ધરમપુર: (Dharampur) ધરમપુરમાં છત્રપતિ શિવાજી મહારાજની (Shivaji Maharaj) પ્રતિમા બદલવા અને એની ઉપર ચાલી રહેલા છત્રીનાં બાંધકામને અટકાવવા ગ્રામજનોએ લેખિત રજૂઆત કરી હતી. ધરમપુર પાલિકા (Dharampur Municipality) દ્વારા વિવિધ વિસ્તારોમાં અલગ અલગ મહાનુભાવોની પ્રતિમાઓ મુકાઇ છે. જેમાંથી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ત્રણ દરવાજા પાસે મુકવામાં આવી છે. આ સ્થળ ઉપર મુકાયેલી પ્રતિમા સ્ટેજની સરખામણીમાં નાની છે અને શિવાજી મહારાજનાં વ્યક્તિત્વને શોભે તેવી લાગતી નથી. પ્રતિમાનાં (Statue) આકાર અને દેખાવમાં જે વીરત્વ દેખાવું જોઈએ એ દેખાઈ રહ્યું નથી અને શિવાજી મહારાજનું ગૌરવ જાળવતી નથી.
- ધરમપુરમાં શિવાજી મહારાજની પ્રતિમા બદલવા અને બાંધકામને અટકાવવા રજૂઆત
- મુકાયેલી પ્રતિમા સ્ટેજની સરખામણીમાં નાની હોવાથી રજૂઆત કરાઈ
ઉપરથી એવી સ્થિતિમાં આ પ્રતિમાની ઉપર નવી પાક્કા બાંધકામવાળી છત્રી બનાવવાનું કામ શરૂ કરાયું છે, પ્રતિમાની આજુબાજુ ખાડા ખોદવાનું કામ ચાલુ કરી દેવાયું છે. જે કામ અટકે એ માટે ગ્રામજનો અને ખાસ કરીને મરાઠી સમાજનાં લોકો દ્વારા ધરમપુર નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરાઇ હતી. પ્રતિમા ઉપર જો પાક્કા બાંધકામવાળી છત્રી બંધાશે તો પ્રતિમા હજી દબાઈ જશે.
એક અંદાજ પ્રમાણે આ પ્રતિમાઓની ઉપર છત્રી બનાવવા માટે પાલિકાએ 36 લાખ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે તો આ જ બજેટમાંથી છત્રી બનાવવાની જગ્યાએ શિવાજી મહારાજનાં વ્યક્તિત્વને ન્યાય આપે એવી નગરજનો અને નગરપાલિકાનાં સંયુક્ત પ્રયત્નોથી નવી પ્રતિમાં જ મૂકવામાં આવે એવી માંગણી લેખિત રજૂઆત દ્વારા કરાઈ છે.
ચીખલી કોલેજના ક્રિકેટરોની યુનિવર્સિટીની ક્રિકેટ ટીમમાં પસંદગી
ઘેજ : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતની ક્રિકેટ ટીમની પસંદગી સ્પર્ધા સતત છ દિવસ સુધી યુનિવર્સિટી ક્રિકેટ ગ્રાઉન્ડ પર યોજાઇ હતી. જેમાં યુનિવર્સીટી સંલગ્ન કોલેજોમાંથી 150 ક્રિકેટરોએ ભાગ લીધો હતો. જેમાં ચીખલીની એમ આર દેસાઇ આર્ટસ એન્ડ ઇ.ઇ.એલ.કે. કોમર્સ કોલેજનાં 2 ક્રિકેટરો સુજલ જીવાણી (એફ.વાય.બી.એ) અને રંગ દેસાઇ (એસ.વાય.બીકોમ) ની વીર નર્મદ દ.ગુ.યુનિ. સુરતની 16 સભ્યોની ક્રિકેટ ટીમમાં પસંદગી થઇ છે. જેઓ ઓલ ઇન્ડિયા વેસ્ટ ઝોન ઇન્ટર યુનિ ક્રિકેટ સ્પર્ધા પંડિત દિનદયાલ ઉપાધ્યાય શેખાવતી યુનિ. સીકર – રાજસ્થાનમાં ભાગ લઇ રહ્યા છે. જેઓને તાલીમ અને માર્ગદર્શન ચીખલી કોલેજનાં શા.શિ.નાં પ્રોફેસર ડો. જયમલ નાયકે પુરુ પાડ્યું હતું. આ સિદ્ધી બદલ સંસ્થાના ચેરમેન અને મેનેજિંગ ટ્રસ્ટી દર્શનભાઇ દેસાઇ, સેક્રેટરી સોનલબેન દેસાઇ, કોલેજનાં આચાર્યા ડો.ફાલ્ગુનીબેન દેસાઇ, ઉપાચાર્યા ડો.મુકેશભાઇ પટેલ તથા સમગ્ર કોલેજ સ્ટાફ પરિવારે બેન ખેલાડીઓને અભિનંદન આપી શુભેચ્છા પાઠવી હતી.