નવી દિલ્હી: સીબીઆઇએ (CBI) રૂ. ૩૪૬૧૫ કરોડના ડીએચએલએફ (DHLF) કૌભાંડ (SCAM) કેસ સંદર્ભમાં આજે બિલ્ડર અવિનાશ ભોસાલેના પરિસરમાંથી એક ઓગસ્ટાવેસ્ટલેન્ડ હેલિકોપ્ટર (Helicopter) કબજે કર્યું છે એમ અધિકારીઓએ આજે જણાવ્યું હતું.
કબજે લેવામાં આવેલુ હેલિકોપ્ટર ઓગસ્ટાવેસ્ટલેન્ડ કંપનીનું એડબલ્યુ૧૦૯એસપી હેલિકોપ્ટર છે અને તે વારવા એવિએશન નામની કંપનીએ ખરીદ્યું હતું. આ કંપની કેટલાક લોકોની મંડળીની માલિકીની છે. આ હેલિકોપ્ટર ૨૦૧૧માં રૂ. ૩૬ કરોડમાં ખરીદવામાં આવ્યું હતું એમ અધિકારીઓએ જણાવ્યું હતું. પુણે સ્થિત આ બિલ્ડર પણ ડીએચએફએલ કૌભાંડના એક આરોપી છે અને આ કૌભાંડ સંદર્ભમાં હાલ છેલ્લા કેટલાક સમયમાં કબજે કરવામાં આવેલ કેટલીક વૈભવી અને કિંમતી વસ્તુઓમાં આ હેલિકોપ્ટરનો પણ ઉમેરો થયો છે. કૌભાંડીઓ દ્વારા કરવામાં આવેલા રોકાણો કે ખરીદીઓની માહિતી મળ્યા બાદ આજે પુણેના બનેર રોડ ખાતે આવેલા અવિનાશ ભોસાલેના પરિસરમાં આવેલા એક હેન્ગરમાંથી આ હેલિકોપ્ટર કબજે કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે સીબીઆઇએ તાજેતરમાં ભોસાલે પર ડીએચએફએલ અને યસ બેન્કના ભ્રષ્ટાચારના એક જુદા કેસમાં તાજેતરમાં આરોપનામુ મૂક્યું છે. હેલિકોપ્ટરના મેઇનટેનન્સનો ખર્ચ આ કૌભાંડના મુખ્ય આરોપીઓ વાધવાન બંધુઓ તરફથી અપાયો હતો એમ માનવમાં આવે છે.