Business

સચીન GIDCમાં નિયમિત પાવર સપ્લાય કરવામાં DGVCL નિષ્ફળ, ઉદ્યોગકારોને કરોડોનું નુકસાન

સુરત: ઉનાળો હજી શરૂ થયો છે ત્યાં સચીન જીઆઈડીસીમાં વારંવાર પાવર સપ્લાય બંધ થવાથી ઉદ્યોગધંધાને કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે.

  • સરકારને કરોડો રૂપિયાની રેવન્યુ આપતી સચીન જીઆઇડીસીમાં વારંવાર પાવર કટ
  • કરોડોના ખર્ચે તમામ સબ સ્ટેશનોના ફીડરોનું અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરાવ્યુ છતાં ક્વોલિટી પાવર નથી મળતો
  • મશીનરીના મોંઘા પાર્ટસ પણ પણ ડેમેજ થતાં હોવાથી DGVCLના એમ.ડી. અને ચીફ એન્જિનિયરને રજૂઆત

કરોડોના ખર્ચે તમામ સબ સ્ટેશનોના ફીડરોની ઓવરહેડ લાઇન કાઢી અંડરગ્રાઉન્ડ કેબલિંગમાં ફેરવવામાં આવ્યા છતાં સચીન GIDC નાં ઉદ્યોગોને ક્વોલિટી પાવર મળી રહ્યો નથી. એને લઈ સચિન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીનાં પ્રમુખ નિલેશ ગામી અને સેક્રેટરી મયુર ગોળવાલાએ DGVCL નાં એમ.ડી. અને ચીફ એન્જિનિયરને વારંવાર પાવર બંધની તારીખ સાથેની વિગત દર્શાવતું પત્રક રજૂ કરી નિયમિત વીજ પુરવઠો મળે એવી માંગ કરી છે.

સચીન ઔદ્યોગિક વસાહતમાં ડીજીવીસીએલની સચીન સબ ડીવીઝન ઓફીસ ખાતે હાલમાં પાંચ સબ સ્ટેશનો કાર્યરત છે. જેમાં અંદાજીત 97 જેટલાં ફીડરોનો સમાવેશ થાય છે. જે ફીડરોમાંથી 2250 જેટલાં નાના મોટાં ઉદ્યોગોને વીજ પુરવઠો મળી રહ્યો છે.એ થકી સરકારને ઉદ્યોગો તરફથી દર મહિને કરોડો રૂપિયાની રેવન્યુ મળી રહી છે.

વળી વર્ષ 2019 -20 માં સચીન વસાહતનાં તમામ સબ સ્ટેશનોના ફીડરોની ઓવરહેડ લાઇન કાઢી અંડરગ્રાઉન્ડ કેબલિંગમાં ફેરવવામાં આવી છે. જેથી કરી સચીન વસાહતનાં ઉદ્યોગોને ક્વોલિટી પાવર મળી શકે. પરંતુ કરોડો રૂપિયાના જંગી ખર્ચ બાદ પણ ઉદ્યોગકારો ક્વોલિટી પાવર મેળવી શક્યા નથી, અને મોટા ભાગના ફીડરોમાં પાવર ટ્રીપીંગની અને ફોલ્ટ પડવાની ઘટનાઓ બની રહી છે.

સોસાયટીના સેક્રેટરી મયુર ગોળવાલા એ વધુમાં જણાવ્યું હતું કે, 220 કિલોવોટ તલંગપુર સબ સ્ટેશનમાં પણ અવાર નવાર ફોલ્ટ થવાથી સચીન જીઆઈડીસીના સબ સ્ટેશનોમાં ઝીરો પાવર થાય છે. સચીન ઔદ્યોગિક વસાહતમાં અવાર નવાર પાવર સપ્લાય બંધ થવાના કારણે ઉદ્યોગોમાં ઉત્પાદન કાર્ય તો બંધ થાય જ છે પણ સાથે સાથે અચાનક પાવર બંધ થવાના કારણે નવી ટેકનોલોજીની મશીનરીમાં મોંઘા કિંમતના ઇલેક્ટ્રોનિક્સ પાર્ટસ ડેમેજ થવાથી લાખો કરોડો રૂપિયાની નુકસાની વેઠવાની નોબત આવે છે.

Most Popular

To Top