આણંદ : આણંદ નગરપાલિકામાં છેલ્લા કેટલાક વરસથી ભાજપનું એક હથ્થુ શાસન છે. આ શાસન દરમિયાન વારંવાર વિકાસ થતો હોવાનું ફુલગુલાબી ચિત્ર રજુ કરવામાં આવે છે. પરંતુ આણંદ ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમારે વિધાનસભામાં વિકાસની પોલ ખુલ્લી પાડી દીધી હતી. શહેરના પૂર્વ વિસ્તારમાં ટાઉન પ્લાનીંગની કોઇ સ્કીમ જ મુકાઇ નથી. આ ઉપરાંત છેલ્લા પંદર વરસથી ડેવલપમેન્ટ પ્લાન્ટ (ડીપી) પણ પાસ થયો નથી. જેના કારણે નિશ્ચિત વિસ્તારનો જ વિકાસ થતો હોવાનો સુર ઉઠ્યો છે.
આણંદ શહેરના પાધરિયા વિસ્તારમાં પાણીનો પ્રશ્ન ઉઠ્યો હતો. આ અંગે ચાર દિવસ પહેલા રહિશોએ પાલિકામાં હલ્લાબોલ કર્યો હતો. આ સમયે પ્રમુખ સમક્ષ ઉગ્ર રજુઆત કરતાં તેઓએ સ્વીકાર્યું હતું કે, અહીં નવો બોર બનાવવો છે. પરંતુ જગ્યા મળતી નથી. જોકે, આ જવાબ જ પાલિકાના શાસકોની બેદરકારી છતી કરી રહી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં વરસોથી પાલિકાના શાસકો દૂર્લક્ષ સેવી રહ્યાં છે. ખાસ કરીને પાધરિયામાં રસ્તા, પાણી સહિતના પ્રશ્ને આંખ આડા કાન કરવામાં આવે છે. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા એક માત્ર તુલસી ગરનાળાને પહોળું કરવા માટે પણ રહિશોને લાંબી લડત આપવી પડી હતી. હવે પાણી પ્રશ્ને પણ લડત ચાલી રહી છે. જોકે, મહત્વની બાબત એ છે કે, આ વિસ્તારમાં વિકાસના સ્વાદ ચાખવા મળ્યાં નથી. જે બાબતે આણંદના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમારે વિધાનસભામાં રજુઆત કરી હતી.
આણંદ ધારાસભ્ય તરીકે કાંતિભાઈએ વિધાનસભામાં રજુઆત કરી હતી કે, સરકારની અમૃત યોજના -2, સ્વર્ણીમ જયંતિ શહેરી વિકાસ યોજનાનો લાભ આપવામાં આવે છે. પરંતુ આણંદ શહેરમાં છેલ્લા 20 વર્ષથી ટાઉન પ્લાનીંગ (ટીપી) પડી નથી. આ લાંબા સમયથી નવી ટીપીને મંજુરી આપવામાં આવી નથી. વસતી આધારે દર દસ વર્ષે ડીપી બનાવવી જરૂરી છે. પરંતુ 15 વરસથી તેનો મુદ્દો પણ લટકી રહ્યો છે. જેના કારણે ગંગદેવનગર, પૂર્વ વિસ્તાર એટલે કે પાધરિયામાં પીવાનું પાણી મળતું નથી. રસ્તાની સુવિધા મળતી નથી. શહેરી વિકાસ યોજનાનો લાભ મળતો નથી.
આ અંગે પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે, અવકૂડાની રચના બાદ ટીપી અને ડીપી બનાવવાનું કામ તેમની પાસે છે. આથી, પાલિકાને કશું કરવાનું રહેતું નથી.