વડોદરા છ શહેરમા ઠેર ઠેર ઢોરના કારણે રોડ અકસ્માતમાં વધારો થતા એક્શન મા આવેલ ઢોર પાર્ટી સાથે પોલીસ કાફલો હાજર હોવા છતા માથાભારે ગોપાલકો મારામારી કરીને છોડાવી જાય છે આવો જ વધુ એક બનાવ ગોરવા વિસ્તારમાં બન્યો હતો.ઢોર પકડવાની કામગીરી દરમિયાન પોલીસની હાજરીમાં ગોપાલકોએ કર્મચારીઓને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી પકડેલી ગાય છોડાવી સરકારી વાહનને પણ નુકસાન પહોંચાડયુ હોવાનો બનાવ સામે આવ્યો છે. ફરિયાદના આધારે ગોરવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા કોર્પોરેશનની ઢોર પાર્ટીમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરી કરતા કર્મચારી અરુણ દેવરેએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, ગઈકાલે કોર્પોરેશન દ્વારા ગોરવા વિસ્તારમાં લોકોની સલામતી માટે રખડતા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન નંદેશરી અને ગોરવા પોલીસ મથકનો સ્ટાફ બંદોબસ્તમાં હાજર હતો. દરમિયાન ધરમપુરા ગામ પાસે રખડતી ગાયને કોર્પોરેશનની ટીમે પકડી હતી. એકાએક પૂર ઝડપે એક્ટિવા પર સવાર બે ગોપાલકો ઘસી આવ્યા હતા. અને અમારી ગાયને છોડી દો તેમ કહી દાદાગીરી કરીને અપશબ્દો બોલતાહતા . ઉશ્કેરાયેલાં બંને ઈસમોએ ઝપાઝપી કરી હતી. અને કેવી રીતે અહીંથી ગાયને લઈ જાવો છો તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દરમિયાન બળજબરી કરી ગાયને છોડાવી ગયા હતા તેમજ સરકારી વાહનમા તોડફોડ પણ કરીને નુકસાન પહોંચાડ્યું હતું. બનાવ અંગેની જાણ પોલીસ કંટ્રોલને કરતા બન્ને ગોપાકો સ્થળ પર પોતાનું એકટીવા મૂકી નાસી છૂટયા હતા. ગોરવા પોલીસે બંને હુમલાખોર ગોપાલકો ની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા હતા.