વડોદરા ધીગી ધરાના મહાન સંત પુજ્ય જલારામ બાપાની 222મી જન્મ જયંતીની ધામ ધૂમ પૂર્વક ઉજવણી થઈ હતી.શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા સુપ્રસિધ્ધ શ્રી જલારામ બાપાના મંદિરમાં વહેલી સવારથી શ્રદ્ધાળુઓની ભારે ભીડ રહી હતી. ભૂખ્યાને અન્ન અને તરસ્યાને પાણીનો સંદેશો આપનાર સંત શ્રી જલારામ બાપાના સંદેશાને કારેલીબાગ જલારામ મંદિર દ્વારા આજે પણ જીવંત રાખવામાં આવ્યો છે.મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા મંદિરમાં બારેમાસ નિશુલ્ક ભોજન આપવામાં આવે છે.તદુપરાંત મંદિર દ્વારા હોસ્પિટલો તેમજ કુદરતી અથવા માનવ સર્જિત આપત્તિ સમયે ભોજનની સેવા પૂરી પાડવામાં આવે છે.જલારામ જયંતિના પાવન પર્વે શહેરના ખૂણે ખૂણામાં વસતા તેમજ આસપાસના ગામોમાં વસતા લોકો વહેલી સવારથી પૂજ્ય બાપાના દર્શન કરવા કારેલીબાગ સ્થિત જલારામ મંદિરમાં આવી પહોંચ્યા હતા.
મંદિરથી લઈને કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ અને બીજી બાજુ મંદિરથી લઈને સાધના નગર ત્રણ રસ્તા સુધી શ્રદ્ધાળુઓની લાંબી કતારો લાગી હતી.કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલથી અને સાધના નગર ત્રણ રસ્તાથી વાહન વ્યવહાર બંધ કરી દેવાયો હતો.મંદિરની બહાર ફુલ માળી, ખાણીપીણીના સ્ટોલ સહિત રમકડાંઓની હાટડીઓથી મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો.મંદિર પરિસરનો વિસ્તાર જલારામ બાપાના જય જય કાર થી ગુંજી ઉઠ્યો હતો.જલારામ જયંતિ નિમિત્તે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ સાંજે 222 દીવડાની મહાઆરતી કરાઇ હતી. કારેલીબાગ જલારામ મંદિર સહિત છાણી, માજલપુર, સુભાનપુરા સહિત વિસ્તારોમાં જલારામ મંદિરોમાં જયંતિની ઉજવણી કરાઇ હતી.