ડિપ્રેશન એટલે કે તણાવની જાતીય સંબંધો પર અત્યંત નકારાત્મક અસર પડે છે. તેના લીધે વ્યક્તિની પોતાના સાથી જોડે ભાવનાત્મક રીતે પ્રગાઢ રીતે સંકળાઈ રહેવાની ક્ષમતા પર અસર પડવાની સાથે સાથે જ તેની જાતીય ઈચ્છાઓ મંદ પડી જાય છે અને જાતીય સુખ માણવાનો તેનો આનંદ છીનવાઈ જાય છે.
આનંદનો અભાવ
તણાવગ્રસ્ત લોકો અગાઉ જે જાતીય સંબંધની મજા માણતા હતા તેમાંથી રસ ગુમાવી દે છે એટલું જ નહીં પરંતુ તેમના પોતાના કોઈ કામમાં રસ નથી રહેતો કે નથી તેઓ કોઈ પણ બાબતનો આનંદ માણી શકતા.
ઊર્જામાં ઘટાડો
થાકને કારણે જાતીય ક્રીડા માટેની તેમની શક્તિ મંદ પડી જાય છે. ડિપ્રેશનને લીધે ક્યાં તો બહુ ઊંઘ આવે છે અથવા ઊંઘ સાવ ઓછી થઈ જાય છે અને મોટાભાગે તો પૂરતા આરામથી પણ વ્યક્તિની શારીરિક ઊર્જામાં કોઈ હકારાત્મક ફેરફાર થતો નથી. થાકને કારણે કામાવેગ મંદ પડી જાય છે અને જાતીય ક્ષમતામાં પણ ઘટાડો થાય છે. પોતાના સાથીને જાતીય સુખ પૂરું પાડવાની ઊર્જા પુનઃહાંસલ કરવી અશક્ય જણાય છે.જો તમે પણ ડિપ્રેશનની સમસ્યાથી પીડાતા હો તો તમારી સેક્સ લાઈફને ફરીથી આનંદમય બનાવવા માટે અહીં કેટલાક ઉપાયો દર્શાવાયા છે.
ભાવનાત્મક સંવેદનશીલતામાં વધારો
જાતીય સંબંધોમાં સમયાંતરે ઉતાર-ચઢાવ આવવા સ્વાભાવિક છે પરંતુ ડિપ્રેશનગ્રસ્ત લોકો આ કામચલાઉ કે હંગામી તબક્કાને બહુ ગંભીરતાથી લઈ એવું માનવાની ભૂલ કરે છે કે આ તેમની ખામીને લીધે થયું છે. જેને કારણે તેઓ સેક્સને ટાળવાનો પ્રયાસ કરે છે.
સારવારમાં ફેરફાર
કમનસીબે ડિપ્રેશન માટે આપવામાં આવતી મોટાભાગની દવાઓને લીધે જાતીય ક્ષમતા પર અસર થાય છે. સ્ત્રી અને પુરુષ બંને માટે સીલેક્ટિવ સેરોટોનિન રિઅપટેક ઈન્હિબિટર્સ (S.S.R.I) તરીકે ઓળખાતી આ દવાઓ જાતીય ઈચ્છાઓને મંદ પાડવા ઉપરાંત જાતીય પરાકાષ્ઠાને અવરોધે છે. S.S.R.I.ને લીધે પુરુષોમાં શિશ્નોત્થાનની સમસ્યા સર્જાવાની શક્યતા રહે છે. કોઈ પણે ડૉક્ટરની સલાહ વગર ઉપચાર બંધ ના કરવો જોઈએ. જો તમે S.S.R.I ઉપચાર પર હો અને તેનાથી તમારી સેક્સ લાઈફ પર માઠી અસર થઈ રહી હોય તો તમારા માટે અન્ય કોઈ દવા કારગર નીવડે છે કે નહીં તે માટે તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
ડિપ્રેશનને ઘટાડવા પર ધ્યાન આપો
તમારા ડિપ્રેશનને સમજવા તથા તેને મૂળમાંથી દૂર કરવા માટે તમારે તમારા ફેમિલી ફિઝિશ્યનની મદદ લેવી જોઈએ. માનસિક કવાયત કરવાથી પણ તમારા સ્વભાવમાં સ્થિરતા આવી શકે છે. ફેમિલી ફિઝિશ્યનની સહાનુભૂતિથી આશ્વાસન મળે છે જે તમારા સ્વભાવને સ્થિર રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
તમારા પાર્ટનર સાથે સેક્સોલોજીસ્ટની મુલાકાત લો
તમારા પાર્ટનરની સાથે સેક્સોલોજીસ્ટની મુલાકાત લેવાથી જાતીય પ્રક્રિયાઓ વિશેની ગેરમાન્યતાઓ દૂર કરવામાં મદદ મળવાની સાથે જ જાતીય ક્રીડાઓની ટેક્નિક વિશે તમારા આત્મવિશ્વાસમાં વધારો થાય છે. સેક્સોલોજીસ્ટ જાણે છે કે સેક્સ એક જાતીય પ્રક્રિયા છે જે વ્યક્તિને તેના પાર્ટનર સાથેના ભાવનાત્મક જોડાણને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે. સેક્સોલોજીસ્ટ સંબંધો માટે જાતીય પ્રગાઢતા વધે તે માટેનાં સૂચનો પૂરાં પાડે છે.