સુરતઃ આજે તા. 20 જાન્યુઆરીના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટે ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત શપથ લેવા જઈ રહ્યાં છે ત્યારે આ યાદગાર પ્રસંગે સુરતના હીરા ઉદ્યોગકારોએ ટ્રમ્પને આપવા માટે અનોખી ભેંટ તૈયાર કરી છે. સુરતના રત્નકલાકારોએ લેબગ્રોન ડાયમંડમાંથી ટ્રમ્પની પ્રતિકૃતિ તૈયાર કરી છે. આ પ્રતિકૃતિ નવા રાષ્ટ્રપતિને ભેંટ સ્વરૂપે આપવામાં આવશે.
સુરતની ઓળખ સમાન ટેક્સટાઈલ ઉદ્યોગમાં અત્યાર સુધીમાં જે ટ્રેન્ડમાં હોય તેની સાડીઓ બનતી હતી. પરંતુ સુરતની શાન અને ઓળખ બની ચૂકેલા ડાયમંડમાંથી ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. ટ્રમ્પની શપથવિધિ સાથે અમેરિકાને 47માં રાષ્ટ્રપતિ મળ્યા છે. ત્યારે ટ્રમ્પને તેની જ પ્રતિકૃતિ અને તે પણ હીરામાંથી તૈયાર થયેલી ભેટ આપવા માટે 60 દિવસ મહેનત સાથે સુરતના અનુભવી પાંચ રત્નાકલાકારે 4.30 કેરેટના લેબગ્રોન ડાયમંડમાં બેનાવવામાં આવી છે.
સુરતની એક હીરા કંપની દ્વારા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ ટ્રમ્પની ખાસ પ્રતિકૃતિ વાળો લેબમાં ડાયમંડ તૈયાર કરવામાં આવ્યો છે. હીરો તૈયાર કરાવનાર ઉદ્યોગપતિ સ્મિત પટેલે કહ્યું કે, અમારા સુરતના કારીગરો દ્વારા ખાસ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિકૃતિ વાળો લેબગ્રોન ડાયમંડ બનાવવામાં આવ્યો છે. નેચરલ ડાયમંડ સામાન્ય રીતે ખાણમાંથી આવે છે અને બાદમાં સુરતમાં કટિંગ-પોલિશિંગ થાય છે. તેનાથી વિપરીત લેબગ્રોન ડાઈમંડ લેબની અંદર તૈયાર કરવામાં આવે છે. એની વેલ્યુ અને ગુણવત્તા રીયલ ડાયમંડની જેમ જ હોય છે. હાય પ્રેશરમાં અને લેબની અંદર તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ રત્નકલાકારો તેનું કટિંગ અને પોલિશિંગ કરે છે.
ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિકૃતિ વાળો આ ડાયમંડ બે મહિનામાં તૈયાર કરવામાં આવ્યો છે. અમારા પાંચ રત્નકલાકારો દ્વારા આ ખાસ ડોનલ ટ્રમ્પની પ્રતિકૃતિ વાળો ડાયમંડ બનાવવામાં આવ્યું છે, જેને સુરત તરફથી ડોનાલ્ડ ટ્રમ્પને ભેટમાં અપાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતની આજ કંપનીએ તૈયાર કરેલો ગ્રીન ડાયમંડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જોય બાઈડનની પત્નીને ઉપહાર સ્વરૂપ આપ્યો હતો.
