Gujarat

વલસાડ સહિત રાજ્યમાં 1 ઓગસ્ટ સુધી હળવાથી ભારે વરસાદની વકી

રાજ્યમાં મંગળવારે વરસાદનું જોર ઘટ્યું છે. જેના પગલે રાજ્યમાં 85 તાલુકાઓમાં હળવો વરસાદ થયો હતો. મંગળવાર સવારે ૬.૦૦થી બપોરના ૨.૦૦ સુધી રાજ્યમાં ૧૭-જિલ્લાના ૬૧-તાલુકાઓમાં વરસાદ નોધાયો છે. ખાસ કરીને છોટા ઉદેપુર તાલુકાના જેતપુર પાવી તાલુકામાં 19 મીમી વરસાદ થયો હતો.

હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે દક્ષિણ રાજસ્થાન પર રહેલી સાયકલોનિક સરકયૂલેશનની સિસ્ટમની એસર હેઠળ ગુજરાત છે. જેના પગલે રાજ્યમાં તા.1લી ઓગસ્ટ સુધી હળવાથી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જેમાં વલસાડ જિલ્લામાં ભારે અને અન્ય જિલ્લાઓમાં હળવાથી મઘ્યમ વરસાદની સંભાવના છે. મંગળવારે દિવસ દરમ્યાન તેજપુર પાવી ઉપરાંત તાપીને ડોલવણમાં 16 મીમી, વલસાડના ધરમપુરમાં 15 મીમી, આણંદના આંકલાવમાં 15 મીમી વરસાદ થયો હતો.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 196 તાલુકાઓમાં વરસાદ થયો હતો. જેમાં સૌથી વધુ આણંદના પેટલાદમાં સવા પાંચ ઈંચ વરસાદ થયો હતો. બોરસદમાં 4 ઈંચ, ડોલવણમાં પોણા ચાર ઈંચ, ધરમપુરમાં સાડા ચાર ઈંચ, વિસાવદરમાં અને ખેરગામમાં સવા ત્રણ ઈંચ, આણંદના તારાપુરમાં 3 ઈંચ વરસાદ થયો હતો. એકંદરે 41 તાલુકાઓમાં 1થી સવા પાંચ ઈંચ વરસાદ થયો હતો.

રાજ્યમાં સરેરાશ વરસાદ 34.14 ટકા નોંધાયો
રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ 34.14 ટકા એટલે કે ૨૮૬.૮૧ મી.મી. વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત ઝોનમાં 36.93 ટકા જ્યારે કચ્છ ઝોનમાં 31.34 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 33.21 ટકા, પૂર્વ મધ્ય ઝોનમાં 32.37 ટકા અને ઉત્તર ગુજરાત ઝોનમાં ૨૮.61 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. પાછલા ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ ૮૪૦ મી.મીની સરખામણીએ ૩૪.૧૪% છે. હવામાન ખાતાની આગાહી મુજબ આગામી દિવસોમાં વરસાદની સંભાવના છે, તેવા તમામ જિલ્લાઓમાં જિલ્લા કલેકટર તથા સમગ્ર વહીવટી તંત્રને એલર્ટ રહેવા સૂચના આ૫વામાં આવી હતી.

SDRFની ૧૧ ટીમ એલર્ટ પર : NDRFની ૮ ટીમો ડીપ્લોય અને ૭ ટીમ રીઝર્વ

એન.ડી.આર.એફ.ની કુલ ૧૫ ટીમમાંથી ૮ ટીમો ડીપ્લોય કરવામાં આવી છે. જે પૈકી વલસાડ, સુરત, નવસારી, રાજકોટ, ગીરસોમનાથ, જુનાગઢ, કચ્છ અને મોરબી ખાતે ૧-૧ ટીમ ડીપ્લોય કરવામાં આવી છે. અને ૨-ટીમ વડોદરા અને ૧-ટીમ ગાંધીનગર ખાતે રીઝર્વ રાખવામાં આવેલી છે. એસ.ડી.આર.એફ.ની કુલ ૧૧ ટીમ હવામાન વિભાગની આગાહી ધ્યાને લઇ એલર્ટ રાખવામાં આવેલી છે.

અંદાજીત ૬૪.૮૫ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર – 9 જળાશય હાઈ એલર્ટ પર

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રાહત કમિશનર અને અધિક સચિવના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠકમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઈ હતી.કૃષિ વિભાગના અધિકારીએ કહ્યું હતુ કે ચાલુ વર્ષે તા. તા.૨૬ જુલાઇ ૨૦૨૧ સુધીમાં અંદાજીત ૬૪.૮૫ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગત વર્ષે આ સમયગાળા દરમ્યાન ૬૪.૨૮ લાખ હેક્ટર વાવેતર થયેલું હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૭૫.૮૦ ટકા વાવેતર થયેલું છે.

  • 9 જળાશય હાઈ એલર્ટ, 7 એલર્ટ પર
    સિંચાઇ વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે સરદાર સરોવર જળાશયમાં ૧૫૫૧૧૭ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શક્તિના ૪૬.૪૩ ટકા છે. રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૨૫૨૬૧૭ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના ૪૫.૩૨ ટકા છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-૦૯ જળાશય, એલર્ટ ૫ર કુલ-૦૭ જળાશય તેમજ વોર્નિંગ ઉ૫ર-૦૯ જળાશય છે.

Most Popular

To Top