આણંદ : પેટલાદ ગ્રામ્ય પોલીસની ટીમે મંગળવારની મોડી સાંજે ધર્મજ ગામે દરોડો પાડ્યો હતો. આ દરોડાની કાર્યવાહીથી હૃદયરોગના હુમલાથી બુટલેગરનું મોત નિપજ્યું હતું. ધર્મજ ગામે છેલ્લા કેટલાક સમયથી વિનોદ તળપદા નામનો યુવક દેશી દારૂનો અડ્ડો ચલાવે છે. આ વિનોદ દેશી દારૂમાં કેમિકલ ભેળવતો હોવાની બાતમી પેટલાદ ગ્રામ્ય પોલીસ ટીમને મળી હતી. આથી, પેટલાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ખાસ ટીમ બનાવી મોડી સાંજે સાતેક વાગ્યાની આસપાસ ધર્મજ ગામે વિનોદ તળપદાના ઘરે દરોડો પાડ્યો હતો. આ દરોડા સમયે પોલીસની ટીમે તેના ઘરને કોર્ડન કરી લીધું હતું. આ ઉપરાંત હાજર તેના પરિવારજનોની પણ પુછપરછ શરૂ કરી હતી.
આ કાર્યવાહી દરમિયાન વિનોદ અચાનક દરવાજા પાસે જ બેભાન થઇ ઢળી પડ્યો હતો. આ દૃશ્ય જોઇ તેના પરિવારજનો અને પોલીસ ટીમ પણ ચોંકી ગઇ હતી. બેભાન થયેલા વિનોદને તાત્કાલિક સારવારની જરૂર જણાતાં તુરંત ધર્મજના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત્યું પામેલ જાહેર કર્યો હતો. આ ઘટનાથી પેટલાદ ગ્રામ્ય પોલીસ પર આક્ષેપો થાય તે પહેલા સમજાવટથી કામ લીધું હતું. બીજી તરફ દરોડા સમયે વિનોદના પરિવારજનોની સામે જ બનાવ બન્યો હોવાથી સ્થિતિ સ્પષ્ટ હતી. આમ છતાં આગળની કાર્યવાહી માટે પોલીસે વિનોદના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે કરમસદ શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
આ સમગ્ર ઘટના અંગે નાયબ પોલીસ અધિક્ષક ડી.એચ. દેસાઇએ જણાવ્યું હતું કે, ધર્મજના ઇન્દિરાનગરીમાં રહેતો વિનોદ તળપદા દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી. જે આધારે પોલીસે વિનોદ તળપદાના ઘરે દરોડો પાડ્યો હતો. જોકે, પોલીસને દુરથી જ જોતા તેણે દરવાજો બંધ કરી દીધો હતો. જેથી પોલીસે દરવાજો ખટખટાવી ઘરનો દરવાજો ખોલાવ્યો હતો. પરંતુ પોલીસે દરોડાથી ગભરાઇ ગયેલા બુટલેગર વિનોદ દરવાજા પાસે જ બેભાન થઇ ઢળી પડ્યો હતો. જેને પોલીસે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં હૃદયરોગના હુમલાથી તેનું મોત થયાનું ડોક્ટરે પ્રાથમિક તારણ આપ્યું હતું. આ ઘટના અંગે પોલીસે તેના પિતા અને પરિવારને જાણ કરી હતી. જેથી તેમના આવ્યા બાદ વિનોદના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કરમસદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
વિનોદ બે – ત્રણ મહિનાથી દેશી દારૂ ગાળી વેચાણ કરતો હોવાનું તેના પિતાએ કબુલ્યું
પેટલાદના નાયબ પોલીસ અધિક્ષક ડી.એચ. દેસાઇએ જણાવ્યું હતું કે, વિનોદ તળપદાના માતાના નામે બે કેસ થયેલા હતાં. જે બાદ તેના પરિવારમાંથી કોઇ જ ઉપર કેસ નોંધાયાં નથી. પોલીસને વિનોદ તળપદા બાબતે બાતમી મળી હતી. આથી, પોલીસે દરોડો કર્યો હતો. જોકે, મૃતક બુટલેગરના પિતા શિવભાઈએ કબુલ્યું છે કે તેનો દિકરો છેલ્લા બે – ત્રણ માસથી દેશી દારૂ ગાળવાનો અને તેનું વેચાણ કરવાનો ધંધો કરતો હતો.