સુરત: (Surat) કોરોના સંક્રમણ દરમિયાન સુરતમાં અને ગુજરાતમાં કામ કરતા 15 લાખથી વધુ રત્નકલાકારો અને તેમના પરિવારોને (Family) રાહત પેકેજ નહીં આપવા અને વ્યવસાયવેરો રદ કરવાની માંગણી નહીં સ્વીકારનાર રાજ્ય સરકારના વિરોધમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન ગુજરાત ડાયમંડ વર્કર (Diamond Workers) યુનિયને ઝુંબેશ શરૂ કરી છે. યુનિયન દ્વારા રત્નકલાકારોને લાગણીશીલ પત્ર લખી સત્તા પક્ષને સબખ શીખવવા અપીલ કરી છે.
ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ રમેશ ઝીલરીયા અને ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે, હીરાઉધોગમાં કામ કરતા કામદારો એટલે રત્નકલાકારો છેલ્લા ઘણા સમયથી પાયમાલ થઈ રહ્યા છે. બેરોજગારી અને આર્થિક તંગી તથા શોષણ અત્યાચાર અને ઓછા પગારમાં વધુ કામ કરાવવામાં આવી રહ્યું છે. હીરાને ચમકાવવાની લાયમાં રત્નકલાકારો અને તેમના પરિવારનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે. ત્યારે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રત્નકલાકારો સત્તા પક્ષને મત નહીં આપી તેમની લાગણીનો પડઘો પાડે તેવી લાગણી રત્નકલાકારોમાંથી ઊભી થઇ છે. વૈશ્વિક મહામારી કોરોનાવાયરસના કારણે જે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું તેમાં અમારા રત્નકલાકારો ભારે આર્થિક સંકટમાં આવી ગયા હતા. તેમ છતાં સરકારે રત્નકલાકારોને કોઈ જ મદદ કરી ન હતી. તેના બદલે સરકારે ઉદ્યોગકારોને વ્યાપક મદદ કરી હતી.
રત્નકલાકારોના પ્રશ્નો અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોનાકાળ દરમિયાન વારંવાર સમય માંગવા છતાં તેમણે મુલાકાત આપવાનું પણ ટાળ્યું હતું. નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે આર્થિક રાહત પેકેજનો મામલો મુખ્યમંત્રીના વિભાગ હસ્તકનો છે અને રત્નકલાકારોની લાગણી તેમના સુધી પહોંચાડવાની વાત કરી હાથ ખંખેરી લીધા હતા. સરકારે મોટા કારીગર વર્ગ પ્રત્યે સંવેદના દાખવી ન હોવાથી રત્નકલાકારોના સંગઠને સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન નાછૂટકે સત્તા પક્ષને સબક શીખવવાની અપીલ કરવી પડી છે.
હીરાઉદ્યોગમાં કામ કરતા રત્નકલાકારો કામદારની કેટેગરીમાં આવતા હોવા છતાં તેમને કામદારોને મળવાપાત્ર લાભો પીએફ, હક્ક રજા, પગાર સ્લીપ, બોનસ, ઓવરટાઈમ પગાર, ગ્રેજ્યુટી, ઇ.એસ.આઈ.સી, ઓળખપત્ર સહિતના લાભોથી વંચિત રાખવામાં આવ્યા છે. તેથી જે પક્ષ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં રત્નકલાકારોના આ મુદ્દે સહમત હોય તેવા પક્ષને મત આપવા અપીલ કરવામાં આવી રહી છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં સત્તા ધારી પક્ષ દ્વારા વ્યવસાયવેરો રદ કરવાનું વચન આપવામાં આવ્યું હતું.
તેનો અમલ સત્તા પક્ષે કર્યો નથી. તેના પગલે રત્નકલાકારોમાં અને તેમનાં સંગઠનોમાં સત્તા પક્ષ વિરુદ્ધ નારાજગી જોવા મળી રહી છે. કોરોનાકાળ દરમિયાન આર્થિક સંકડામણને કારણે આપઘાત કરનાર અનેક રત્નકલાકારોને સરકાર દ્વારા કોઇ આર્થિક સહાય મળી નથી. તેમના પરિવારના ગુજરાન માટે એનજીઓ અને રત્નકલાકારોના સંગઠનો વહારે આવ્યાં છે. સરકારે તેમની કોઇ દરકાર રાખી નથી એમ પણ રમેશ ઝીલરીયા અને ભાવેશ ટાંકે જણાવ્યું હતું.