Business

હીરાના વેપારીઓ બન્યા સટોડિયા!

સુરતમાં શાહબંધુઓનો ક્રિકેટ સટ્ટો ખુલ્યોT20 ફાઈનલ પહેલાં સુરતમાં મોટો સટ્ટાબાજી રેકેટ પકડાયો, બે ભાઈઓ ઝડપાયા

સુરત શહેરમાં ક્રિકેટ વર્લ્ડ કપ ટી-૨૦ ફાઈનલના રોમાંચ વચ્ચે ક્રિકેટ સટ્ટાબજાર પર કડક નજર રાખી રહેલી સુરત ક્રાઈમ બ્રાંચે પાલ વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે. પાલના વિમલનાથ વ્યૂ એપાર્ટમેન્ટમાં ચાલતા ઓનલાઈન ક્રિકેટ સટ્ટાના અડ્ડા પર દરોડો પાડીને પોલીસે બે શાહબંધુઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ટી-૨૦ વર્લ્ડ કપ ફાઈનલ મેચને લઈ સટ્ટાબજાર ગરમાયો હતો. આ દરમિયાન સુરત ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે પાલ વિસ્તારમાં આવેલા વિમલનાથ વ્યૂ એપાર્ટમેન્ટમાં ક્રિકેટ પર ઓનલાઈન સટ્ટો રમાડવાનું નેટવર્ક ચાલી રહ્યું છે. બાતમીના આધારે પોલીસે ફ્લેટ નંબર C-303 પર દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન ફ્લેટના બેડરૂમમાં બે વ્યક્તિઓ નાના સ્ટડી ટેબલ પર બેઠા લાઈવ મેચ દરમિયાન રન, ઓવર અને જીત-હારના સોદા કરતા જોવા મળ્યા હતા. ત્યાંથી પોલીસે ૧૮ જેટલા મોબાઈલ ફોન અને એક લેપટોપ સાથે બંને આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓની ઓળખ ધવલ અરવિંદભાઈ શાહ (ઉંમર ૪૯, રહે. વિમલનાથ વ્યૂ એપાર્ટમેન્ટ, પાલ) અને મનીષ અરવિંદભાઈ શાહ (ઉંમર ૪૫, રહે. શ્રીપાલ રેસિડન્સી, પાલ) તરીકે થઈ છે.

પોલીસ પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. બંને ભાઈ અગાઉ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. પરંતુ ધંધામાં મોટી આર્થિક ખોટ જતાં દેવું ભરવા અને ઝડપથી નાણાં કમાવાની લાલચે તેઓ ક્રિકેટ સટ્ટાના ધંધામાં જોડાયા હતા.
આરોપીઓ dollar365.com, DMS અને GYM જેવી એપ્લિકેશન અને વેબસાઈટ દ્વારા ગ્રાહકોને ઓનલાઈન સટ્ટો રમાડતા હતા. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી ૧૮ મોબાઈલ ફોન, રાઉટર, ચાર્જર સહિત કુલ અંદાજે રૂ. ૮૪ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

વધુ તપાસમાં આરોપીઓએ જણાવ્યું હતું કે સટ્ટા માટેની આઈડી મુંબઈના ‘મિત્તલ’ નામના વ્યક્તિ પાસેથી મેળવી હતી. જ્યારે DMS એપ સુરતના ‘જલીયાન’ અને GYM એપ દુબઈના ‘વિનાયક’ નામના વ્યક્તિ મારફતે મળેલી હતી.આ ત્રણેય શખ્સોને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને સમગ્ર સટ્ટા નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top