Gujarat

યુનેસ્કો દ્વારા કચ્છના પ્રાચીનત્તમ નગર ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ

યુનેસ્કો દ્વારા કચ્છના પ્રાચીનત્તમ નગર ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટસની જાહેર કરેલી યાદીમાં કચ્છના હડપ્પન સંસ્કૃતિના પ્રાચીનત્તમ નગર ધોળાવીરાને સ્થાન આપીને ગુજરાતને ચાર-ચાર વર્લ્ડ હેરિટેજ સાઇટસ ધરાવતા રાજ્ય તરીકે સ્થાન આપ્યું છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ઘટનાને અંગે કહ્યું હતું કે આ બાબત સમગ્ર ગુજરાત માટે ગૌરવવંતી ક્ષણ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે ભારતની પ્રાચીન વિરાસત અને સંસ્કૃતિને વિશ્વ ફલક પર ઊજાગર કરવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતાની ફલશ્રુતિ રૂપે ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીએ કચ્છ રણોત્સવની શરૂઆત કરાવીને વિશ્વભરના પ્રવાસન, સંસ્કૃતિ પ્રેમીઓને કચ્છમાં આવવા પ્રેરિત કર્યા અને સાથોસાથ આ પ્રાચીનત્તમ નગર ધોળાવીરા પણ પૂરાતન સ્થાનોમાં રસ-રૂચિ ધરાવનારા પ્રવાસન પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રીનો પણ આ માટે સૌ ગુજરાતીઓ વતી હ્વદયપૂર્વકનો આભાર વ્યકત કર્યો છે.

ધોળાવીરા 4500 વર્ષ જુનું નગર

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે કચ્છના ખડીર રણ વિસ્તારમાં વસેલું ધોળાવીરા આશરે ૪૫૦૦ વર્ષ પૂરાણી શ્રેષ્ઠ નગર રચનાનું એક આગવું દ્રષ્ટાંત છે. આ પ્રાચીન નગરના મકાનો, ઇમારતો અને સ્ટ્રકચરનું નિર્માણ તે સમયે મોહેં-જો-દરો અને હડપ્પાની જેમ જ ઇંટ નહિ પરંતુ પથ્થરોથી કરવામાં આવેલું હતું. આ નગરમાં ભૂગર્ભ ગટર અને જળસંચય, જળસંરક્ષણની પણ સુઆયોજીત અને સક્ષમ વ્યવસ્થાઓ તત્કાલિન સમયે વિકસાવવામાં આવેલી હતી જે આજે પણ ઉદાહરણ રૂપ છે.

ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ થતાં ગુજરાતને ચાર-ચાર વર્લ્ડ હેરિટેજ સાઇટસ ધરાવતા રાજ્યનું પણ ગૌરવ મળ્યું છે. આ અગાઉ ર૦૦૪માં ચાંપાનેરને, ર૦૧૪માં રાણકી વાવને, ર૦૧૭માં અમદાવાદને વિશ્વના પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીની ગૌરવ સિદ્ધિ મળેલી છે. હવે, ર૦ર૧માં યુનેસ્કોએ કચ્છના ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સમાવેશ કરીને વિશ્વ વિરાસત નકશામાં ગુજરાત વધુ એકવાર ચમકી ગયું છે.

Most Popular

To Top