Madhya Gujarat

કાલોલ પંથકમાં કુદરતી સૌંદર્યથી આચ્છાદિત સ્થળ એટલે દેવપુરાનું ધર્મેશીયા મહાદેવ મંદિર

કાલોલ : દેવપુરાનો દેવ એટલે ધર્મેશીયા દેવ.ધર્મેશીયા એટલે ધર્મનો ઈશ્વર. સદૈવ સૌનું માત્ર ધરમ એટલે કે સારું જ કરનારો ઈશ્વર. ગુજરાત રાજ્યની પૂર્વ દિશામાં આવેલા કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાનું દેવપુરા ગામ. વડોદરા શહેરથી અંદાજિત ૬૧ કિમી દૂર. તથા ગોધરા નગરથી ૨૬ કિમી દૂર આવેલું, આશરે ૨૦૦ વર્ષ જુનું નાનકડું પણ ભવ્ય અને દિવ્ય વારસો ધરાવતું, કુદરતી સૌંદર્યથી ભરપૂર એવું “ધર્મેશીયા મહાદેવ”નું મંદિર. અહીં વર્ષો જૂના વિશાળકાય પથ્થરોની વચ્ચે કુદરતી રીતે નિર્મિત ગૂફામાં બિરાજે છે.

”સ્વયંભૂ શિવલિંગ સ્વરૂપે ભગવાન શિવ”ગામના સૌથી વયોવૃદ્ધ વડીલ એવા હિંમત પરમાર (ઉં.વ. ૭૬) ના જણાવ્યાં મુજબ એમના વડવા  જસ્તાભાઈ વસ્તાભાઈ પરમાર તેમના પરિવાર સાથે હાલોલ તાલુકાના કણજરી ગામેથી અહીં પશુપાલન તથા ખેતી કરવા આવ્યા અને દેવપુરા ગામ વસાવ્યું. વળી, ગામના દેવ એવા ધર્મેશીયા દેવના નામ ઉપરથી આગળ જતા દેવપુરા એવું નામાભિધાન કરવામાં આવ્યું. આ દેવ સ્થાને હાલમાં ધર્મેશીયા મહાદેવનું મંદીર, હનુમાન મંદીર, બળીયા દેવ મંદીર, કાળ ભૈરવનાથ મંદિર તથા ગામના જ રતનસિંહ શંકરસિંહ પરમારના પુરુષાર્થ અને ગામના સહયોગથી નવનિર્મિત રાધાકૃષ્ણ મંદિર છે. અહીં આજે પણ ગ્રામજનો દ્વારા ખેતરોમાં પાકતું પહેલું અનાજ ધર્મેશીયા દેવને અર્પણ કરવામાં આવે છે. આજ દિન સુધી કોઈપણ વ્યક્તિની બાધા વિફળ ગઈ નથી. આજેપણ સ્થાનિકો તથા આસપાસના લોકો અહીં શિવોપાસના તથા કુદરતી સૌંદર્યનો આસ્વાદ માણવા આવે છે.

Most Popular

To Top