Vadodara

ડભોઈ વાઘોડિયા રીંગ રોડ પર વિકાસની કામગીરી ગોકળગતિએ

વડોદરા તા.24
વડોદરાના ડભોઈ વાઘોડિયા રીંગ રોડ પર આવેલ કાન્હા રેસિડેન્સી પાસે ડ્રેનેજની ગોકળગતિએ ચાલતી કામગીરીથી સ્થાનિક રહીશો તેમજ શાળાના બાળકો મુશ્કેલીમાં મૂકાયા છે. અધિકારીઓને રજૂઆત કરવા છતાં પણ કોઈ નહીં સાંભળતું હોવાના આક્ષેપ સ્થાનિક રહીશોએ કર્યા હતા.
ચૂંટણી નજીક આવતા વડોદરા મહાનગર પાલિકા દ્વારા વિકાસના કામોને વેગ આપવામાં આવ્યો છે જોકે ક્યાંક ને ક્યાંક શરૂ કરાયેલ વિકાસના કામોની કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાના કારણે વિસ્તારના લોકો હાલાકી વેઠવા મજબૂર બન્યા છે. શહેરના ડભોઇ વાઘોડિયા રિંગ રોડ ઉપર આવેલ કાન્હા રેસિડેન્સી પાસે શીલા ઘણા દિવસોથી ડ્રેનેજ લાઈનની કામગીરી ચાલી રહી છે. મોટા મોટા ખાડા ખોદવામાં આવ્યા છે. અહીં એક પ્લે સેન્ટર પણ આવેલું છે. જ્યાં નાના બાળકો અભ્યાસ અર્થે આવે છે. ત્યારે આ ખાડાઓ ખુલ્લા મૂકી દેવાતા અને તેમાં પાણી ભરાઈ રહેતા બાળકોને જોખમ ઉભું થયું છે. હજી તો હરણી લેક ઝોન દુર્ઘટનાની શાહી હજી તો સુકાઈ નથી ત્યાં તો આ પાણી ભરાઈ રહેલા મોટા ખાડા અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે. સોસાયટીઓના રસ્તા પણ બ્લોક થઈ ગયા છે.
સ્થાનિક રહીશોને પોતાના વાહનો પાર કરવા માટે પણ ઘણી મુશ્કેલી પડી રહી છે. ખાડામાં પાણી ભરાઈ રહેતા મચ્છરોનો ઉપદ્રવ પણ વધવા માંડ્યો છે. સ્થાનિક રહીશોના કહ્યા મુજબ છેલ્લા 20 દિવસથી આ કામગીરી ચાલી રહી છે પરંતુ હજી સુધી આ કામગીરી પૂર્ણ થઈ નથી આ અંગે અધિકારીઓને અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં પણ આ મામલે અધિકારીઓ સાંભળતા નહીં હોવાના આક્ષેપ સ્થાનિક રહીશોએ કર્યા હતા.

Most Popular

To Top