Madhya Gujarat

પદાધિકારીઓએ વિકાસના કામાેની મુલાકાત લેવી જોઈએ

ખાનપુર : મહીસાગર જિલ્લા આયોજન મંડળની વર્ષ- 2022-23 ના આયોજન માટેની બેઠક જિલ્લાના વડા મથક લુણાવાડામાં કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી અને ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી અર્જુનસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં અને રાજ્ય મંત્રી અને સંતરામપુર ધારાસભ્ય કુબેરભાઇ ડીંડોર,  જિલ્લા પંચાયતના પ્રમુખ રમીલાબેન ડામોર, પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ, લુણાવાડા ધારાસભ્ય જીગ્નેશભાઇ સેવક, ઈન્ચાર્જ જિલ્લા કલેકટર કે.ડી.લાખાણી તમામ તાલુકા તેમજ નગરપાલીકા પ્રમુખોની ઉપિસ્થિતિમાં યોજાઇ હતી.

આ પ્રસંગે પ્રભારી મંત્રી અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું કે, કરવાના થતા કામોની ઝડપથી મંજુરી મેળવી વહેલી તકે કામ પુરા થાય તેવું આયોજન કરવાનું છે. સરકાર ગ્રાન્ટ આપે છે, તો કામની ગુણવત્તા જળવાવી જોઇએ. પ્રજાલક્ષી કામો ગુણવત્તાયુક્ત અને સમયમર્યાદામાં પૂર્ણ કરવા જોઈએ. જિલ્લાના વિકાસના કામો સારી રીતે થાય તે માટે ધારાસભ્ય, જિલ્લા – તાલુકા પ્રમુખોની જવાબદારી છે. તમામ પદાધિકારીઓએ પોતાના વિસ્તારમાં થતા કામોની મુલાકાત લઈ નિહાળવા જોઈએ. તે માટે જિલ્લાના વહીવટી તંત્રને અનુરોધ કરતા જિલ્લા પ્રભારી મંત્રીના પરામર્શમાં રહી ગાઇડ લાઇન પ્રમાણે કામો હાથ ધરવા રચનાત્મક સૂચનો કર્યા હતા. તમામ અમલીકરણ અધિકારીઓ પોતાના ટેકનીકલ સ્ટાફને સાથે રાખીને કામો કરે. રસ્તા, પાણી વિગેરેના કામો શરૂ કરતા પહેલા યોગ્ય ચકાસણી કરીને શરૂ કરવા જેથી સરકારના નાણાંનો વ્યય ન થાય. તે જોવા સુચન કર્યું હતું.

આ બેઠકમાં અગાઉ મળેલ જિલ્લા આયોજન મંડળની બેઠકની કાર્યવાહી નોંધની બહાલી, વિકેન્દ્રિત જિલ્લા આયોજનની વિવિધ જોગવાઈ સામે મહીસાગર જિલ્લા માટે સને 2022-23ના વર્ષમાં તાલુકા કક્ષા, નગરપાલિકા કક્ષા, જિલ્લા કક્ષા હેઠળ મળવાપાત્ર રકમ સામે નવીન આયોજન મંજુર કરવા, બક્ષીપંચ જોગવાઈ હેઠળ વર્ષ 2022-23નું નવીન આયોજન મંજુર કરવા, વિકેન્દ્રિત જિલ્લા આયોજન હેઠળની વિવિધ જોગવાઈઓ હેઠળ મંજુર કરેલ વર્ષ 2019-20, 2020-21 અને 2021-22 ના માહે એપ્રિલ -2022 અંતિત બાકી કામોની સમીક્ષા તેમજ સાંસદની જોગવાઇ હેઠળ મંજુર થયેલ કામોની સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લાના વિવિધ તાલુકાની તાલુકા આયોજન સમિતિઓ અને નગરપાલીકા મારફતે 15 ટકા વિવેકાધિન જોગવાઇના રજૂ થયેલ આયોજન પરત્વે મળવાપાત્ર જોગવાઇ સામે આ બેઠકમાં રૂા.875  લાખની જોગવાઈઓના કુલ 1082 કામોની સેધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠકમાં ઇનચાર્જ કલેક્ટર કે.ડી.લાખાણીએ બેઠકની શરૂઆતમાં પ્રભારી મંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું, આભાર દર્શન આયોજન અધિકારીએ કર્યું હતું. આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર, ડી.આર.ડી.એ ડાયરેક્ટર જે.કે.જાદવ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખો, નગરપાલીકાના પ્રમુખો, પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લા અને તાલુકાનાં સંબધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓ જોડાયા હતા.

Most Popular

To Top