કાલોલ: કાલોલના ડેરોલ સ્ટેશન સ્થિત રેલ્વે ઓવર બ્રિજ બનાવવાની કામગીરી છેલ્લા ત્રણ વર્ષથી બંધ પડી રહેતા બંધ કરેલા ફાટક પાસેથી ખુલ્લામાં રેલ્વે લાઈન ક્રોસ કરતા ગુરુવારે રાત્રે એક મહિલા ટ્રેનની અડફેટે આવી જતાં અંતે સારવાર દરમિયાન મોત નીપજતા તંત્રની બેદરકારી અને નિષ્ક્રિયતા સામે ભારે રોષ ઉઠયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ ડેરોલસ્ટેશન સ્થિત લીમડાચોક પાસે રહેતા વર્ષાબેન ઘનશ્યામભાઈ કાછીયા (ઉ. વ. ૬૦) ગુરુવારે સાંજે કાલોલ શહેર ખાતે એક લગ્ન પ્રસંગે આવ્યા હતા અને લગ્ન પ્રસંગ પતાવીને રિક્ષામાં બેસી ડેરોલસ્ટેશન પરત ફરતા રાત્રે ૨૨:૩૦ કલાકે રેલવે ફાટક બંધ હોવાથી કાલોલ તરફી ફાટક પાસે ઉતરીને ફાટક પાસેના રેલવે લાઇન પરથી ખુલ્લા આવનજાવન કરવાના રસ્તે ચાલતા પસાર થવા દરમ્યાન મહિલાના કેડનો કંદોરો રેલવે લાઇન પાસે જ પડી જતા ડબલ રેલવે લાઇન પર રાત્રીના સુમારે શરતચૂકના પગલે એ સમયે ધમધમતી આવી રહેલી રાજધાની એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી જતા ફેંકાઈને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
જે અકસ્માતને પગલે તેઓને વધુ સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ એક દિવસની સારવારને અંતે શુક્રવારના રોજ વર્ષાબેનનું કરુણ મોત નીપજ્યું હતું. આમ છેલ્લા ચાર વર્ષથી બંધ પડી રહેલા રેલવે ઓવરબ્રિજ અને બંધ કરેલા ફાટકને કારણે જોખમી બનેલા રેલવે ક્રોસિંગ પર સ્થાનિક મહિલાએ જીવ ગુમાવતા તંત્રની બેદરકારી સામે સ્થાનિક લોકોએ ભારે રોષ ઠાલવ્યો હતો.