સ્વ. પ્રવીણકાન્તજીની પુણ્યતીર્થ ૩૮ મી પુણ્યતિથિના પરાક્રમી પવિત્ર અવસરે ‘ગુજરાતમિત્ર’ની ઉજજવળ ખ્યાતિ નજરે ચડે છે. રેશમ જેવા મુલાયમી સ્વભાવવાળા રેશમવાળા, સર્વોત્તમ ઉત્તમરામના મહત્ત્વાકાંક્ષી દીકરા અને વર્તમાનપત્રનું ધ્યેય, સૂત્ર, લક્ષ જાણવામાં પ્રવીણ એવા ધીરોદાત્ત સ્વ. પ્રવીણકાન્ત ઉત્તમરામ રેશમવાળાજીને પુણ્યતીર્થ પુણ્યતિથિના સ્મરણ અવસરે મારી સાથે અસંખ્ય વાચકોના લાખ લાખ વન્દન છે. ‘ગુજરાતમિત્ર’નું સશકત બીજ ૧૫૯ વર્ષો પહેલાં સુરતની સાંસ્કૃતિક ભૂમિમાં રોપાયું. તેનું રક્ષણ, પાલન, પોષણ જાતે કરતા રહ્યા. તેથી ‘ગુજરાતમિત્ર’નો પવિત્ર છોડ વર્ષે વર્ષે વધતો ગયો અને આજે એક ઘટાદાર વૃક્ષ બન્યું છે. એનું સમગ્ર શ્રેય સ્વ. પ્રવીણકાન્તભાઇ સાથે એમના નિષ્ઠાવાન સહયોગીઓને અને કૃતનિશ્ચયી કર્મચારીઓના ફાળે જાય છે. ‘ગુજરાતમિત્ર’ આજે બહુશોધક, બહુબોધક, ચિંતક અને બહુમાર્ગીય બન્યું છે.
એની શાખાઓ – ડાળીઓ – પર્ણોની શીતળ છાયામાં લેખકો, ચર્ચાપત્રીઓ અને સમગ્ર વાચકો તૃપ્તિ અનુભવે છે. ‘ગુજરાતમિત્ર’ સૌના પરિવારિક સભ્ય તરીક ઉભરી આવ્યું છે. સ્વ. પ્રવીણકાન્તભાઇ દીર્ઘદૃષ્ટિવાળા હતા. તો અખબારી કારભારને પ્રજાની સેવા સમજતા હતા. દેવ, દેશ, ધર્મ અને સમાજનું હિત એમના મનમાં સ્થાયી હતું. સામાન્ય નાગરિકને વર્તમાન સ્થિતિની માહિતી મળે એ જ એમનું લક્ષ હતું. ‘ગુજરાતમિત્રે’ આ સમયગાળામાં પ્રામાણિક, પરાક્રમી, તાત્ત્વિક સાહિત્યકારોને પ્રકાશમાં લાવ્યા છે. પ્રજાની સેવામાં ‘ગુજરાતમિત્ર’ અગ્રગણ્ય રહે અને અખબારી વિશ્વમાં તંત્રી પ્રવીણકાન્તભાઈને અપૂર્વ શ્રધ્ધાંજલિ.
સુરત – બાળકૃષ્ણ વડનેરે- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.