Gujarat

ધોલેરા વૈશ્વિક સ્તરે સ્માર્ટ સિટી બનશે, ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટની કામગીરી પણ જોરમાં

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનની મુલાકાત લઇ નિર્માણાધીન પ્રકલ્પોને નિહાળ્યા બાદ જણાવ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીએ ધોલેરાને (Dholera) વૈશ્વિક સ્તરે સ્માર્ટ સિટી (Smart City) બનાવવાનું જે વિઝન આપ્યું હતું તે સાકાર થઇ રહ્યું છે. વડાપ્રધાન દ્વારા દેશમાં ૧૦૦ સ્માર્ટ શહેરોના વિકાસ માટેની કેન્દ્ર સરકારની યોજનામાં ગુજરાતના (Gujarat) ધોલેરા સર અને ગિફ્ટ સિટીનો પણ સમાવેશ કર્યો છે. એમ પણ પટેલે કહ્યું હતું.

પીએમ નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત- ”મેઇક ઇન ઇન્ડીયા”નો જે મંત્ર આપ્યો છે તેને દેશ-વિદેશના ઉદ્યોગ રોકાણકારોને ગુજરાતમાં આકર્ષિત કરીને ૧૦૦ ટકા ચરિતાર્થ કરવા ગુજરાત સરકાર કૃતસંકલ્પ હોવાનું જણાવી મુખ્યમંત્રીએ આ નિર્ધાર પૂર્ણ કરવા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન્સ ઉપર ગુજરાત સરકાર વિશેષ ભાર આપી રહી છે, તેમ કહ્યું હતું.

શહેરોની વધતી વસ્તી અને ગીચતાના વિકલ્પરૂપે મોટા શહેરોને સેટેલાઇટ સિટી તરીકે તેમજ મધ્યમ કદના શહેરોને આધુનિક બનાવવાનું જે વિઝન પીએમ મોદીએ આપ્યું છે તે પરપાટિ પર ચાલીને ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસની સાતત્યપૂર્ણ પરંપરામાં પર્યાવરણ જાળવણીનો પણ ખ્યાલ રાખીને ધોલેરાને ઔદ્યોગિક સિટી તરીકે વિકસીત કરવાની સાથે ગ્રીન ફીલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સિટી બનાવવા પણ સરકાર કાર્યરત હોવાનું તેમણે જણાવ્યું હતું.

૯૨૦ ચોરસ કિ.મી વિસ્તારમાં વિકસી રહેલા ધોલેરા એસ.આઈ.આર (SIR) સૌથી મોટું ગ્રીનફિલ્ડ ઈન્ડસ્ટ્રીયલ ઈન્વેસ્ટમેન્ટ રિજીયન અને ઈન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સીલ દ્વારા પ્લેટિનમ રેટિંગ મેળવનાર ભારતનું સૌપ્રથમ ગ્રીનફિલ્ડ ઈન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી હોવાનું મુખ્યમંત્રીએ જણાવીને ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજીયન સિંગાપોર જેવા દેશના વિકસીત વિસ્તાર કરતાં પણ મોટું છે, તેમ ઉમેર્યુ હતું.

ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ માટેની કામગીરી પણ કાર્યરત
ધોલેરા સર એરોસ્પેસ, ડિફેન્સ, એન્જિનિયરિંગ, ઓટો પાર્ટસ, ફાર્માસ્યુટિકલ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇલેક્ટ્રોનિક, એગ્રો-ફૂડ પ્રોસેસિંગ, રિન્યુએબલ એનર્જી ક્ષેત્રના ઉદ્યોગો માટે બેસ્ટ પોટેન્શિયલ ધરાવે છે. તદ્ઉપરાંત એક હજાર એકર વિસ્તારમાં અહિં ગ્લોબલ એજ્યુકેશન પુરૂં પાડતો સ્પેશિયલ એજ્યુકેશન રિજીયન પણ આકાર પામવાનો છે.

ધોલેરામાં માત્ર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ જ નહિં, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટને પણ મહત્વ આપ્યું છે, એની વિસ્તૃત છણાવટ મુખ્યમંત્રીએ કરી હતી. ધોલેરા-સરથી સાડા ત્રણસો કિલોમીટરની રેડિયસમાં આવેલા અમદાવાદ શહેર, પીપાવાવ પોર્ટ, કંડલા પોર્ટ, મુન્દ્રા પોર્ટ, નિર્માણાધીન ભાવનગર CNG પોર્ટ વગેરે ધોલેરા-સરને સીમલેસ લોજિસ્ટિક એન્ડ સપ્લાય ચેઇન પૂરી પાડવામાં આવશે તેમજ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ માટેની કામગીરી પણ કાર્યરત હોવાનું મુખ્યમંત્રીએ કહ્યું હતું.

Most Popular

To Top