પોતાનાં જ પ્રજાજનો, દરબારીઓ તેમજ કુટુંબજનો પર જાસૂસી કરવાની રાજકર્તાઓની વૃત્તિ ચાલતી આવે છે. પુરાણા જમાનામાં ટેલીફોન કે વાયરલેસ ન હતા પરંતુ જાસૂસી હતી. માનવસ્વભાવનો અભ્યાસ કરી તેમનાં વાણી, વર્તન પરથી દરબારીઓના ભાવિ ઇરાદાઓ રાજાઓ જાણી શકતા. પેલો અંધારામાં રહે એ રીતનું વર્તન રાજા કરતા અને એકાએક શિરચ્છેદ કરાવી નાંખતા.
આ રીતમાં જાસૂસી બાતમીનું જે તંત્ર ગોઠવાતું તેમાં વ્યકિતના ચારિત્ર્યનો અભ્યાસ થતો તેની બાતમીની તુલના થતી અને જાસૂસી કરાવનારાઓનો બુદ્ધિઆંક હંમેશા ઊંચો રહેતો. ઉપરાંત તેની મુત્સદ્દીગીરી પણ ચમકતી. બાદમાં વિજ્ઞાનમાં જે શોધખોળો થઇ તેમાં રશિયા જાસૂસી કરાવવામાં પ્રથમ નંબરે થઇ જતું બીજા વિશ્વયુધ્ધમાં આપણે જોયું છે. પરંતુ પ્રજાજનો પોતાનાં જ સગાં, મિત્રો પર જાસૂસી કરે એવી તક મોબાઇલે પૂરી પાડી છે. અમુક એપ્લીકેશનો એવી છે કે જે તમારી વાતચીત રેકર્ડ કરી સાચવી રાખે છે.
ઇઝરાયેલનો એમાં નંબર આવે છે પરંતુ જેમ જેમ વૈજ્ઞાનિક યંત્રો પર રાજકર્તા વધુ આધાર રાખતા થયા તેમ તેમ તેમની બુદ્ધિ અને મુત્સદ્દીગીરી ઘટતા ગયા. ઇઝરાયેલ પાસેથી લાખો ડોલરને ખર્ચે મોદીએ જાસૂસી ઉપકરણો ખરીદ્યાં, પણ લોકો સાચવી સાચવીને ફોન પર બોલે છે જયારે મોબાઇલમાં ‘આ વાત રેકર્ડ થાય છે’ એવી ચેતવણી આવે કે તરત બોલનાર સાવચેત થઇ જાય અને વાત બંધ કરી દે. સામાવાળાના ઇરાદાઓ પર શંકા પેદા થાય છે અને તેની સાથે ભવિષ્યમાં ફોન પર વાત કરવાનું ટાળે છે. તમારા નંબરો લોક થઇ જાય, તમે શંકાના વાતાવરણમાં આવી જાવ અને આવો રેકર્ડ કરાવનાર વ્યકિતને તમારા વિશ્વાસના વર્તુળની બહાર મૂકી દે છે. ઇઝરાયેલે દુનિયાભરમાં આવાં જાસૂસી ઉપકરણો વેચ્યાં, પણ તેને ખબર ન પડી કે ગાઝાની ધરતી નીચે શહેરો ટનલ થકી વસી ગયાં, શસ્ત્રો છુપાયાં અને તે મુશ્કેલીમાં છે.
સુરત – ભરત પંડયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.