SURAT

સુરતની ‘સ્માર્ટ’ મનપાની ‘મૂર્ખામી’ની સજા અડાજણના 4 લાખ લોકો 6 મહિનાથી ભોગવી રહ્યાં છે, જાણો શું થયું?

સુરત : અડાજણ આનંદમહલ રોડ પર છેલ્લા 9 વર્ષથી ઓછા પ્રેશરથી પાણી આવતું હોવાની ફરિયાદ છે. જેને લઈ સુરત મહાનગરપાલિકાના હાઈડ્રોલિક વિભાગ દ્વારા આનંદમહલ રોડ નજીક બે ઓવરહેડ ટાંકીનું આયોજન કર્યુ છે. આ બે ઓવરહેડ ટાંકીઓ 6 મહિનાથી બનીને તૈયાર છે પરંતુ તેમ છતાં લોકોને પાણી ઓછા પ્રેશરથી મળતું હોવાની ફરિયાદ છે. કારણકે, ઓવરહેડ ટાંકીઓ સંપૂર્ણ કાર્યરત કરાઈ નથી.

  • પાણીની બે ટાંકી છ માસથી તૈયાર, છતા નેટવર્ક જોડાણના અભાવે 4 લાખ લોકોને પાણી માટે વલખા
  • પાણીની ટાંકી બની તેની સાથે ટેન્ડર પ્રક્રિયા કરવાને બદલે નેટવર્ક માટે પાછળથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઇ
  • મનપાના વિભાગો વચ્ચે સંકલનના અભાવથી લોકોને હાલાકી

વિસ્તૃત વિગતો મુજબ, અડાજણ આનંદમહેલ રોડ નજીક 27 લાખ લિટરની 2 ઓવરહેડ ટાંકીઓનું પાણી ખાતા દ્વારા આયોજન થયું છે. બંને ટાંકી બનીને છ મહિના ઉપરનો સમયગાળો થઈ ગયો તેમ છતાં એમાં પાણી ભરવામાં આવતું નથી અને જે પ્રજાને ઓછા પ્રેશરથી પાણી મળે છે એ લોકો છેલ્લા 9 વર્ષ ઉપરથી હેરાન પરેશાન છે. બે પાણીની ટાંકી બનીને તૈયાર છે પરંતુ એની અંદર પાણી આવે એવુ સપ્લાયનું જોડાણ હજી સુધી થયું નથી.

કારણકે, જોગાણીનગર જળવિતરણમથક પરથી આ ઓવરહેડ ટાંકીઓ ભરવા માટેની એમ.એસ. રાઈઝીંગ નળીકા નાંખવાનું કામ ચાલી રહ્યું છે. પરંતુ આ ઓવરહેડ ટાંકીઓના નેટવર્કને છૂંટુ કરવા તથા નેટવર્ક સ્ટ્રેન્ધનિંગના કામો માટે હજી ટેન્ડરો મંગાવવામાં આવ્યા છે. જે રાઈઝીંગ નળીકા તથા નેટવર્ક સ્ટ્રેધનિંગની કામગીરી પૂર્ણ થયા બાદ આ ઓવરહેડ ટાંકીઓ મારફત પાણી પુરવઠો પુરો પાડવા માટે ઓપરેશનમાં લાવવામાં આવશે.

મનપા દ્વારા ટાંકીઓ બનાવી દેવાઈ અને હવે ઓવરહેડ ટાંકીઓના નેટવર્કને છુંટુ કરવાના કામના ટેન્ડરો મંગાવાયા છે. આ ટેન્ડરો ટાંકીના કામના સમયે જ મંગાવી લેવાય તો કામગીરી જલદી પૂર્ણ થાત અને પ્રજાને હાલાકીનો સામનો કરવો પડ્યો ન હોત.

નવ વર્ષથી ઓછા પાણીની સમસ્યા છે, ટેન્ડરમાં મોડુ થતા લોકોને સહન કરવાનું : ઉષાબહેન પટેલ
આ વિસ્તારના માજી કોર્પોરેટર ઉષા બહેન પટેલે જણાવ્યું હતુ કે, અડાજણના વિવિધ વિસ્તારોમાં છેલ્લા છ માસથી પાણી ઓછા પ્રેસરથી આવતુ હોવાની સમસ્યા છે. તેથી અમે અવાર-નવાર રજુઆત કરી પાણીની ટાંકીઓ મંજુર કરાવી હતી, પરંતુ આ ટાંકીઓ બની ગયાના છ માસ બાદ પણ નેટવર્ક સાથે જોઇન્ટ નહીં થતા લોકોને હજુ પણ કેટલો સમય હાલાકી સહન કરવાની થશે તે નક્કી નથી, આ મુદ્દે અધિકારીઓની બેદરકારી છતી થાય છે.

Most Popular

To Top