Health

ડાયાબીટીસ રિવર્સલ કે ડાયાબીટીસ રેમિશન!

વર્ષોથી ડાયાબીટીસની બીમારીથી પીડાતા એક વરિષ્ઠ નાગરિક એકથી બીજા ડૉક્ટર અને એલોપથીથી લઈ હોમિયોપથી, આયુર્વેદિક કે નેચરોપથીના સહારે ભટકી આવ્યા. આ રોગ મટી જ જવો જોઈએ. ના મટે તો જે તે ડૉક્ટર ખરાબ, બસ એક જ ધૂન! મેડિકલ સાયન્સમાં એ સમજવાનો કોઈ દર્દીએ (એક બિન-તબીબ વ્યક્તિ તરીકે) પ્રયાસ જ ક્યાં કર્યો છે કે કયો રોગ કયોરેબલ છે અને કયો રોગ નોન-કયોરેબલ છે? એટલે કે કયો રોગ મટી શકે છે અને કયો રોગ મટી નહીં શકે ફક્ત એની સારવાર થઈ શકે? ક્લિનિકલ ટ્રાયલ ક્ષેત્રે અમે આને નોટ્-રીકવર્ડ અને નોટ્-રિસોલ્વડ્ જેવી ટર્મથી પણ ઓળખીએ છીએ. વાત જો આજની તારીખમાં કરીએ તો હવે કોઈ મેડિકલ તબીબ હોય કે ના હોય, સૌ કોઈ ચૂટકીમાં રિવર્સ કરવાની જાહેરાત અને ખાતરી આપતા થઈ ગયા છે. આજે હકીકતે નજીકથી સમજવાની કોશિશ કરીએ કે ખરેખર ડાયાબીટીસ રિવર્સલ અને ડાયાબીટીસ રેમિશન શું છે?

ડાયાબીટીસ અંગે માન્યતાઓ વિશે આગળ એક અંકમાં સમજ્યા અને આજે ડાયાબીટીસ શું છે, કેમ થાય છે, કેવી રીતે થાય છે, એની ઉપર હું વાત ન કરતા સીધા મુદ્દા પર વાત કરું તો 15 વર્ષથી ડાયાબીટીસ ધરાવતા 57 વર્ષના એક વડીલ એવા મારા દર્દી એમના જરૂર કરતાં વધુ વજન અને ડાયાબીટીસથી ચિંતિત રહેતા. અત્યંત શિસ્તબદ્ધ રીતે અનુશાસનમાં રહી વિવિધ નિષ્ણાતો જેમ કે ડાયાબીટીસ તથા મોટાપાના સ્પેશ્યાલિસ્ટ, ન્યુટ્રિશનિસ્ટ વગેરેના સૂચનોનું પાલન કરી સમય સાથે ધીમે ધીમે વજન ઉતારી દર 3 મહિને જરૂરી ટેસ્ટ કરાવ્યો અને લગભગ 12-15 મહિના બાદ તેમની દવા ચોથા ભાગની થઈ અને અંતે દવામુક્ત થયા. 6 મહિના કરતાં વધુ સમયથી જે દર્દીનો HbA1C દવા વિના 6.5% કરતાં નીચે રહેતો એ દર્દી ડાયાબીટીસ રેમિશનના તબક્કામાં છે એવું કહેવાય.

બસ આ દર્દી સાથે કંઈક આવું જ થયું. રેમિશન શબ્દ માત્ર એવું સૂચવે છે કે જેતે રોગ દવા વિના પણ નિયંત્રણમાં છે અને નિષ્ક્રિય છે પરંતુ ફરી પાછો ગમે ત્યારે આવી શકે ખરો અને કોઈક તબક્કે જીવનમાં ભવિષ્યમાં ફરી આ અનિયંત્રિત થાય તો સારવાર લેવી રહે. એટલે આનો મતલબ રિવર્સલ થતો નથી. તો વળી, છેલ્લા ફક્ત 5 કે 6 વર્ષ સુધીના ગાળામાં જેમને ડાયાબીટીસ નિદાન થયો છે અને તેનું કારણ મોટાપો કે એવું કંઈક છે અને એ ટાઇપ 2 ડાયાબીટીસ છે, (મોટાભાગે લોકો ટાઈપ 2 થી જ પીડાય છે અને આપણે વાત ટાઇપ 2ની જ કરીએ છીએ) તથા અન્ય કોઈ સારવારના વિકલ્પો ઉચિત નથી, એવા દર્દીઓમાં ચોક્કસ પ્રકારના ખોરાક, કસરત, વજન ઉતારવાથી લઈ વિવિધ પરિબળોનું ધ્યાન રાખી ફિઝિશ્યન કે ડાયાબીટીસ નિષ્ણાતની નિગરાની હેઠળ તેમની ટ્રીટમેન્ટ થતાં ડાયાબીટીસ રીવર્સ કરી શકાય છે.

ભારત તથા દુનિયામાં એક પ્રતિષ્ઠિત એન્ડોક્રાઇનોલોજિસ્ટ તરીકે અને ભારતના પૂર્વ માનદ્ પ્રધાનમંત્રીના પૂર્વ ફિઝિશ્યન તરીકે સેવા આપી ચૂકેલા, ડૉ. અનુપ મિશ્રા કે જે મારા માટે ગુરુ સમાન છે, એમના પુસ્તક ડાયાબીટીસ વિથ ડિલાઇટમાં તેઓ જણાવે છે કે ‘‘પહેલાંના સમયમાં ડાયાબીટીસ રિવર્સ કરવો અશક્ય હતો. પરંતુ, હવે અમુક પુરાવા તથા હાલના અમુક સંશોધનો, સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે જો શરૂઆતના સ્ટેજમાં પૂરતું વજન ઉતારવામાં આવે તો ડાયાબીટીસ રિવર્સ થઇ શકે અને એ માટે અત્યંત ઓછા કેલરીવાળું ડાયટ કે પછી બેરિયાટ્રિક સર્જરી એ વિકલ્પો છે. બેરિયાટ્રિક સર્જરી બાદ લગભગ બે અઠવાડિયામાં આ પરિણામ મળી શકે. બાકી અન્ય વિકલ્પો ચોક્કસ સમય માંગી લે. એ નોંધવું રહ્યું કે અમુક દર્દીઓ કે જે આગળ જતાં વજન જાળવી નથી રાખતા તેઓમાં ડાયાબીટીસ ફરી પાછો દેખાઈ આવે છે.’’

ડાયાબીટીસ રેમિશન હેઠળ આજે ઘણા દર્દીઓ સફળતા મેળવે છે પરંતુ જ્યારે ડાયાબીટીસ રિવર્સલની વાત આવે તો આપણે એ સમજીએ કે રિવર્સલનો અર્થ એ છે કે રોગ સંપૂર્ણપણે સારો થઈ ગયો છે અને પાછો નહીં જ આવે. જ્યારે રેમિશન સૂચવે છે કે જ્યાં સુધી દર્દી એક ચોક્કસ પરેજી અને નિયમોનું પાલન કરશે ત્યાં સુધી રોગ નિષ્ક્રિય રહેશે. એક 37 વર્ષના દર્દી જેઓને થોડા સમય પહેલાં જ ડાયાબીટીસ નિદાન થયો તેઓ કઈ રીતે રીવર્સ કરી શક્યા કે પછી, શું કહે છે સ્ટડી, સંશોધનો તથા આવા દર્દીઓ માટેના માપદંડ કે તેઓને સફળતા મળવાની શક્યતા માટે શું અચૂક કરવું રહ્યું અને આમ ડાયાબીટીસ રિવર્સલ શું ખરેખર શક્ય બની શકે એવા આજના સમયના સૌથી વિવાદાસ્પદ મુદ્દા અને પ્રશ્ન અંગે વધુ વાત આવતા અંકમાં.

Most Popular

To Top