Dakshin Gujarat

આ તાલુકામાં વીજ કર્મચારી પર હુમલો કરનારના વીજ કનેક્શન કાપી નાંખવામાં આવશે

નેત્રંગ: નેત્રંગ (Netrang) તાલુકામાં ડીજીવીસીએલ (DGVCL) ટીમ ઉપર કે વીજકર્મી ઉપર હુમલો (Attack) કરનાર વીજ ગ્રાહકોને માઠાં પરિણામ ભોગવવા પડશે. કારણ કે જે વીજ ગ્રાહક વીજકર્મી ઉપર હુમલો કરશે તેની સામે પોલીસ ફરિયાદ (Poliec Complaint) તો થશે જ, પરંતુ તેના વીજ કનેક્શનની આખી સર્વિસ લાઇન તે ગ્રાહકે બિલ (Bill) ભર્યુ હશે તો પણ ડીજીવીસીએલ ઉતારી લેશે.

નેત્રંગ ડીજીવીસીએલના નાયબ કાર્યપાલક ઇજનેર આર.બી.પટેલે જણાવ્યું કે, આ પ્રકારના કેસમાં ડીજીવીસીએલ કડક પગલાં લે છે. પરંતુ હવે માત્ર ડીજીવીસીએલ-નેત્રંગના કાર્ય વિસ્તારમાં આવતા તમામ વિસ્તારોમાં આ પ્રકારે કાર્યવાહી કરશે. બિલ નહીં ભરનાર ગ્રાહક પાસે વીજકર્મી આવે અને તેની ઉપર હુમલો થાય કે પાવર ચેકિંગમાં ગયેલી ટીમ ઉપર હુમલો કરવામાં આવે તો તે ગ્રાહકે હુમલો કર્યા બાદ વીજ બિલ ભરપાઇ કરી દીધું હશે તો પણ તેના કનેક્શનની સર્વિસ લાઇન ઉતારી લઈ કડક કાર્યવાહી કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાવર ચેકિંગમાં ગયેલી ડીજીવીસીએલ ટીમ ઉપર અવારનવાર હુમલા થતા હોવાના કિસ્સા બનતા રહે છે, જેમાં અનેક વીજકર્મીઓ ધાયલ થતા હોય છે. હુમલો કરનાર ગ્રાહક સામે પોલીસ ફરિયાદ તો કરવામાં આવે જ છે. પરંતુ હવે પોતાના કર્મચારીઓ ઉપર હુમલો કરનાર સામે હવે ડીજીવીસીએલ આકરું વલણ દાખવશે અને તે ગ્રાહકનાં કનેક્શનની આખી સર્વિસ લાઇન જ ઉતારી લેવાશે. નેત્રંગ ડીજીવીસીએલ દ્વારા આ પ્રકારની કાર્યવાહી ક્યારેય કરવામાં આવી નથી. ગ્રાહક વીજકર્મી ઉપર હુમલો કરે અને બાદમાં બિલ પણ ભરી દે, પરંતુ આ પ્રકારનું કૃત્ય અન્ય લોકો કરતા વિચારે અને ન કરે તે માટે હુમલો કરનાર ગ્રાહકની આખી સર્વિસ લાઇન ઉતારી લેવાનો કડક નિર્ણય કર્યો હોવાનું નાયબ કાર્યપાલક ઇજનેર આર.બી.પટેલે જણાવ્યું હતું. નેત્રંગ ડીજીવીસીએલના કાર્ય વિસ્તારમાં આ પ્રકારની ઘટના બનશે તો હુમલો કરનારા ગ્રાહકની સર્વિસ લાઇન ઉતારી લેવામાં આવશે.

Most Popular

To Top