એક શેઠનો યુવાન દીકરો લાડકોડમાં ઉછર્યો તેને કારણે ખૂબ જ આળસુ ,પ્રમાદી ,વ્યસની અને મિજાજી હતો. શેઠને દિન રાત ચિંતા સતાવતી હતી કે જો આ મારો એકનો એક દીકરો સુધરશે નહિ તો આ વેપાર અને મારા પરિવારનું મારા બાદ શું થશે….શેઠ હવે બહુ વેપાર વધારવામાં ધ્યાન આપતા ન હતા. શેઠાણીએ કહ્યું, ‘શું કામ વેપાર ઓછો કરી રહ્યા છો …શેઠ બોલ્યા, શેઠાણી ખરાબ ન લગાડતાં પણ મારા અને તમારા લાડકોડે દીકરાને બગાડ્યો છે … તે મોટો થયો છે છતાં વેપારમાં તેનું ધ્યાન નથી અને તેને કંઈ શીખવામાં રસ પણ નથી તે તો મારું કમાયેલું ઉડાડી જ રહ્યો છે એટલે જેટલું વધારે કમાઇશ એટલું તે વધુ બરબાદ કરશે.’
શેઠાણી થોડી વાર વિચારીને બોલ્યાં, ‘તમારી વાત સાચી છે … આપણી ભૂલ આપણે જ સુધારવી પડશે. આ બધા ઉપાયો ઠીક છે પણ આપણે આપણા દીકરાને તેની ભૂલ અને ખામી દેખાડવી જ પડશે …કડક થઈને તેને સુધારવો જ પડશે.’
બીજા દિવસે શેઠ અને શેઠાણી દીકરાને લઈને એક સંત પાસે ગયા.સંતને બધી વાત જણાવી.સંતે કહ્યું, ‘તેને મારા આશ્રમમાં રહેવા દો …સુધરવાનો હશે તો સુધરી જશે અને જો કંઈ બદલાવ ન આવ્યો તો સમજી જજો કે હવે તે કયારેય નહિ સુધરે.’ હવે યુવાન દીકરો આશ્રમમાં રહેતો હતો…આશ્રમમાં નિયમો હતા વહેલા ઊઠવું …પોતાનું કામ જાતે કરવું …આશ્રમનાં કામ કરવાં …રોજ ધ્યાન ,પ્રાણાયામ અને યોગ કરવો …શરૂઆતમાં તો યુવાનને કંટાળો આવતો, પણ કોઈ છૂટકો ન હતો એટલે તે બધું જ પરાનણે કરતો પણ ધીરે ધીરે મજા આવવા લાગી.યોગ અને પ્રાણાયામથી તેને તાકાત મળી…કામ કરીને આપોઆપ આળસ તો ઓછું થઇ રહ્યું હતું ..રોજ વહેલા ઊઠવાની આદતથી ઊંઘ પણ કાબૂમાં આવી ગઈ.’
એક દિવસ ગુરુજી ગીતા પર પ્રવચન આપતા બોલ્યા, ‘ગીતામાં લખ્યું છે વધુ પડતી ઊંઘ , આળસ, ગુસ્સો , ડર, થાક ,કામ ન કરવું કે કામ ટાળવાની આદત માણસને ધીમે ધીમે બરબાદ કરે છે.’ આ સાંભળી યુવાન ગુરુજીના પગે પડી ગયો. બોલ્યો, ‘ગુરુજી, આપે મારું જીવન બરબાદ થતાં બચાવ્યું છે. હું આળસુ હતો ..કોઈ કામ કરતો ન હતો ..શરીરમાં કોઈ તાકાત જ ન હતી… સૂતો રહેતો …અને કોઈ મારું ન માને તો ગુસ્સો કરતો …અને બધાં કામ ટાળતો ..પિતાના વેપારમાં ધ્યાન ન આપતો કારણ મને ડર હતો કે મને કંઈ નહિ આવડે તો ….બરબાદ થવાનાં હમણાં તમે જે કહ્યા તે બધા જ અવગુણ મારામાં છે. તમે તે દૂર કેમ કરવા તે શીખવ્યું …મને સાચો રસ્તો દેખાડો. મારે જીવન બરબાદ કરવું નથી.’ ગુરુજી ખુશ થયા અને બોલ્યા, ‘હજી છ મહિના તું અહીં રહેજે અને પછી પિતા પાસે જઈને વેપાર શીખજે અને કામ આગળ વધારજે.’ સંતે પિતાને સંદેશ મોકલ્યો, ‘તમારો દીકરો છ મહિના પછી તમને મળશે.’ શેઠ ખુશ થયા અને બમણા જોરથી વેપાર કરવા લાગ્યા.