પ્રાકૃતિક સૌંદર્યના ધામસમા વલસાડમાં આવેલું ધરમપુર ઐતિહાસિક વારસાને જાળવીને બેઠું છે. તેનો આ વૈભવ ધરમપુરના લેડી વિલ્સન મ્યુઝિયમમાં દૃષ્ટિગોચર થાય છે. ધરમપુર નગર રજવાડી નગરી તરીકે પ્રખ્યાત છે. ધરમપુર નગરપાલિકા વિસ્તારની કુલ વસતી 29 હજાર છે. પાલિકાના કુલ 7 વોર્ડ ધરાવે છે. મતદારોની કુલ સંખ્યા 24 હજાર છે. હાલમાં ધરમપુર નગરપાલિકાની કુલ 24 બેઠક ફાળવવામાં આવી છે. જ્યારે છેલ્લાં 30 વર્ષથી ધરમપુર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી એકહથ્થુ શાસન ભોગવી રહી છે. જો કે, હાલમાં પાલિકામાં ભાજપે 24માંથી 15 બેઠક કબજે કરી સત્તાને સ્થાને છે. જ્યારે કોંગ્રેસે માત્ર 9 બેઠક મેળવી વિરોધ પક્ષમાં બેસી નગરજનોના પ્રશ્નોની રજૂઆતો કરવા સફળતા મેળવી હતી. ધરમપુર નગરપાલિકામાં આ વખતે પ્રથમ અઢી વર્ષ પ્રમુખ પદે એડ્વોકેટ ઉપદીપસિંહ સોલંકીએ કાર્યભાર સંભાળ્યો હતો, જેમાં શહેરના ત્રણ દરવાજા ખાતે સ્પોર્ટસ ક્લબ તથા સ્વિમિંગ પુલ તથા જાહેર આર.સી.સી.ના રસ્તા કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયા હતા. બાદ બીજા અઢી વર્ષના પ્રમુખ પદે જ્યોત્સ્નાબેન દેસાઈ તથા ઉપપ્રમુખ પદે નરેશ પટેલે કાર્યભાર સંભાળ્યો હતો, જેમાં બાગ-બગીચામાં સાધનો ફાળવવા તથા નગરના વિવિધ વિસ્તારોમાં ડો.બાબા આંબેડકર, બિરસા મુંડા તથા શિવાજી મહારાજની પ્રતિમાઓનું કરોડો રૂપિયાના ખર્ચ નિર્માણ કરવામાં આવ્યું હતું. પાલિકા દ્વારા હાથીખાના વિસ્તારમાં શિવ તળાવનું નિર્માણ કરાયું છે. હાલમાં નગરમાંથી પસાર થતી સ્વર્ગવાહી નદીના કિનારે શિવ તળાવનું નિર્માણ કાર્ય કરવામાં આવતાં નગરજનોને આ તળાવ ઉનાળામાં હરવા-ફરવા માટેનું કેન્દ્ર સ્થાન બન્યું છે. ધરમપુર શહેરમાં છેલ્લાં 30 વર્ષથી એકહથ્થું શાસન ભાજપ ભોગવી રહ્યો છે. તેમના શાસનમાં માર્ગો આવાસો સહિત અનેક વિકાસ કાર્યો થયાં છે.
ધરમપુરનું જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર વિજ્ઞાન અને સંસ્કૃતિના સંગમસમું બન્યું
ધરમપુરના ગૌરવને નવી ઊંચાઈ આપતું આધુનિક વિજ્ઞાન તીર્થ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર છે. ભૂતકાળના વૈભવને કલા કસબના વારસાને આગળ વધારીને આધુનિક વિજ્ઞાન સાથે આજની પેઢીને જોડવાની કડીરૂપ ભૂમિકા ભજવતું આ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર વિજ્ઞાન અને સંસ્કૃતિના સંગમસમું બન્યું છે. સાયન્સ ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સનો નવતર અભિગમ STEM તરીકે જગપ્રસિદ્ધ છે, તેમાં આજની દુનિયાને A-એટલે કે આર્ટસનો ઉમેરો કર્યો છે. ધરમપુર જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના પ્રાંગણમાં પ્રવેશો એટલે એક નાનકડા સુંદર અરણ્યમાં પ્રવેશતા હોય તેવું લાગે વિશાળ કદની ડોલની પ્રતિમા માત્ર એક રૂપિયાના સિક્કા જેટલી જગ્યામાં કેન્દ્ર બનાવીને ઘૂમતી હોય ત્યાંથી શરૂ થતો વિજ્ઞાનનો ચમત્કાર તમને વિજ્ઞાનની આધુનિક દુનિયામાં લઈ જાય છે.
વિજ્ઞાનનાં રહસ્યો, રોમાંચ અને ચમત્કારસમાં તથ્યો અહીં બહુ સરળતાથી ઉઘાડવામાં આવે છે. અહીંની સૌથી મોટી વિશેષતા એ છે કે, વિજ્ઞાન અહીં ભારેખમ નથી કે અઘરું નથી ! રમતા રમતા વિજ્ઞાનના નિયમો સમજી શકો તેવી તેની રચના છે. પ્રકૃતિનાં સંતાનો એવા વનબંધુ વિસ્તારનાં બાળકોમાં પણ બુદ્ધિ અને પ્રતિભા પૂરતા પ્રમાણમાં હોય છે. તેમને અવસર અને સવલત મળે તો વિકસતા વિશ્વ સાથે કદમ મિલાવવા તેઓ સક્ષમ બને છે. વનબંધુ વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં જિજ્ઞાસા જાગે અને વિજ્ઞાનના નિયમો, શોધ, સંશોધન, શિક્ષણ પરત્વે વધુ ઉત્સુક બને એ માટે ધરમપુર તાલુકાનું વિજ્ઞાન કેન્દ્ર પ્રેરણાસ્ત્રોત બન્યું છે.
અહીં પ્રસ્થાપિત વિજ્ઞાન કેન્દ્ર રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ, સાંસ્કૃતિક વિભાગ, ભારત સરકાર દ્વારા સંચાલિત છે. જે વલસાડના ધરમપુરના મથકે આવેલું છે. 1984માં તેની સ્થાપના કરવામાં આવી હતી અને કુલ 4.5 એકરના વિસ્તારમાં ફેલાયેલું છે. આ વિજ્ઞાન કેન્દ્ર ગુજરાતમાં સૌથી જૂનું અને જિલ્લામાં સૌપ્રથમ કેન્દ્ર છે. આ વિજ્ઞાન કેન્દ્ર સતત 38 વર્ષથી કાર્યરત છે. આ વિજ્ઞાન કેન્દ્રની વિશેષતા એ છે કે, ગુજરાતના સૌથી મોટા વિજ્ઞાન કેન્દ્ર, ગાંધીનગર અને મુંબઈના વિજ્ઞાન કેન્દ્ર કરતાં પણ કેટલીક વધારે અદ્યતન સુવિધાઓ, સેવાઓ અને ઉપકરણોથી સુસજ્જ છે. અહીં વિજ્ઞાનને ચાર વિભાગમાં વહેંચવામાં આવ્યું છે.
જેમાં કેન્દ્રમાં વિજ્ઞાન લોકપ્રિય વિજ્ઞાન (POPULAR SCIENCE), મનોરંજક વિજ્ઞાન (FUN SCIENCE), પ્રતિબોધ વિજ્ઞાન (PERCEPTION) અને કિયાકલાપ કાર્યો તથા નક્ષત્રાલય (PLANETARIUM), શિક્ષણ વિસ્તરણ પ્રવૃત્તિઓ (EDUCATION EXTENSION PROGRAMS), થ્રીડી વિજ્ઞાન શો (3D SCIENCE SHOW) મીરર મેજિક એક્ઝિબિશન વગેરે જેવી સુવિધા સાથે બાળ વિજ્ઞાન ઉદ્યાન, પશુ-પક્ષી દર્શનનો સમાવેશ થાય છે. અહીંના ઈનોવેશન હબ (INNOVATION HUB) બાળકો માટે વિશેષ પ્રોત્સાહકનું કેન્દ્ર બન્યું છે, જેમાં વિવિધ પ્રોજેક્ટ બાળકો દ્વારા જાતે તૈયાર કરવામાં આવે છે.
500થી વધારે કોમ્પોનન્ટ જોડીને બાળકો રોબોટ તૈયાર કરે છે અને તેમાં વિવિધ કમાન્ડ સેટ કરી તેની પાસે કામો કરાવવામાં આવે છે. વિવિધ પ્રોજેક્ટને લગતી કોમ્પિટિશન પણ યોજવામાં આવે છે. જેમાં બાળકો શાળા વતી ગ્રુપમાં અથવા વ્યક્તિગત રીતે ભાગ લે છે. વર્ષ-2019માં ડાંગ જિલ્લાના વિદ્યાર્થી દ્વારા અહીં તૈયાર કરવામાં આવેલો પ્રોજેક્ટ નેશનલ કક્ષાએ પસંદગી પામી જાપાન ખાતે પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. જે આ કેન્દ્ર અને સૌ બાળકો માટે પ્રેરણાસમાન સાબિત થયું છે.
ધરમપુરની 127 વર્ષ જૂની SMSM હાઈસ્કૂલના જીર્ણોદ્ધાર માટે મુંબઈના દાતાએ 6.41 કરોડ આપ્યા
ધરમપુર એસ.એમ.એસ.એમ. હાઈસ્કૂલની સ્થાપના ઈ.સ.1895માં થઈ હતી. આ શાળા 127 વર્ષ જૂની હોવાથી ઓરડાઓમાં મોટી મોટી તિરાડો પડી ગઈ હતી. જો કે, શાળાના જીર્ણોદ્ધાર માટે વધુ ભંડોળની આવશ્યકતા હોવાથી ધરમપુરના પરમ પૂજ્ય શરદ વ્યાસ દ્વારા ભાગવત સપ્તાહની કથા દ્વારા જીર્ણોદ્વાર કરવાનો સફળ પ્રયત્નો થયો હતો. ગામના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા ડોક્ટર, વકીલ, વેપારીઓ તથા નગરજનો દ્વારા શાળાના જીર્ણોદ્ધાર માટે ભંડોળ એકઠું કરવાની તજવીજ હાથ ધરાતાં 1 કરોડ રૂપિયા દાન શાળાને મળ્યું હતું.
બાદ મુંબઈનાં ઉદ્યોગપતિ ગીતાબેન રાકેશભાઈ શાહ દ્વારા 6.41 કરોડનું માતબર દાન આપવામાં આવ્યું હતું. જેના કારણે કેળવણીમંડળ સંચાલિત ચાલતી એસ.એમ.એસ.એમ. હાઈસ્કૂલના જીર્ણોદ્ધાર માટે શાળાના 21 ઓરડા 3 લેબોરેટરી તથા એક અદ્યતન લાઇબ્રેરી તેમજ શિક્ષકો, વિદ્યાર્થીઓ માટે પાર્કિંગનું સેડ અદ્યતન સુવિધાથી સજ્જ તૈયાર કરવામાં આવ્યું હતું. જો કે, રાકેશભાઈ શાહ હજુ 15 ઓરડા માટે દાન આપનાર છે. હાલમાં એસએમએસએમ હાઈસ્કૂલમાં ધો.11થી 12માં 1294 વિદ્યાર્થી તથા ધો.8,9,10માં 786 વિદ્યાર્થી ગુણવત્તા લાવી શિક્ષણ લઈ રહ્યા છે. શાળા 42નો સ્ટાફ ધરાવે છે, જેમાં શિક્ષકો 10 તથા શિક્ષિકા 32 તથા ચાર પટાવાળાનો સ્ટાફ-કર્મચારીઓ મળી કુલ 46નો સ્ટાફ છે.
બાળકો વિજ્ઞાનના ગૂઢ નિયમો રમતા-રમતા શીખી જાય છે: ઈકબાલ ઢાલાઈત
ગ્રહણના દિવસે આકાશ દર્શન કરવા માટે ધરમપુર વિજ્ઞાન કેન્દ્રમાં નજીવા દરે વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે. આ કેન્દ્ર પાસે બે મોબાઈલ વાનની સુવિધા અદ્યતન વૈજ્ઞાનિક સાધનો સાથે ઉપલબ્ધ છે. વિજ્ઞાન કેન્દ્રના જિલ્લા વિજ્ઞાન અધિકારી ઈકબાલ ઢાલાઈત જણાવે છે કે, ‘અહીં બાળકો પાઠ્ય પુસ્તકમાં ભણેલી બાબતોને જાતે જોઈ, અનુભવી, સ્પર્શ કરી વિજ્ઞાનના ગૂઢ નિયમો રમતા-રમતા શીખી જાય છે. માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ જો અહીં આવે અને વિજ્ઞાનમાં રસ લે તો તેમને અને આ સ્થાન વિશેષ મદદરૂપ બને. આ કેન્દ્રમાં સી.વી.રામન-પ્રખ્યાત વૈજ્ઞાનિકનું 3-ડી સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુરમાં મુલાકાતીઓને નવા વિજ્ઞાનના મોડેલ અને પ્રદર્શનો જોવા મળશે એમ પ્રજ્ઞેશ રાઠોડ, એજ્યુકેશન ઓફિસર, જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુરે જણાવ્યું હતું.
ગાંધી બાગમાં રંગબેરંગી ફુવારા આકર્ષણરૂપ
ધરમપુરના મધ્યમાં આવેલા ગાંધીબાગ વિસ્તારમાં સ્થાપિત કરાયેલી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમા ઇટાલિયન માર્બલમાંથી બનાવાઈ હતી. જે આકર્ષક પ્રતિમા આજે પણ અડીખમ ઊભી છે. તેમજ આ ગાંધી બાગમાં રાજા-રજવાડાના સમયનું એક નાનો પ્રાચીન ટાવર આવેલો છે. તેમજ ગાંધી બાગમાં રંગબેરંગી ફુવારા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ગાંધી બાગ ખાતે આ વિસ્તારની એક જાગૃત મહિલા અગ્રણી સુશીલા ભટકલ દ્વારા ગાંધીજીની પ્રતિમા સ્થાપિત કરાઈ હતી. આજે પણ ગાંધી બાગ અસંખ્ય પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.
ઈ.સ.1921ના ઐતિહાસિક ત્રણ દરવાજા ધરમપુર શહેરની શાન
ધરમપુરની રજવાડી નગરીમાં પ્રવેશતી વખતે પહેલાં એસ.એમ.એસ.એમ. હાઈસ્કૂલ પાસે આવેલા ત્રણ દરવાજામાંથી પસાર થવું જરૂરી છે. અતિ ભવ્ય એવા આ કલાત્મક દરવાજા ધરમપુર શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. રાજ્ય રોહણ દરવાજા તરીકે ઓળખાતા આ ત્રણ દરવાજા ધરમપુરના રાજા મહારાણા વિજયદેવજી રાણાના 2 માર્ચ, 1921માં સંવત 1911 ફાગણ વદ-3ના રોજ ધરમપુર રાજ્યની ગાદી ઉપર બિરાજમાન થયા તેની યાદગીરીમાં બનાવ્યા હતા. આ ઐતિહાસિક ત્રણ દરવાજાનાં બાંધકામનું ખાતમુહૂર્ત મહારાજા વિજયદેવજીની દીકરી ધનવંતકુંવર બાઈજીના હસ્તે ઈ.સ.1921માં કરવામાં આવ્યું હતું. જેના ચાર પીલ્લર ઉપર ભાગ્યદેવી, સંગીતાદેવી, દયાદેવી અને ન્યાયદેવી એમ ચાર દેવીની મૂર્તિઓ અડીખમ ઊભેલી જોવા મળતાં લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી.
આમોદ્દીન બાવાની દરગાહ પ્રત્યે હિન્દુ અને મુસ્લિમોની પરમ શ્રદ્ધા
ધરમપુર નગરમાં આમોદ્દીન બાવા પધાર્યા હતા. ઇ.સ.1968માં ભારે વરસાદ સાથે વાવાઝોડા આવ્યું ત્યારે આમોદ્દીન બાવા આટલા વરસાદમાં વાવાઝોડામાં એક ફાનસ લઇ રાત્રે ધરમપુર નગરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયા હતા. તેમણે વાવાઝોડાને શાંત થઇ જા, એવું કહેતાં વાવાઝોડું વરસાદ સાથે શાંત થઇ ગયું હતું. આજે અમોદ્દીન બાવાની દરગાહે હિન્દુ-મુસ્લિમો દર ગુરુવારે મુલાકાત લઇ મન્નતો માંગી દર્શન કરતા હોય છે.
રાજા રજવાડાના સમયનાં ઐતિહાસિક મંદિરો આકર્ષણનું કેન્દ્ર બન્યાં
ધરમપુર શહેરમાં રાજા રજવાડાનાં સમયનાં 300 વર્ષ જુના ઐતિહાસિક મંદિરો મોહનગઢની તળેટીમાં આવેલાં હોવાથી આ પ્રાચીન મંદિરો સૂર્યવંશી મહારાજા મોહન દેવજીની સ્મૃતિ તાજી કરાવે છે. ધરમપુરના મોહનગઢ ડુંગર ઉપર શ્રીમદ્ રામચંદ્ર આશ્રમ આવેલો છે. આ આશ્રમ દ્વારા અનેક રચાનાત્મક પ્રવૃત્તિઓ ચલાવાય છે. ઉપરાંત શ્રીમદ્ રાજચંદ્ર મિશન દ્વારા અનેક પ્રવૃત્તિઓ ચલાવાઈ રહી છે. તેમજ મોહનગઢ ડુંગરની તળેટીમાં હનુમાનજીનું મંદિર તથા શિવજીનું અતિ પ્રાચીન મંદિરો જોવા મળે છે. આ મંદિરોમાં દર વર્ષે અનેક નાના-મોટા કાર્યક્રમો યોજાતા હોય છે.
ઉપરાંત ડુંગરની તળેટીમાં રાજા-રજવાડાના સમયથી આવેલું એક તળાવ છે. આ તળાવની બાજુમાં ભગવાન શ્રીરામનાં પાવન પગલાનાં અવશેષો એક જૂની ડેરીમાં સાચવવામાં આવ્યાં છે. પરંતુ હાલમાં શ્રીરામનાં પગલાંનાં અવશેષો નષ્ટ થવાને આરે છે. હજારો વર્ષ પૂર્વે શ્રીરામ જ્યારે વનવાસ માટે ગયા હતા ત્યારે આ જંગલોમાંથી થઇ આ તળાવ પાસે રોકાયા હોવાની લોકવાયકા છે. શ્રીરામના પાવન પગલાંનાં અવશેષોની મોહનગઢ મહાદેવ મંદિરના પૂજારી દિનેશભાઈ દ્વારા દેખરેખ હેઠળ હોવાથી તેઓ દીવો સળગાવે છે. ધરમપુર શહેરના લોકો પણ રામનવમીના દિવસે પૂજા-અર્ચના માટે આ તળાવની બાજુમાં આવેલી ડેરીમાં મૂકેલા રામનાં પગલાંની પૂજા-અર્ચના કરે છે.
200 વર્ષ જૂનું ઐતિહાસિક સતીમાતાનું મંદિર આસ્થાનું કેન્દ્ર
વિષ્ણુજી નામના વિદ્વાનના બે પુત્રો હતો, જેમાં મોટા પુત્રનું નામ જગન્નાથ અને બીજાનું નામ પરશુરામ હતું. જ્યારે વિષ્ણુજી અને કેશવજી (રામનગર એટલે કે હાલનું ધરમપુર) રાજ્યમાં સૈન્યમાં ઉચ્ચ અધિકારી પદ ઉપર બિરાજમાન હતો. એ બંને દળવી (એટલે સૈન્યના) અધિકારીની પદવી ધરમપુરના રાજાએ આપી હતી. આ કારણે એમના નામ વિષ્ણુજી દળવી અને કેશવજી દળવી પડ્યું હતું. જગન્નાથને બે પુત્રો હતા. અને ત્રણ કન્યા હતી. બપાબાઈ દીપી અને કૃષ્ણી. આ બપાબાઈનાં લગ્ન ચૌબળ અટકના વિઠોળા નામના સદગૃહસ્થ સાથે થયાં હતાં.
તેમના બે પુત્રો હતા. બપાબાઈને પતિ પ્રત્યે અત્યંત પ્રેમ હતો. બપાબાઈ બાળપણથી ઉચ્ચ વિચારવાળાં અને સંસ્કારી હતાં. જો કે, એક વખત વિઠોળા કોઈક કામસર નાસિક ગયા હતા. જ્યાં એમણે શેરડીનો રસ પીતાં તે કારણથી તેમની તબિયત બગડતાં અવારનવાર ઝાડા-ઊલટી થયા હતા. આવી પરિસ્થિતિમાં વિઠોળાને ધરમપુર લઈ આવ્યા હતા. બાદ વિઠોળાનાં ધર્મપત્ની બપાબાઈ એમની આત્મીયતાથી સેવા કરવા લાગ્યાં હતાં. સતત ત્રણ દિવસ અન્નનો એક દાણો કે પાણી પણ પીધું નહીં. પતિની સેવા કરવામાં મગ્ન થઈ ગયાં.
ચોથા દિવસે પતિના સ્વાસ્થ્યમાં કોઈ ફરક ન જણાતાં બપાબાઈએ વાડામાં તુલસી વૃંદાવનની પૂજા કરી પ્રદક્ષિણા કરવા માંડી અને પ્રભુનું નામ સ્મરણ ચાલુ રાખ્યું. જો કે, તેમના પતિના પ્રાણ છૂટી ગયા છતાં બપાબાઈએ પોતાના પતિ ગુજરી જતાં એનો કોઈપણ જાતનો શોક ન કરતાં તે અંદરના રૂમમાં ગયાં અને લગ્ન સમયનો શણગાર કરી લગ્નની સાડી શેલો પહેરી આભૂષણો વગેરે પરિધાન કર્યાં. સમાજના બધા લોકો તે સમયે હાજર હતા. બાદ રૂમમાંથી બપાબાઈ બહાર ન આવતાં તેમનાં માતા-પિતા જોવા માટે ગયાં, ત્યારે બપાબાઈ લગ્નનો શણગાર સજીને તૈયાર થઈ રહ્યાં હતાં.
આ જોઈ માતા-પિતાને પુત્રી બપાબાઈનું મગજ ખસી ગયું છે એવું લાગ્યું. પરંતુ બપાબાઈને માતા-પિતાએ પૂછ્યું: ‘તું શું કરી રહી છે, તારા પતિનું મૃત્યુ થયું છે.’ પરંતુ બપાબાઈ જે કંઈ કરું છું તે યોગ્ય છે. હું મારા પતિ સાથે સહગમન કરવાની છું. તે સમયે સમાજના લોકોએ બપાબાઈને સમજાવવાના પ્રયાસો કર્યા. પરંતુ કોઈને દાદ આપી નહીં. મારો નિર્ધાર દૃઢ છે. હું પતિ સાથે નિશ્ચિત સહગમન કરવાની છું.
બપાબાઈના આ નિર્ણયથી લોકો ખૂબ જ નિરાશ થયા. તે સમયે મોહીતે અટકવાળા એક ગૃહસ્થે તે સમયના રાજાને વિનંતી કરતાં બાદ કોઈપણ કાયદો ન મૂકંતા બપાબાઈને સહગમન માટે અનુમતિ અપાવી. પરંતુ પરિસ્થિતિની ખાતરી કર્યા બાદ રાજા ત્યાં આવ્યા. કોઈપણ શક્તિ બપાબાઈને એમના દૃઢ સંકલ્પથી પાછી ફેરવી શકે એવી ન હતી. બાદ રાજાએ ખુશીથી સહગમન માટે અનુમતી આપી. રાજાએ પોતે પ્રેતયાત્રામાં સહભાગી થવા માટે ઈચ્છા દર્શાવી અને વાજિંત્રો મોકલ્યા. વિઠોળાની અર્થીની પાછળ બપાબાઈ ચાલતાં હતાં.
એમની પાછળ રાજા પોતે તેમજ બધા અધિકારીઓ અને સમાજના લોકો ચાલી રહ્યા હતા. તેજ અરસામાં બપાબાઈનાં ચરણોમાંથી કંકુ પડતું હતું. જેના લીધે પગનાં તળિયાં કંકુમય થયા હતા. પ્રેતયાત્રા જ્યારે સ્મશાનભૂમિ ગઈ પછી ચિતા તૈયાર કરવામાં આવી. અને બપાબાઈને પૂછવામાં આવ્યું કે, ‘તું ચિતા ઉપર ક્યારે બેસવાની છે. એમણે જવાબ આપ્યો હજુ સમય બાકી છે’. કારણ એમનો દિયર બહારગામ ગયો છે. તે ઉપસ્થિત થવાનો હતો. તે આવ્યો એટલે એમના બંને પુત્રો દિયરને સોંપ્યા.
લોકોએ બપાબાઈની ચિતાને અમે અગ્નિ આપીએ, એમ કહેતાં બપાબાઈએ ચિતા પ્રગટાવવાની આવશ્યકતા નથી. જ્યારે બપાબાઈએ તેમના જમણા પગના અગૂઠાનો પ્રહાર ચિતા ઉપર કર્યો. અને આશ્ચર્યની વચ્ચે એમના જમણા પગના અંગૂઠામાંથી આપમેળે અગ્નિ પ્રજ્વલિત થયો. અને ચિતા સળગી ઊઠી. ધરમપુરના એ વખતના રાજાએ તે સ્થળ ઉપર જ્યાં શિલા પડી હતી, તે જગ્યાએ શિલાની સ્થાપના કરીને મંદિર બંધાવ્યું. જો કે, સતીમાતાના મંદિરના જીર્ણોદ્ધારને 2000 સાલ થયા છે. પરંતુ આજે પણ સતીમાતાની જન્મ જયંતી ચંદ્રસેના કાયસ્થ પ્રભુ સમાજ દ્વારા દર વર્ષે ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે.
લેડી વિલ્સન મ્યુઝિયમ તો વિશેષ ઓળખ
ઇ.સ.1928માં મુંબઇના ગવર્નર લેડી વિલ્સન દ્વારા મ્યુઝિયમ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ધરમપુર સ્ટેટના તત્કાલીન મહારાજા વિજયદેવજીએ યુરોપ તેમજ એશિયાનો પ્રવાસ કરી દેશ-વિદેશમાંથી મેળવેલી અમૂલ્ય વસ્તુઓ લેડી વિલ્સન હીલ મ્યુઝિયમ ખાતે સંગ્રહ માટે અર્પણ કરવામાં આવી હતી, જેમાં મહારાજા મોહનદેવજી વિજયદેવજી સહિતનાં રાજાઓનાં શસ્ત્રો, તલવાર, બંદૂક, ભાલા, ચાકુ સહિત લેડી વિલ્સન મ્યુઝિયમ સાચવવામાં આવ્યાં છે.
ઉપરાંત પોલેન્ડ, આઈલેન્ડ, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, યુરોપ, કેન્યા, સ્કોટલેન્ડ, ભારતના યુ.પી. સહિતના રાજ્યના વિવિધ પહેરવેશ સાથેની ટચૂકડી ઢીંગલીઓ આજે પણ મ્યુઝિયમમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. તેમજ ઓડિશા, અસમ, નેપાળ, મેઘાલય, સિક્કીમ તથા ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં વસતા લોકોના પહેરવેશ સાથે તેમની પ્રતિમાઓ મ્યુઝિયમ જોઇ શકાય છે. આજે લેડી વિલ્સન મ્યુઝિયમની હજારોની સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લે છે. લેડી વિલ્સન હીલ મ્યુઝિયમ ખાતે પ્રથમ માળે દક્ષિણ ગુજરાતના આદિવાસીઓની જાતિઓ જેવી કે કુંકણા, ધોડિયા, વારલી સહિતની જાતિઓનાં લખાણ સાથે તેમના આબેહૂબ પહેરવેશ તથા પહેરવેશ સાથેની પ્રતિમાઓ જોવા માટે દૂર દૂરથી સહેલાણીઓ ઊમટી પડે છે. આ લેડી મ્યુઝિયમની શાળાની હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ મુલાકાત લે છે.
ધાર્મિકતાનાં પ્રતીકસમાં ચાર મંદિર તથા ત્રણ મસ્જિદ
ધરમપુર શહેરમાં ચાર મંદિર રામ મંદિર, વિમેશ્વર મહાદેવ મંદિર, હનુમાનજીનું મંદિર, રાધાકૃષ્ણ મંદિર તેમજ ત્રણ મસ્જિદ મિનારા મસ્જિદ, જુમ્મા મસ્જિદ અને મોહમ્મદી મસ્જિદ આવેલી છે. ધરમપુર શહેરના મોટા બજાર એટલે કે રામમંદિર તથા સમડી ચોક વિસ્તારમાં સ્વર્ગવાહીની નદીનાં તટ ઉપર વિમેશ્વર મહાદેવ મંદિર આવેલું છે, જેમાં રામનવમી તથા મહાશિવરાત્રિની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે.
આ મંદિરોમાં સમયાંતરે ભજન-કીર્તન, સત્યનારાયણ ભગવાનની કથા, પાટોત્સવ, શ્રીમદ્ ભાગવત કથા જેવા કાર્યક્રમોનું આયોજન થતું રહે છે. ધરમપુર શહેરના પાદરે હનુમાન ફળિયા ખાતે હનુમાનજીનું મંદિર આવેલું છે. તેમજ નગરની મધ્યમાં રાજા રજવાડા સમયનું ઐતિહાસિક રાધાકૃષ્ણ મંદિર તથા લક્ષ્મીનારાયણ એમ બે મંદિર આવેલાં છે. જ્યાં દર વર્ષે હનુમાનજીના મંદિરે હનુમાન જયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાય છે. જ્યારે રાધાકૃષ્ણ મંદિર તથા લક્ષ્મીનારાયણ મંદિર ખાતે પણ ભાગવત કથા જેવા અનેક નાના-મોટા ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે.
ધરમપુર શહેરના મસ્જિદ ફળિયા ખાતે જુમ્મા મસ્જિદ તથા જેલરોડ ખાતે મિનારા મસ્જિદ તેમજ ઈસ્લામ જીમખાના પાસે મોહમ્મદી મસ્જિદ આવેલી છે. આ મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરો રોજબરોજ પાંચ ટાઈમની નમાઝ અદા કરી અલ્લાહની બંદગી કરે છે. હાલમાં ધરમપુર મુસ્લિમ સુન્નત જમાતના પ્રમુખ પદે શબ્બીર બાહુનાન તથા સેક્રેટરી તરીકે ખાલીદ શાહરી તથા મસ્જિદના મૂનવલી તરીકે ઉસ્માન ગની શેખ તથા મસ્જિદ ફળિયા ખાતે હૈદર પઠાણ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે.
મામલતદાર-તાલુકા પંચાયત કચેરી અને ST ડેપો અદ્યતન સુવિધાથી સજ્જ
ધરમપુર શહેરમાં મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી તથા એસ.ટી. ડેપો પાસે અદ્યતન સુવિધાથી સજ્જ પોલીસમથક કાર્યરત છે. ધરમપુર શહેરની અંદાજિત વસતી 25 હજારથી વધુ છે. નગરના એસ.ટી. ડેપોથી માત્ર થોડા અંતરે મામલતદાર કચેરી આવેલી છે. જ્યાં જાતિ-આવકના દાખલા તથા 7-12ની નકલો સહિત સરકારી કામકાજ અર્થે મોટી સંખ્યામાં લોકો કચેરીની અવરજવર કરતા હોય છે. જ્યારે વાલોડ ફળિયા ખાતે તા. પંચાયત કચેરી આવેલી છે. જ્યાં સરકારની વિવિધ કલ્યાણ યોજના સહિત કામો માટે લોકોની ભારે અવરજવર થતી હોય છે. ઉપરાંત નગરના એસ.ટી. ડેપો પાસે પોલીસમથક આવેલું છે. આ પોલીસમથકના પી.એસ.આઈ. તરીકે એન.પી.અગર તથા બાજુમાં આવેલી સી.પી.આઈ.ની કચેરી કાર્યરત છે. આ કચેરીમાં પી.આઈ. તરીકે ગામીત કાર્યભાર સંભાળી રહ્યા છે.
ધરમપુર શહેરમાં આવેલી 75 વર્ષ જૂની કુમારશાળા જર્જરિત, જિર્ણોદ્ધાર કરવાની માંગ
વલસાડ જિલ્લા પંચાયત સંચાલિત ધરમપુર શહેરના મધ્યમાં આવેલી શ્રી મુલજી દેવશી પ્રા. શાળા 75 વર્ષ જૂની છે. આ કુમાર શાળા જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. આ શાળામાં ધો.1થી 7ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળાના ખંડો બારી-બારણાં તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. આ શાળાના જિર્ણોદ્ધાર માટે સરકારના મંત્રીઓ નરેશભાઈ પટેલ, જીતુભાઈ ચૌધરી આગળ આવે, અને શાળાનો ફરીવાર જિર્ણોદ્ધાર થાય અને બાળકો ભયમુક્ત બની શાળામાં શિક્ષણ મેળવે એવી માંગ નગરજનો કરી રહ્યા છે.
સ્વામી વિવેકાનંદની વિશાળ કદની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર
આધ્યાત્મિક ક્ષેત્રે ધરમપુરના સ્વામી વિવેકાનંદ ટ્રસ્ટની પ્રવૃત્તિઓ પ્રશંસનીય છે. હાલ સ્વામી વિવેકાનંદ ટ્રસ્ટ સ્વામી વિવેકાનંદ ગ્રંથાલય ચલાવે છે. જો કે, ધરમપુર નગરના સમડી ચોક વિસ્તારમાં નિર્માણ પામેલી સ્વામી વિવેકાનંદની પ્રતિમા કાંસાના ધાતુમાંથી બનાવેલી છે. સ્વામી વિવેકાનંદની વિશાળ કદની 500 કિલોની ઊંચા કદની પ્રતિમાનું અનાવરણ સ્વામી જિનાત્માનંદ મહારાજના હસ્તે કરાયું હતું. તેમજ સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતીની દર વર્ષે ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવે છે. ઉપરાંત સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાનાં દર્શન કરવા મુંબઈ, બંગાળ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કન્યાકુમારી, પોંડિચેરીથી અસંખ્ય યાત્રાળુઓ અહીં ઊમટે છે.
ધરમપુરના મોહનગઢ ખાતે શ્રીમદ રાજચંદ્ર આશ્રમ આવેલો છે
ધરમપુરના મોહનગઢ વિસ્તારમાં જૈન સમાજનું ધાર્મિક સ્થળ આવેલું છે. આ આશ્રમ ખાતે જૈન સમાજના ધર્મગુરુ પરમપૂજ્ય રાકેશભાઈ ઝવેરીના સાંનિધ્યમાં દર વર્ષે શિબિરનું આયોજન કરવામાં આવે છે. આ શિબિરમાં મુંબઈ ગુજરાત, અમદાવાદ, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત રાજ્યોમાંથી મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો ઉપસ્થિત રહે છે. આ શિબિરમાં લાખોની સંખ્યામાં લોકો ઊમટી પડે છે. હાલ મોહનગઢ ખાતે શ્રીમદ રાજચંદ્ર મિશન દ્વારા રાજચંદ્રની વિશાળ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. ઉપરાંત રાજચંદ્ર મિશન દ્વારા તાજેતરમાં 200 બેડની અદ્યતન સુવિધાથી સજ્જ રાજચંદ્ર હોસ્પિટલનું અનાવરણ પરમપૂજ્ય ગુરુદેવ રાકેશભાઈ ઝવેરી તથા રાજ્યના સી.એમ. ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે કરાયું હતું.
મર્હુમ દોસ્ત મોહમ્મદ ખાને રંગ અવધૂત મંદિર માટે બે એકર જગ્યા આપી
ધરમપુર સ્ટેટમાં રાજા રજવાડાના સમયે મુસ્લિમ પરિવારમાં જન્મેલા દોસ્ત મોહમ્મદ ખાન સાહેબ કે જેઓ નાનપણથી જ સૂરીલું ગળું હોવાથી ગાવાના ખૂબ જ શોખીન હતા. રાજાના દરબારમાં થતાં કાર્યક્રમમાં દોસ્ત મોહમ્મદ ખાન ગીતો ગાતાં હતાં. બાદ ધરમપુર સ્ટેટના મહારાજાની નજર એમના પર પડી અને અભ્યાસકાળ દરમિયાન સંગીતની પ્રાથમિક તાલીમ આપવાની શરૂઆત થઈ. ધરમપુરના મહારાજા પ્રભાતદેવજી કે જેઓ વિશ્વવીણા કલાકાર તરીકે પ્રસિદ્ધ હતા, તેમની પાસે સંગીતની તાલીમ માટે તેમને મૂકવામાં આવ્યા બાદ અવારનવાર બહારના કાર્યક્રમોમાં પણ તેમણે ગાવાની શરૂઆત કરી હતી.
શાસ્ત્રીય, સંગીત, ઉપરાંત મીરા, કબીર, તુલસી વગરે મહાન સંતોનાં ભજનો ગાવાની શરૂઆત દોસ્ત મોહમ્મદખાન દ્વારા કરવામાં આવી હતી. સૂરીલી અવાજને કારણે તેઓ ગુજરાત તથા ગુજરાત બહાર પણ ખ્યાતનામ સંગીતકાર તરીકે ઓળખાયા હતા. સંગીતકાર દોસ્ત મોહમ્મદખાને આકાશવાણી મુંબઈ, અમદાવાદ, વડોદરા અને દિલ્હીમાં પ્રથમ હરોળના કલાકાર તરીકે વર્ષો સુધી સેવા આપી હતી. પોતે મુસ્લિમ હોવા છતાં સંસ્કૃત પર સારું એવું પ્રભુત્વ હતું.
દક્ષિણ ગુજરાતની અનેક આદિવાસી સંસ્થાઓમાં સંગીતાચાર્ય તરીકે સેવા આપી છે. મર્હુમ દોસ્ત મોહમ્મદ ખાને ઘણા સંતોને ભજનો સંભાળાવ્યાં હતાં. સન-1944માં પૂજ્ય બાપજી ધરમપુર આવેલા હતા. તે સમયે સ્વ.નારણ કાકાની વાડી એટલે અવધૂત વાડીમાં રોકાયા હતા. રાત્રિ રોકાણ દરમિયાન ખાનસાહેબ રોજ પૂ.બાપજીને ભજન તથા સંગીત સંભળાવતા હતા. જો કે, ધરમપુર-વલસાડ રોડ ઉપર આવેલા રંગ અવધૂત મંદિર માટે દોસ્ત મોહમ્મદ ખાને બે એકર જેટલી જમીન દાનમાં આપી હતી.