અયોધ્યા: રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા (Pran Pratistha) બાદ બીજા દિવસે એટલે કે મંગળવારે શ્રી રામલલાના દર્શન માટે રામપથ (Raampath) ખાતે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. તેમજ સતત ત્રીજા દિવસે આજે બુધવારે પણ રામલલાના અભિષેકના દરબારમાં રામ ભક્તોનું (Devotees) પૂર એકત્ર થયું હતું. મંદિર (Temple) ખુલવાનો સમય સવારે સાત વાગ્યાનો છે. પરંતુ રામજન્મભૂમિ માર્ગ પર સવારના ત્રણ વાગ્યાથી જ ભક્તો આવવા લાગ્યા હતા.
અયોધ્યામાં રામ લલ્લાના અભિષેક બાદ ગતરોજ મંગળવારે રામ મંદિરના સત્તાવાર ઉદઘાટનના પ્રથમ દિવસે એક રેકોર્ડ બન્યો હતો. મંદિરના ઉદઘાટનના પહેલા જ દિવસે પાંચ લાખ રામ ભક્તોએ રામલલાના દર્શન કર્યા હતા. અયોધ્યા પહોંચતા શ્રદ્ધાળુઓની ભીડને જોતા વહીવટીતંત્રે તાત્કાલિક અસરથી અહીં આવતા તમામ વાહનો પર પ્રતિબંધ લગાવી દીધો છે.
ગઇકાલે મંગળવારે સવારે રામલલાના દર્શન કરવા માટે દર્શનાર્થીઓની ભીડ ઉમટી પડી હતી. આવી સ્થિતિમાં પ્રશાસને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવી પડી હતી. આ દરમિયાન કેટલાક લોકોને નાની-મોટી ઈજા થવાના સમાચાર પણ સામે આવ્યા હતા. આવી સ્થિતિમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સૌથી પહેલા લખનૌથી જ લાઈવ સ્ટ્રીમિંગ દ્વારા સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
સીએમ યોગીએ મંદિર પરિસરનું નિરીક્ષણ કર્યું હતું
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પહેલા વરિષ્ઠ અધિકારીઓને સ્થળ પર મોકલ્યા હતા અને બાદમાં તેઓ પોતે મંદિર પરિસરમાં પહોંચ્યા હતા અને સુરક્ષા અને અન્ય વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. દરમિયાન, મુખ્યમંત્રીએ દેશના વિવિધ ભાગોમાંથી અયોધ્યા પહોંચેલા શ્રદ્ધાળુઓને ધીરજ અને સહકાર માટે અપીલ કરી હતી.
આ સાથે જ તેમણે હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. સ્થાનિક વહીવટીતંત્ર સાથે બેઠક યોજી અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા માટે જરૂરી અધિકારીઓને સૂચનાઓ આપી હતી. શ્રદ્ધાળુઓની સુવિધા માટે આઠ સ્થળોએ સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમણે સંતો અને ભક્તો માટે રામલલાના સરળ અને સુવિધાજનક દર્શન માટે જરૂરી તમામ વ્યવસ્થા કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
અયોધ્યા આવતા તમામ વાહનો પર તાત્કાલિક પ્રતિબંધ
અયોધ્યામાં શ્રદ્ધાળુઓની ભીડને ધ્યાનમાં રાખીને થોડા દિવસો માટે અહીં આવતા તમામ વાહનો પર પ્રતિબંધ રહેશે મુકવામાં આવ્યો છે. ટ્રેનો માટે કરાયેલી તમામ ઓનલાઈન બુકિંગ પણ રદ કરવામાં આવી છે અને ભક્તોની બસોના પૈસા પરત કરવામાં આવશે.
વહીવટીતંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને અપીલ કરવામાં આવી હતી
આ પહેલા ભક્તોની ભારે ભીડને જોતા બારાબંકી પોલીસે ભક્તોને આગળ ન જવાની અપીલ કરી હતી. અયોધ્યાથી બારાબંકીનું અંતર લગભગ 100 કિલોમીટર છે. પોલીસે લોકોને આગળ ન જવા અપીલ કરી હતી. અયોધ્યા ધામમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓના કારણે તમામ વાહનોના રૂટ બદલવામાં આવ્યા હતા.
દરમિયાન, અયોધ્યા પોલીસે સ્પષ્ટતા કરી હતી કે અયોધ્યામાં ભક્તોની અનેક કિલોમીટર લાંબી ભીડને કારણે રામ લલ્લાના દર્શનને રોકવામાં આવ્યા નથી. ભીડની સ્થિતિ એવી હતી કે મંદિર મેનેજમેન્ટે પંચકોસી પરિક્રમા પથ પાસે તમામ વાહનોને રોકવાનું શરૂ કરી દીધું હતું. સ્થિતિ એવી બની કે 2 વાગ્યા સુધી મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો.