નડિયાદ: ખેડા જિલ્લા પંચાયતની સામાન્ય સભા જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. આ સામાન્ય સભામાં જિલ્લા પંચાયતનું વર્ષ 2023-24નું રૂ.756.56 લાખની પુરાંત વાળુ બજેટ રજૂ કર્યું હતું. તેમજ જિલ્લા પંચાયતની ટર્મ પૂરી થતી હોય અને આ અંતિમ બજેટ અને સામાન્ય સભા હોવાથી પ્રમુખે તમામ સભ્યો અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ખેડા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ વર્ષ 2022-23નું સુધારેલુ અને વર્ષ 2023-24નું અસલ અંદાજપત્ર રજૂ કર્યું હતું. આ અંદાજપત્રમાં કુલ અંદાજિત આવક 2139.83 લાખ સામે કુલ અંદાજિત જાવક 1383.27 લાખ દર્શાવતું અંદાજપત્ર રજૂ કર્યું હતું.
આ અંદાજપત્રમાં કુલ અંદાજિત પુરાંત 756.56 લાખ રૂપિયા દર્શાવવામાં આવી છે. આ અંદાજપત્રમાં જમીન મહેસુલ પર સ્થાનિક ઉપકરની આવક 100 લાખ, વિકાસ કામો માટે સ્ટેમ્પ ડ્યુટીની આવક 500 લાખ દર્શાવી છે. જ્યારે સ્વભંડોળના યોજના કામ ખર્ચ જોગવાઈમાં જિલ્લા પંચાયતના સ્થાનિક વિસ્તારના વિકાસ કામો 300 લાખ, સમાજ કલ્યાણ ક્ષેત્રે અનુ જાતિના ઉત્કર્ષ માટે વિકાસ કામો 34 લાખ, ખેતીવાડી પશુપાલન ક્ષેત્રે વિકાસ કામો રૂ.62.50 લાખ, શિક્ષણ ક્ષેત્રે શાળા વિજ્ઞાન મેળો, ખેલ મહાકુંભ, જેવા વિવિધ ક્ષેત્રોમાં18.50 લાખ, મહિલા અને બાળ વિકાસ આરોગ્ય કુટુંબ કલ્યાણ ક્ષેત્રે 10.50 લાખ, જાહેર બાંધકામ નાની સિંચાઈ ક્ષેત્રે વિવિધ યોજનાના કામ ક્ષેત્રે વિવિધ યોજનાકીય કામો માટે 230 લાખ, જિલ્લા પંચાયતના કર્મચારીઓની કલ્યાણ નિધિ માટે 30 લાખ, આકસ્મિક મૃત્યુ સહાય યોજના 1 લાખ લેખે જોગવાઈ કરી છે. જ્યારે પદાધિકારીના માનદ વેતનમાં 12 ટકા લેખે જોગવાઈ વધારેલ છે.
વર્ષ 2023-24માં રાજ્ય સરકારની થયેલી પ્રવૃત્તિઓ માટે 37843.75 લાખ આવક જાવક અંદાજવામાં આવી છે. આ અસલ અંદાજપત્રમાં (સ્વભંડોળ, સરકારી પ્રવૃત્તિ, દેવા વિભાગ) કુલ અંદાજિત આવકો 63413.86 લાખ સામે અંદાજિત જાવકો 39954.27 લાખ જ્યારે અંદાજિત બંધ સિલાક 23459.59 લાખ દર્શાવવામાં આવી છે. આ બજેટ સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું.
હવે જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાશે
નવી જિલ્લા પંચાયત કચેરી ખાતે પ્રમુખ નયનાબેન પટેલના અધ્યક્ષસ્થાને ચાલુ ટર્મની છેલ્લી સામાન્ય સભા યોજાઈ હતી. માર્ચ મહિનામાં જિલ્લા પંચાયતની ચૂંટાયેલી બોડીની ટર્મ પૂર્ણ થતા હવે ચૂંટણીનું આયોજન થશે. બાદમાં નવી બોડીની રચના પછી સામાન્ય સભા યોજાશે. નયનાબેન પટેલ સતત 5 વર્ષ સુધી પ્રમુખ રહ્યા છે. આજે પોતાના પ્રમુખસ્થાને અંતિમ સભામાં તેમણે સહયોગ આપવા બદલ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.
નવા ધારાસભ્યોનું સ્વાગત કરાયુ
આ સામાન્ય અને બજેટ સભામાં ખેડા જિલ્લાની વિધાનસભામાંથી ચૂંટાયેલા 3 ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, માતર ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર અને કપડવંજ ધારાસભ્ય રાજેશ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. ત્રણેય ધારાસભ્યનો સ્વાગત કરાયુ હતુ. તો માતર અને કપડવંજ ધારાસભ્ય માટે જિલ્લા પંચાયતની આ પહેલી સામાન્ય સભા હતી.
જિલ્લા પંચાયતમાં વર્ષમાં 6 લાખની ડાયરીઓ વપરાઈ ગઈ
વર્ષ 2022-23માં જિલ્લા પંચાયત પદાધિકારીઓના વેતન પ્રવાસ ભથ્થા પેટે 6.25 લાખ ખર્ચ કરાયો છે. જ્યારે જિલ્લા પંચાયતની ડાયરીઓ પાછળ 6 લાખ રૂપિયા ખર્ચ કરી નાખવામાં આવ્યા છે. 1 વર્ષમાં 6 લાખની ડાયરીઓનો વપરાશ બતાવતા અચરજ ફેલાઈ છે.
મહુધાના મીયાપુરનું નામ બદલી મણીપુર કરાયું
ખેડા જિલ્લા પંચાયત પણ યુપીના મુખ્યમંત્રીના રસ્તે હોય તેમ જણાઈ રહ્યુ છે. મહુધા તાલુકાના મીયાપુર ગામનું નામ બદલીને મણીપુર કરવાની દરખાસ્ત આવી હતી, આ દરખાસ્તને જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં મંજૂર કરી મીયાપુર ગામનું નામ બદલીને મણીપુર કરવામાં આવ્યુ છે.
વેતન અને અન્ય ભથ્થાની વિગત રજૂ કરાઈ
ખેડા જિલ્લા પંચાયત નડિયાદના વર્ષ 2022-23ના સુધારેલ અંદાજપત્રમાં જિલ્લા પંચાયત પ્રમુખનું માદન વેતન 0.41 લાખ, સામાજિક ન્યાય સમિતિ તેમજ શિક્ષણ સમિતિના ચેરમેનના માદન વેતન પેટે 0.27 લાખ લેખે 0.54 લાખ, પ્રમુખનું પ્રવાસ ભથ્થું 1 લાખ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેનનું પ્રવાસ ભથ્થું 0.40 લાખ સભ્યોનું પ્રવાસ ભથ્થું 0.81 લાખ, જ્યારે શિક્ષણ બાંધકામ તેમજ સામાજિક ન્યાય સમિતિના ચેરમેનના પ્રવાસ ભથ્થું 0.50 લાખ લેખે રૂ.1.50 લાખ ખર્ચ મંજૂર કરાયો છે.