Comments

કાશ્મીરને થાળે પાડો નહિંતર તાલીબાનો ભારે પડશે

અફઘાનિસ્તાનમાં તાલેબાનોની સરકાર રચાઈ ગઈ છે; જેમાં એક પણ મહિલા નથી, જેમાં માત્ર ત્રણ પ્રધાનો ગેરપુશ્તુ છે એટલે કે ઉત્તર અફઘાનિસ્તાનના પ્રાંતોના છે અને લગભગ બધા જ પ્રધાનોને સંયુક્ત રાષ્ટ્રસંસ્થાએ ત્રાસવાદી તરીકે જાહેર કરેલા છે. કેટલાકનાં માથા સાટે અમેરિકન સરકારે ઇનામો જાહેર કરેલાં છે. પ્રધાનમંડળમાં સિરાજુદ્દીન હક્કાની છે જેના માથા સાટે અમેરિકાએ પચાસ લાખ ડોલર્સનું ઇનામ જાહેર કરેલું છે અને તે ખતરનાક હક્કાની નેટવર્કના સ્થાપકોમાંથી છે. અમેરિકાએ હજુ તેની ગુપ્તચર સંસ્થા ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશનને અપડેટ કરી નથી કે તેમાં સુધારા કર્યા નથી એટલે મોસ્ટ વોન્ટેડની યાદીમાં આ બધા નબીરાઓનાં નામ, હુલામણાં નામ, અન્ય નામ, તેમનાં ફોટા, સ્કેચ, કારનામાં અને ઇનામની વિગતો જોવા મળશે.

૧૧ મી સપ્ટેમ્બર ૨૦૦૧ ના રોજ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં આશ્રય તેમ જ નેટવર્ક ધરાવતા ત્રાસવાદીઓએ અમેરિકાના ન્યુ યોર્ક શહેરના ટ્વીન ટાવર્સ ઉપર હુમલો કર્યો ત્યારે અમેરિકાએ અને તેના મિત્ર દેશોએ સંકલ્પ કર્યો હતો કે તે નઠારા દેશો (rogue states) થી તેમ જ નઠારા દેશોની ભૂમિનો ઉપયોગ કરીને દુષ્ટોની જે ધરી (exsis of evils) રચાયેલી છે તેનાથી જગતને બચાવીને રહેશે. કોઈ શંકા ન કરે એવો પવિત્ર સંકલ્પ હતો એ વખતના અમેરિકન પ્રમુખ જ્યોર્જ બુશનો અને તેમાં તેમને એ સમયના બ્રિટનના થનગનભૂષણ વડા પ્રધાન ટોની બ્લેરનો ટેકો હતો. એ સમયે ભારતમાં અટલબિહારી વાજપેયીની સરકાર હતી જેમાં લાલકૃષ્ણ આડવાણી ગ્રહપ્રધાન હતા. પશ્ચિમનો સંકલ્પ જોઇને ગેલમાં આવીને અભિનેતા રાજકુમારની જેમ પાકિસ્તાનને લલકાર્યું હતું કે બોલ ક્યારે લડવું છે. સમય ભી તેરા, સ્થાન ભી તેરા. આ માઝાક નથી, તેઓ ખરેખર આમ બોલ્યા હતા, અલબત્ત રાજકુમારની સ્ટાઇલમાં નહીં. એ પછી બે-ત્રણ દિવસમાં વોશિંગ્ટનથી બીજું નિવેદન આવ્યું જેમાં અમેરિકન પ્રમુખે જગતને દુષ્ટોથી મુક્ત કરવાની લડાઈમાં પાકિસ્તાનને પહેલી હરોળનું મિત્ર રાષ્ટ્ર જાહેર કર્યું. પાકિસ્તાનને પાંખમાં રાખવું એ ત્યારે અમેરિકાની મજબૂરી હતી અને તે જ તેના પરાજયનું કારણ પણ છે.

આજે બરાબર વીસ વરસ પછી જેનાં માથાં સામે અમેરિકાએ ઇનામ જાહેર કર્યાં હતાં એ જ લોકો સાથે અમેરિકાએ કતારમાં દોહા શહેરમાં વાટાઘાટોના ટેબલ ઉપર બેસવું પડ્યું અને ઘરે પાછા જવાની સમજુતી કરવી પડી. એ સમયે પાકિસ્તાનને લલકારનારા એલ. કે. અડવાણીના રાજકીય વંશજોને પણ કતારમાં તાલિબાનો સાથે ગુપ્ત વાટાઘાટો કરવી પડી અને હવે સત્તાવારપણે વાટાઘાટો ચાલી રહી છે. પાકિસ્તાન હવે પછી અફઘાનિસ્તાન ઉપર તાલેબાનો દ્વારા પ્રોક્સી શાસન કરવાનું છે. ભારત વિરોધી જે કોઈ ગોરખધંધા થશે એ તાલેબાનો દ્વારા અફઘાનભૂમિમાંથી થશે, પણ તેનું આર્કિટેક્ટ પાકિસ્તાન હશે. આમ કેમ બન્યું? શક્તિના પ્રસ્થાપિત માપદંડો મુજબ  જગતના સૌથી આધુનિક અને શક્તિશાળી દેશોને કેમ હાર કબૂલીને ઉચાળા ભરવા પડ્યા? એ પણ એકવાર નહીં, અનેકવાર. ૧૯૭૪માં વિએટનામમાંથી નાક કપાવીને પાછા આવવું પડ્યું એ પછી આવી એક ડઝન ઘટનાઓ બની છે. લાખોની સંખ્યામાં આધુનિક શસ્ત્રો, હજારો ટન દારૂગોળો, ત્રાસવાદીઓની ભરતી, લશ્કરી તાલીમ વગેરેની વ્યવસ્થા દુનિયા ન જુએ એમ રાતના અંધારામાં શક્ય નથી. જાગતિક વ્યવસ્થામાં એવી કોઈક તો ખામી છે અને એવાં કોઈક સ્થાપિત હિતો છે જેની સામે સભ્યતા પરાજિત થઈ રહી છે. શું છે એ?

નઠારાપણું માત્ર એકે-૪૭માંથી નથી આવતું. નઠારાપણાના અનેક સ્વરૂપો છે અને નઠારાઓએ રાજ્યનો કબજો કર્યો છે. શસ્ત્રસોદાગરો, ધર્મના સોદાગરો, ખનીજ તેલના સોદાગરો, જે તે દેશોના અન્ય કુદરતી સંસાધનો ઉપર નજર રાખીને બેઠેલા સોદાગરો, પ્રજાના ચિત્ત ઉપર એક્સ વાય ઝેડ વિચારના શાસકોને માફક આવે એ રીતે કબજો કરી આપનારા સોદાગરો, જાસુસી કરી આપનારા સોદાગરો, પોતાના વળના શાસકોને પૈસા આપીને ચૂંટણી જીતાડી આપનારા  સોદાગરો એમ અનેક પ્રકારના સોદાગરો છે તેમનાં અનેક પ્રકારનાં અને પરસ્પર સહયોગી સ્થાપિત હિતો છે અને તેઓ રાજ્ય ઉપર કબજો જમાવીને માનવતા માટેની લડાઈને નિષ્ફળ બનાવી રહ્યા છે. ટૂંકમાં જગતના આધુનિક લોકશાહી દેશો શક્તિશાળી છે એ ભ્રમ છે. તેના શાસકો સ્થાપિત હિતોના કબજામાં છે.

જે સ્થિતિ બની છે એ ભારત માટે અમંગળ છે. વીતેલા બે દાયકા કરતાં પણ વધારે મોટું જોખમ છે. આનું કારણ એ છે કે દુષ્ટોમાં શિરમોર કહેવાય એવા ચીનની અફઘાનિસ્તાનમાં હાજરી છે. વિશ્વના મોટા ભાગના દેશોએ જ્યારે કાબુલમાંની પોતાની એલચીકચેરીઓ બંધ કરી દીધી છે, ત્યારે ચીન અને રશિયાએ પોતાની એલચી કચેરી ધરાર બંધ કરી નથી. તેઓ કદાચ અફઘાનિસ્તાનની સરકારને માન્યતા પણ આપશે એટલું જ નહીં, ચીન અફઘાનિસ્તાનની તાલેબાની સરકારને સ્થિરતા આપવાનું કામ પણ કરશે કે જેથી અફઘાનિસ્તાનની ધરતીમાં રહેલી ખનીજસંપદાનો ઉપયોગ કરી શકાય.

આ સિવાય વન બેલ્ટ યોજના તો છે જ. આમ પાકિસ્તાન તો મુઠ્ઠીમાં છે અને હવે અફઘાનિસ્તાન મુઠ્ઠીમાં આવી ગયું છે. દુષ્ટતાની આ જે ધરી રચાઈ રહી છે એ ભારત માટે જોખમરૂપ છે. એક તો ભારત પડોશમાં છે અને બીજું ચીન અને પાકિસ્તાનને ભારત સામે દુશ્મની છે. દુષ્ટોની આ નવી, વધારે ઉઘાડી અને અમેરિકાની હાજરી વિનાની ધરી ભારતવિરોધી હશે એમાં કોઈ શંકા નથી.     આ સ્થિતિમાં ભારતે શું કરવું જોઈએ? જવાબ દેખીતો છે, કાશ્મીરની સ્થિતિ થાળે પાડવી જોઈએ.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top