સુરતમાં એક રત્નકલાકાર રૂપિયા 5 લાખની કિંમતની નકલી ચલણી નોટો સાથે પકડાયો છે. પોતે છેલ્લાં એક વર્ષથી નકલી નોટોનો વેપલો કરતો હોવાની કબૂલાત રત્નકલાકારે સ્પેશ્યિલ ઓપરેશન ગ્રુપ પોલીસ સામે કરી હતી.
- રત્નકલાકાર 5 લાખની નકલી ચલણી નોટો સાથે પકડાયો
- ભીડભાડવાળી ખાસ કરીને શાકમાર્કેટની લારી, નાના ગલ્લા, છૂટક દુકાનદારોને નકલી નોટો પધરાવતો
SOGએ રત્નકલાકારને ઝડપી પાડ્યો છે. તેની પાસેથી 5.03 લાખની કિંમતની નકલી ભારતીય ચલણી નોટો મળી આવી છે. આરોપી પોતે હીરા મજૂરી કરતો હતો અને સાઈડ પર નકલી નોટોનો વેપલો કરતો હતો. છેલ્લાં એક વર્ષથી તે નકલી નોટોના કારોબાર સાથે જોડાયેલો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર 10 વર્ષથી સુરતમાં સ્થાયી થયેલો રત્નકલાકાર આરોપી પરેશ પુનાભાઈ હડીયા (ઉં.વ.27) મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ઘાંડલા ગામનો વતની છે. હાલ તે સુરતના પુણાગામમાં રહે છે. 6 વર્ષથી વરાછાની જાણીતી ડાયમંડ કંપનીમાં હીરા મજૂરીનું કામ કરે છે. તે છેલ્લાં એક વર્ષથી નકલી નોટોના વેપલા સાથે જોડાયેલો છે. તે ભીડભાડવાળી જગ્યા પર ખાસ કરીને શાકમાર્કેટની લારી, નાના ગલ્લા, છૂટક દુકાનદારોને નકલી નોટો પધરાવતો હતો.
પોલીસે આરોપી પરેશ હડીયા પાસેથી 5,55,5000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં રૂપિયા 5,03,500ની નકલી નોટો છે. તે ઉપરાંત એક મોબાઈલ ફોન અને મોટર સાયકલનો સમાવેશ થાય છે. પોલીસે હવે એ દિશામાં તપાસ કેન્દ્રીત કરી છે કે પરેશ હડીયા નકલી નોટો લાવતો ક્યાંથી હતો. તેના સપ્લાયરને પોલીસ શોધી રહી છે.
દરમિયાન આરોપી પરેશ હડીયાએ કબૂલાત કરી કે વધુ પૈસા કમાવાની લાલચે તે ગુનાહિત પ્રવૃત્તિમાં ધકેલાયો હતો. છેલ્લાં એક વર્ષથી તે પોલીસથી બચીને નકલી નોટોનો વેપાર કરતો હતો.