સુરત : સુરતમાં ચોરીના કિસ્સામાં નવી જ બાબત બહાર આવી છે. તેમાં કાપોદ્રા વિસ્તારમાં ગેસના બોટલોની ચોરીની ફરિયાદો વધી હતી. બંધ ઘરમાંથી ગેસના બોટલો ચોરતો આરોપીને પોલીસ દ્વારા ઝબ્બે કરવામાં આવ્યો હતો. ખાવાના ફાંફા પડતા રમેશ ઉકા પરમાર નામના ઇસમ દ્વારા ગેસના બોટલની ચોરી કરવાની શરૂ કરવામાં આવી હતી. તેની પાસેથી કુલ 25 જેટલા ગેસના બોટલ અને બાઇક મળીને કુલ્લે રૂ 88000ની મત્તા કબ્જે કરવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે.
- બેકાર યુવાન ગેસના બોટલા ચોરવાના રવાડે ચઢી ગયો
- સીસીટીવી ફૂટેજમાં ચેક કરતા રમેશ ઉકા પરમાર નામનો ઇસમ આ ચોરી કરતો હોવાનું જણાઇ આવ્યુ
- સેંકડો ગેસના બોટલોની ચોરી થયા બાદ પોલીસ દોડતી થઇ અને આરોપીને પકડી લીધો
પોલીસને મોટા પ્રમાણમાં લોકોના ઘરમાંથી માત્ર ગેસના બોટલોની ચોરી થતી હોવાની ફરિયાદ મળી હતી. સીસીટીવી ફૂટેજમાં ચેક કરતા રમેશ ઉકા પરમાર નામનો ઇસમ આ ચોરી કરતો હોવાનું જણાઇ આવ્યુ હતુ. પોલીસે તેને શોધીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. રમેશ ઉકા પરમારે પોલીસને જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી તે બેકાર હતો તથા તેને અને તેના પરિવારને ખાવાના ફાંફા પડી ગયા હતા.
દરમિયાન તેની ગેસના બોટલની ચોરીમાં ફાવટ આવી ગઇ હતી. તેથી તેણે આ ચોરી શરૂ કરી હતી. પોલીસને સીસીટીવી ફૂટેજમાં બે જગ્યાએ રમેશ ચોરી કરતા દેખાયો હતો. કાપોદ્રા ઉપરાંત ચોક બજાર વિસ્તારમાં ગેસના બોટલની ચોરીની કબૂલાત રમેશ દ્વારા કરવામાં આવી હતી.
સચિનના પાલી ગામમાં દસથી વીસ ટકા વ્યાજે નાણા ફેરવતો ઇસમ ઝડપાયો
સુરત : સચિન નજીકના પાલી ગામ સ્થિત ડાયમંડ પાર્કની સામે વ્યાજખોરીનો ધંધો કરનાર અને વીસ ટકા જેટલુ વ્યાજ વસૂલનાર આરોપીને પોલીસે ઝડપી જેલ ભેગો કરી દીધો હતો. આ ઇસમ વિરૂધ્ધ ક્રાઇમ બ્રાંચે નાણા ધીરધાર અધિનિયમ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. વરાછાના ત્રિકમ નગર વિસ્તારમાં રહેતો નૈનેષ સોલંકી પાલી ગામ સ્થિત ડાયમંડ પાર્ક સામે લારીવાળાને ઉંચા વ્યાજ દરે ફાઇનાન્સ કરે છે. જેના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે પાલી ગામ ડાયમંડ પાર્ક પાસેથી નૈનેષ દયાળજી સોલંકી (ઉ.વ. 45 રહે. દિનેશ નિવાસ, ચામુંડા નગર, ત્રિકમનગર પાસે, એલ.એચ. રોડ, વરાછા)ને ઝડપી પાડી તેની પાસેથી મોબાઇલ ફોન અને રોકડા રૂ. 2 હજાર ઉપરાંત બે નાની બુક મળી આવી હતી. બુક ચેક કરતા તેમાં અલગ-અલગ પેજ ઉપર વ્યાજે આપેલા રૂપિયાનો હિસાબ હતો. પોલીસે નૈનેષની હાથ ધરેલી પુછપરછમાં શહેરના જુદા-જુદા વિસ્તારના જરૂરિયાતમંદ લોકોને ફાઇનાન્સ કરવાનો ધંધો કરતો હોવાની કબૂલાત કરી હતી.