Vadodara

મહાકાળીના ભક્તે 1 કરોડ 11 લાખ રૂપિયાનો ચેક અને સોનાનો છત્ર ચડાવ્યો

હાલોલ : શુક્રવારે દેવ દિવાળી અને પૂનમ નિમિત્તે મૂળ રાજસ્થાનના કાનુડી ના રહેવાસી અને હાલ હિંમતનગર ખાતે  વ્યવસાય કરતા અને મહાકાળી માતાજીના પરમભક્ત બાબુલાલ સોનાજી રાજપુરોહિત મહાકાળી મંદિર ખાતે ઇતિહાસનું આજદિન સુધીનું સૌથી મોટુ દાન કરી ઇતિહાસ સર્જ્યો હતો જેમાં મહાકાળી માતાજીના પરમ ભક્ત એવા બાબુલાલ સોનાજી રાજપુરોહિતે મહાકાળી માતાજીને સવા કિલોનો સોનાનો છત્ર ચડાવ્યો હતો અને મંદિર ખાતે 1કરોડ 11લાખ નો ચેક મંદિર ટ્રસ્ટ ને અર્પણ કરી યાત્રાધામ પાવાગઢ  ખાતે મહાકાળી માતાજીના મંદિરે આજ દિન સુધી નું સૌથી મોટું દાન કરવા નું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું.

જેમાં બાબુલાલ સોનાજી રાજપુરોહિત મહાકાળી માતાજીમાં અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવતા હોઇ ૧૯૯૫થી પોતાના પરિવાર સાથે દર વર્ષે મહાકાળી માતાજીના દર્શને પાવાગઢ ખાતે પધારે છે જેમાં તેઓએ દેવ દિવાળીના પાવન પર્વે પૂનમ નિમિત્તે મહાકાળી માતાજીને સવા કિલો સોનાનો છત્ર ચડાવી તેમજ મંદિર ખાતે 1 કરોડ 11લાખનું સૌથી મોટું દાન કરી માતાજી પ્રત્યેની પોતાની ભક્તિ અને શ્રદ્ધા વ્યક્ત કરી ધન્યતા અનુભવી હતી.

યાત્રાધામ પાવાગઢ ખાતે શુક્રવારે વહેલી સવારથી જ મહાકાળી માતાજીના ધામ પાવાગઢ ખાતે યાત્રિકો નો ઘસારો અવિરત પણે શરૂ થયો હતો જેમાં સાંજ સુધી દોઢ લાખ ઉપરાંત માઇભકતોએ મહાકાળી માતાજીના ચરણોમાં શિશ ઝૂકાવી માતાજીની પૂજા-અર્ચના કરી પોતાની મનોકામનાઓ પૂર્ણ કરી હતી. જેમાં શુક્રવારે દેવ દિવાળી અને પૂનમને લઈને યાત્રિકોના ઘસારાના પગલે મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ વ્યવસ્થાઓ કરાઈ યાત્રિકોને મહાકાળી માતાજીના દર્શન કરાવ્યા હતા જ્યારે દેવ દિવાળી નિમિત્તે મહાકાળી માતાજીના મંદિરના પરિસર ખાતે કાલિકા ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય અન્નકુટ દર્શનનું આયોજન કરાયું હતું જેમાં મહાકાળી માતાજીના દર્શને પધારેલા દોઢ લાખ ઉપરાંત શ્રદ્ધાળુ માઈ ભકતોએ ભવ્ય અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Most Popular

To Top