાં ચૂકવવામાં આવ્યા નથી. આર્યે વધુમાં આરોપ લગાવ્યો કે વિભાગે તેમના કામ માટે ૨ કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા, પરંતુ જાન્યુઆરી ૨૦૨૪ થી તેને પગાર આપવામાં આવ્યો નથી. આર્યે ગયા વર્ષે આ બાબતે બે ભૂખ-હડતાળ પણ કરી હતી. આર્યનો દાવો છે કે તે સમયના શિક્ષણ મંત્રી દીપક કેસરકરે તેમને વ્યક્તિગત રીતે ૭-૮ લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો અને બાકીની રકમ પછીથી ચૂકવવાનું વચન આપ્યું હતું, જે દાવો આજ સુધી પૂર્ણ થયો નથી.

આ અંગે પ્રતિક્રિયા આપતાં દીપક કેસરકરે જણાવ્યું હતું કે મેં તેમને વ્યક્તિગત રીતે મદદ કરી અને ચેક દ્વારા ચૂકવણી કરી હતી. સરકારી કામમાં બધી જોગવાઈઓનું પાલન કરવું જોઈએ. મને નથી લાગતું કે ૨ કરોડ રૂપિયાની બાકી રકમ હતી. જો એમ હોય, તો તેમણે વિભાગનો સંપર્ક કરીને મામલો ઉકેલવો જોઈતો હતો. કોંગ્રેસના નેતા વિજય વાડેટ્ટીવારે સરકારની ટીકા કરતાં કહ્યું કે સરકારે કેટલી ચૂકવણીમાં વિલંબ કર્યો છે? આવી બીજી કેટલી ઘટનાઓ બની શકે છે? જો સરકારનાં નબળાં નાણાંકીય આયોજનને કારણે નિર્દોષ બાળકોનાં મોત થયાં હોય, તો કોણ જવાબદાર હોત? શું તત્કાલીન શિક્ષણ મંત્રી કેસરકર કે મહાયુતિ સરકાર જવાબદારી લેશે? તે જ સમયે કોંગ્રેસનાં નેતા વર્ષા ગાયકવાડે પણ આ ઘટના અંગે રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે.

આ ઘટના દરમિયાન રોહિત આર્યનો એક કથિત વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં તે કહેતો સંભળાયો હતો કે ‘‘આત્મહત્યા કરવાને બદલે મેં બાળકોને બંધક બનાવ્યાં છે. મેં એક યોજના બનાવી છે અને કેટલાંક બાળકોને બંધક બનાવ્યાં છે. મારી માંગણીઓ બહુ ઓછી છે. તે ખૂબ જ સરળ અને નૈતિક છે. મારા કેટલાક પ્રશ્નો છે અને હું કેટલાંક લોકો સાથે વાત કરવા માંગુ છું. મને બીજું કંઈ જોઈતું નથી. હું આતંકવાદી નથી કે પૈસા માંગતો નથી. હું ફક્ત વાતચીત ઇચ્છું છું. તેથી જ મેં આ બાળકોને બંધક બનાવ્યાં છે. તમારી નાની ભૂલ મને આ જગ્યાને બાળી નાખવા માટે ઉશ્કેરશે. મને ખબર નથી કે હું બચીશ કે નહીં, પરંતુ બાળકોને ચોક્કસ નુકસાન થશે. મને દોષ ન આપો. જે લોકોએ મને બિનજરૂરી રીતે ઉશ્કેર્યો તેમને દોષ આપો. એક સામાન્ય માણસ ફક્ત બોલવા માંગે છે. એક વાર હું જે કહેવા માંગુ છું તે કહીશ, પછી હું પોતે આગળ આવીશ.’’

મુંબઈ અપહરણ કેસના આરોપી રોહિત આર્યનો વીડિયો સામે આવ્યા બાદ, ચર્ચા ફક્ત ગુના વિશે જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્યની અવગણના વિશે પણ ચાલી રહી છે. તેનાં નિવેદનો અને વર્તનથી પ્રશ્નો ઊભા થયા છે કે શું આ કેસ ફક્ત ગુનાની કથા છે કે સારવાર ન કરાયેલા માનસિક સ્વાસ્થ્યનું પરિણામ છે. માનસશાસ્ત્રના નિષ્ણાતો કહે છે કે જ્યારે મનુષ્યના મગજની સમયસર સારવાર ન કરવામાં આવે ત્યારે આ પ્રકારની આફતો અનિવાર્યપણે આવે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top