સુરત: આજે શુક્રવારે વહેલી સવારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા એક હીરાના કારખાનામાં ચોરીની ઘટના બની છે. સવારે કારખાનું ખુલ્યું ત્યાર બાદ એક ઈસમે આવીને કારખાનામાં ચોરી કરી હતી. ચોરીના પગલે કારખાનામાં દોડધામ મચી ગઈ હતી. કાપોદ્રા પોલીસે સ્થળ પર દોડી જઈ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર કાપોદ્રા બરોડા પ્રિસ્ટેજ મોહનનગરમાં આવેલા ખાતા નં. બી/ 24,25,26,27 સંત આશિષ ડાયમંડના કારખાનામાં લાખોના હીરા ચોરાયા છે. આજે સવારે નિયત ક્રમ અનુસાર 7.45 કલાકે કારખાનેદારને ખબર પડી કે તેમના 148 કેરેટ હીરા અંદાજે કિંમત 48.86 લાખના હીરા ચોરાયા છે. ચાલુ કારખાના દરમિયાન જ આ ચોરી થઈ હોવાનું ધ્યાન પર આવતા કારખાનદારે પોલીસને ફોન કર્યો હતો. બનાવની જાણ થતા કાપોદ્રા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસ સૂત્રોએ કહ્યું કે, કારીગરોની વચ્ચેથી કારખાનાની અંદર જઈ ચોરીએ ચોરી કરી છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે ચોર ઈસમ મોંઢા પર કપડું બાંધી અંદર પ્રવેશ્યો છે. હાલ સીસીટીવી ફૂટેજના આધારે તેની તપાસ હાથ ધરાઈ છે.
વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો
સીસીટીવી ફૂટેજ ચેક કરતા તે અજાણ્યો ચોર યુવાન બે દિવસ અગાઉ પણ કારખાનામાં આવ્યો હોવાનું ધ્યાન પર આવ્યું હતું. ચોર ઈસમ બે દિવસ પહેલાં રેકી કરવા કારખાનામાં આવ્યો હોવાની આશંકા છે. બિનસત્તાવાર રીતે 50 લાખના હીરાની ચોરી થઈ હોવાની વિગતો બહાર આવી છે. જોકે, પોલીસના અનુસાર અંદાજે 20 થી 25 લાખના હીરા ચોરાયા છે.
માથાભારે ઇસમોએ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી
સુરત : સુરત શહેરમાં માથાભારે તત્વો બેફામ બની ગયા છે અને તેમને પોલીસનો પણ ડર રહ્યો નથી. શહેર પોલીસ શર્મશાર થઇ જાય તેવી ઘટના સિંગણપોર પોલીસ સ્ટેશનમાં બની છે. અહીં માથાભારે તત્વોએ પહેલા તો પીસીઆર વાનનો વાયરલેસ સેટ તોડી નાંખ્યો હતો અને પીસીઆરના ચાલકનો કોલર પકડી લીધો હતો. વાત અહીંથી અટકી ન હતી. માથાભારે ઇસમોએ પોલીસ સ્ટેશનમાં જઇને પણ તોડફોડ કરી હતી.
આ ઘટનાની મળતી માહિતી અનુસાર સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ચાલક નિલેશ નમલિયા પીસીઆર વાન પર ફરજ બજાવી રહ્યાં હતાં ત્યારે, રાત્રે બાર વાગ્યે હરીદર્શન ખાડા પાસે એસએમસીના ખુલ્લા પ્લોટમાં બે ઇસમ બૂમબરાડા પાડી રહ્યાં હોવાનો કોલ મળતાં ત્યાં પહોંચ્યા હતાં. ત્યાં જઇને તેમણે બંનેને પકડી લીધા હતાં. આ બંને ઇસમોએ ડરવાના બદલે પોલીસને મારવાનું શરૂ કર્યું હતું અને પીસીઆર વાનનો કાચ તોડી નાંખ્યો હતો. તેમજ તેમનો કોલર પકડી લીધો હતો. એટલું જ નહીં તેમને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવતા ત્યાં પીએસઓની કેબિનનો કાચ પણ તોડી નાંખ્યો હતો. એટલું જ નહીં આ બંનેને પ્રાણનાથ હોસ્પિટલ લઇ જવાયા ત્યારે બે પૈકીના એકના ભાઇએ ત્યાં પોલીસને જોઇ લેવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે પોલીસે અમરોલીના કોસાડ આવાસ ખાતે રહેતા જીતુભાઇ ઉર્ફે મજનુભાઇ અશોકભાઇ કુંવર, તેના ભાઇ અમોલ અશોક કુંવર તેમજ પીપલ્સ બેંક ખાતે ઉદયનગરના ગંગાધર એપાર્ટમેન્ટમાં રહેતાં હિતેશભાઇ બાબુભાઇ આહિરની ધરપકડ કરી હતી.