વલસાડ: ધરમપુર (Dharampur) એસટીમાં (ST) ફરજ બજાવતા કંડકટર (Conductor) પાસે રજા મંજૂરી માટે રૂ.200ની લાંચ લેતા ધરમપુર એસટી ડેપોનો આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર રંગે હાથ પકડાઈ ગયો હતો. વલસાડ એસીબીએ આ ટ્રેપ ડેપોમાં જ ગોઠવી હતી.ધરમપુર એસટી ડેપોમાં નોકરી કરતા એક કંડકટરના ઘરે ધાર્મિક વિધિ હોય તેને બે દિવસની રજાની જરૂર હતી. જેના માટે તેણે બે દિવસની રજા માટે અરજી કરી હતી.
એસીબીએ ધરમપુર ડેપોમાં જ એક ટ્રેપ ગોઠવી
ટ્રાફિક ઇન્સ્પેક્ટર રમેશકુમાર પ્રભાતસિંહ રાવતે રજા ફોર્મ સાથે રૂ. 200 વહેવાર પેટે આપી જવા જણાવ્યું હતું. કંડક્ટરે લેવાની રકમ આપવાના સંદર્ભે વલસાડ એસીબીને જાણ કરી હતી. વલસાડ એસીબીએ ધરમપુર ડેપોમાં જ એક ટ્રેપ ગોઠવી રૂ.200ની લાંચ લેતા એટીએસ રમેશકુમારને પકડી પાડ્યો હતો. તેને ડીટેઇન કરી તેની સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
દમણના ડાભેલની દુકાનામાંથી 34 મોબાઈલ ચોરી કરનાર પકડાયો
દમણ : સંઘપ્રદેશ દમણમાં 10 સપ્ટેમ્બરના રોજ ડાભેલના સોમનાથ વિસ્તારમાં સેન્ટર પોઇન્ટ બિલ્ડીંગમાં રાઈટ ચોઈસ ટેલિકોમ દુકાનમાં મોડી રાત્રે કોઈ ચોરે દુકાનની પાછળના ભાગનું શટર તોડી અંદર પ્રવેશી અલગ અલગ બ્રાન્ડના 34 નંગ મોબાઈલ ફોન તથા 8 જેટલી એક્સેસરીઝ જેની અંદાજિત કિં.4.70 લાખ લઈને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ બીજા દિવસે વાપી ચલા મુક્તાનંદ માર્ગ પાસે આવેલા શ્રીજી એપાર્ટમેન્ટમાં રહેતા દુકાનદાર જતીનકુમાર નરેશભાઈ વેદાંતને થતાં તેઓ તુરંત દમણ પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે આવી જરૂરી કાર્યવાહી કરી દુકાન તથા આસપાસના સી.સી.ટીવી કેમેરા ફૂટેજની તપાસ કરી ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
પોલીસે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો
જેમાં પોલીસે સોમનાથ વિસ્તારનાં સી.સી. ટીવી કેમેરા ફૂટેજ તથા બાતમીદારો પાસેથી મળેલી જાણકારી અને હ્યુમન ઈન્ટેલિજન્સ અને અન્ય ટેકનીકલ સન સાધનોની મદદથી આ કામના ચોર સુધી પહોંચવામાં સફળતા મેળવી છે. પોલીસે ડાભેલના આટિયાવાડ ચાર રસ્તા પાસે રહેતો અને મૂળ ઉત્તર પ્રદેશનો 18 વર્ષીય આમીર હકીક કુરેશીની ધરપકડ કરી પોલીસ મથકે લાવી સઘન પૂછપરછ કરતાં તેણે ગુનો કબુલ કર્યો હતો. પોલીસે આરોપી ચોરાયેલા 34 પૈકી 33 મોબાઈલ ફોન, 8 પૈકી 4 મોબાઇલ એક્સેસરીઝ તથા એક 80 નામની મોપેડ કબ્જે કરી આરોપીને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.