ડાકોર: ડાકોરમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલું પાર્કિંગ તંત્રની નિષ્ક્રિયતાને કારણે બંધ હાલતમાં ધુળ ખાઈ રહ્યું છે. જેને પગલે ડાકોર મંદિરમાં દર્શનાર્થે આવતાં શ્રધ્ધાળુઓને વાહનો પાર્ક કરવામાં ભારે તકલીફ પડી રહી છે. નાછુટકે શ્રધ્ધાળુઓ રસ્તાની સાઈડમાં વાહનો પાર્ક કરીને દર્શને જતાં હોય છે. ત્યારે, પોલીસ આવા વાહનોને લોક મારી, દંડ વસુલી રહી છે. ત્યારે તંત્ર દ્વારા વહેલીતકે સરકારી પાર્કિંગ શરૂ કરવામાં આવે તે જરૂરી છે.
ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મંદિરમાં દરરોજ હજારની સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. રવિવાર, વાર-તહેવાર તેમજ પુનમના દિવસે દર્શનાર્થે આવતાં શ્રધ્ધાળુઓની સંખ્યામાં લાખોમાં હોય છે. દરમિયાન શ્રધ્ધાળુઓને પોતાના વાહનો પાર્ક કરવામાં પડતી તકલીફને ધ્યાનમાં રાખી સરકાર તરફથી મંદિર નજીક કરોડો રૂપિયાના ખર્ચે બે માળનું વિશાળ અને અદ્યતન પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. જોકે, તંત્રની નિષ્ક્રિયતા અને આળશને કારણે આ પાર્કિંગ વર્ષો બાદ પણ બંધ હાલતમાં છે.
બીજી બાજુ નગરમાં ઠેર-ઠેર શરૂ કરવામાં આવેલાં ખાનગી પાર્કિંગના સંચાલકો દ્વારા તોતીંગ ચાર્જ વસુલવામાં આવી રહ્યો છે. જેને પગલે દર્શનાર્થે આવતાં શ્રધ્ધાળુઓ રસ્તાની સાઈડ પર અથવા તો રહેણાંક વિસ્તારોમાં ગાડીઓ પાર્ક કરીને દર્શન કરવા જતાં હોય છે. જેને પગલે નગરના સાંકડા રસ્તાઓ પર વારંવાર ટ્રાફિકજામના દ્દશ્યો સર્જાય છે. આવા સમયે શ્રધ્ધાળુઓ ઉપરાંત નગરજનો પણ મુશ્કેલીમાં મુકાતાં હોય છે. જેને ધ્યાનમાં રાખી ડાકોર પોલીસ દ્વારા માર્ગ પર અડચણરૂપ રીતે પાર્ક કરેલાં વાહનોને લોક મારવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ત્યારે તંત્ર દ્વારા વહેલીતકે સરકારી પાર્કિંગ શરૂ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.