SURAT

VIDEO: DGVCLએ મળસ્કે સાડા પાંચે રાંદેરમાં મોટું ઓપરેશન પાર પાડ્યું, કરોડોની વીજચોરી પકડી

સુરતઃ લાંબા સમયથી વીજચોરીની મળી રહેલી ફરિયાદોના પગલે આજે દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ રાંદેર વિસ્તારમાં મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. સવારે સાડા પાંચ વાગ્યે લોકો પોતાના ઘરોમાં મીઠી નિંદર માણી રહ્યાં હતાં ત્યારે કંપનીના અધિકારીઓની 96 ટીમનો મોટા કાફલાએ પોલીસ બંદોબસ્ત સાથે રાંદેરમાં દરોડા પાડ્યા હતા અને કરોડો રૂપિયાની વીજ ચોરી ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.

વીજ કંપનીના સૂત્રો પાસેથી મળેલી અધિકૃત માહિતી અનુસાર આજે તા. 18 જૂનના રોજ રાંદેર શહેર 1 અને 2 પેટા વિભાગીય કચેરીના રાંદેર શહેર વિસ્તારમાં સવારે 5.30 કલાકથી જી.યુ.વી.એન.એલ. વિજીલન્સ વિભાગના વડા અધિક્ષક ઈજનેર ડી.પી. મોદી, ડી.જી.વી.સી.એલ. વિજીલન્સ વિભાગના વડા અધિક્ષક ઈજનેર યુ.એ. ચૌધરી અને ડી.જી.વી.સી.એલ. સુરત શહેર વર્તુળ કચેરીના વડા અધિક્ષક ઈજનેર બી. સી. ગોધાણીના સીધા માર્ગદર્શન હેઠળ લોકલ પોલીસ અને જી.યુ.વી.એન.એલ. પોલીસ સ્ટાફને સાથે રાખી 96 ચેકીંગ ટીમો દ્વારા ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ચેકીંગ દરમ્યાન કુલ 4533 વીજજોડાણ ચેક કરવામાં આવ્યા હતા, જે પૈકી 177 વીજજોડાણોમાંથી કુલ 2,47,70,500 ની વીજચોરી પકડાઈ હતી.

અધિકારીઓના જણાવ્યા અનુસાર આ રેડ દરમ્યાન મુખ્યત્વે મીટરના બોડી સીલ કાપીને મીટરના આંતરીક વાયરીંગ સાથે ચેડાં કરી તેમજ મેઈન સર્વિસમાં ટેપ કરી મીટર બાયપાસ અને ડાયરેક્ટ વીજચોરી કરતા હોવાની મોડસ ઓપરેન્ડી પકડાઈ હતી. વીજચોરો પાસેથી સ્થળ પર જ દંડની વસૂલાત કરવામાં આવી હતી.

Most Popular

To Top