ધરમપુર: (Dharampur) વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન ધરમપુર ખાતે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. રેલીમાં એક જ આદિવાસી ચાલે ના ગીત (Song) ઉપર ડીજેની (DJ) તાલે યુવાનો ઝૂમી ઉઠ્યા હતા, જોકે આ ગીત દરમિયાન એક યુવકના ખભા પર બેસી અન્ય યુવક એક હાથમાં તીર-કામઠું અને બીજા હાથમાં ઇસ્લામનો ઝંડો (Flag) લઈને નૃત્ય કરતો હોય તેવો વીડિયો (Video) સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ થતાં ભારે ચકચાર મચી ગઈ હતી. લોકોને આ વાતની જાણ થતાં હોબાળો મચી ગયો હતો. ધરમપુર પોલીસ તથા વહીવટી તંત્ર દોડતુ થઈ ગયું હતું, જોકે યુવક દ્વારા પાકિસ્તાની ઝંડો લહેરાવાની વાતમાં બીજી જ હકીકત સામે આવી હતી.
- ધરમપુરમાં આદિવાસી દિવસની ઉજવણીમાં પાકિસ્તાની ઝંડો ફરકવાની વાતે તંત્ર દોડતું થયું
- જોકે યુવક દ્વારા પાકિસ્તાની ઝંડો લહેરાવાની વાતમાં બીજી જ હકીકત સામે આવી
- તપાસમાં આ ઝંડો પાકિસ્તાનનો નહીં પરંતુ ઇસ્લામ ધર્મનો હોવાનું બહાર આવ્યું
નવમી ઓગષ્ટે આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન રેલીમાં એક જ ચાલે, આદિવાસી ચાલે, ગીત ઉપર નાચી રહેલાં યુવક પાસે પાકિસ્તાની ઝંડો હોવાનું હિન્દુ સંગઠનોના સોશિયલ મીડિયા ગ્રુપમાં વાયરલ થતાં આ મુદ્દે વાતાવરણ તંગ બન્યું હતું. જોકે સમગ્ર ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરતાં આ વિડીયો શાકભાજી મારકેટ બજારમાં રહેતાં આદિલ નામના યુવાને સોશિયલ મીડિયામાં મૂકયો હોવાનું જાણવા મળ્યું હતું. પરતું આ વિડીયો કયાંનો છે, એ ખબર પડી ન હતી. ધરમપુરના યુવાને ઈસ્ટાગ્રામ ઉપર અપલોડ કરેલો આ વીડિયો દિવસ દરમિયાન ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.
બાદમાં મોડી સાંજે મુસ્લિમ સમાજનાં આગેવાન શબ્બીર બાહનાન, તાલુકા પંચાયતના સભ્ય કલ્પેશ પટેલ, સજજાદ શેખ અને મોલાના તલહા સહિત યુવાનો મોટી સંખ્યામાં ધરમપુર પોલીસ મથકે પહોંચી પીએસઆઇ પ્રજાપતિને મળી આ ઝંડો પાકિસ્તાનનો ન હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ ઝંડો મુસ્લિમ ધર્મ નો ધાર્મિક ઝંડો છે. આ કહીકત બહાર આવતા છેવટે આ વાતનો ફિયાસ્કો થયો હતો. ધરમપુરના પીએસઆઇ પ્રજાપતિએ તપાસ કરતાં આ ઝંડો પાકિસ્તાન નો નહીં હોવાનું જણાવી આ ઝંડો મુસ્લિમ ધર્મનું પ્રતીક હોવાનું જણાવ્યું હતું. તે બાદ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.