ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસને કારણે માર્ગ અકસ્માતોની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આવી જ એક દુઃખદ ઘટના આગ્રા–ઇટાવા–કાનપુર 6-લેન હાઇવે પર સામે આવી છે. જ્યાં ગાઢ ધુમ્મસના કારણે બે ટ્રકો વચ્ચે ભયંકર અથડામણ થઈ હતી. આ અકસ્માતમાં એક ટ્રક ડ્રાઇવર કેબિનમાં ફસાઈ ગયો હતો અને આગ લાગતા જીવતો સળગી જવાથી તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
આ અકસ્માત ગુરુવારે મોડી રાત્રે લગભગ 2 વાગ્યાના સમયે કાનપુર–ઇટાવા હાઇવે પર પક્કા બાગ ઓવરબ્રિજથી અંદાજે 100 મીટર દૂર નેશનલ હાઇવે-2 પર થયો હતો. અકસ્માત બાદ હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જે બાદમાં ક્રેનની મદદથી ટ્રકો દૂર કર્યા પછી જ ખુલ્લો થઈ શક્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર હરિયાણાના અહલાનાબાદથી વારાણસી તરફ જઈ રહેલી જીપ્સમ ભરેલી ટ્રક આગળ જઈ રહેલી બીજી ટ્રક સાથે અથડાઈ ગઈ હતી. ગાઢ ધુમ્મસના કારણે દૃશ્યતા અત્યંત ઓછી હતી. એ દરમિયાન આગળની ટ્રકે અચાનક બ્રેક લગાવી દીધી. જેના કારણે પાછળથી આવતી ટ્રકને સમયસર રોકી શકાયી નહોતી અને ભયંકર ટક્કર થઈ ગઈ.
અથડામણ બાદ જીપ્સમ ભરેલી ટ્રકમાં આગ ફાટી નીકળી હતી. જે થોડા જ સમયમાં કેબિન સુધી ફેલાઈ ગઈ. ટ્રકનો ડ્રાઇવર કેબિનમાં ફસાઈ ગયો હોવાથી બહાર નીકળી શક્યો નહોતો અને આગમાં ઝપટાઈ જતા તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો દ્વારા પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.
માહિતી મળતાં જ ત્રણ ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચ્યા અને લગભગ એક કલાકની ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો. આગ બુઝાયા પછી પોલીસે કેબિનમાંથી ડ્રાઇવરનો સળગેલો મૃતદેહ બહાર કાઢ્યો. પાછળથી આવતી ટ્રકના ડ્રાઇવરે મૃતકની ઓળખ જસકીરત સિંહ ઉર્ફે લવલી તરીકે કરી હતી. જે હરિયાણાના સિરસા જિલ્લાના રહેવાસી હતા.
પોલીસે મામલે તપાસ શરૂ કરી છે અને ધુમ્મસ દરમિયાન વાહનચાલકોને સાવચેતી રાખવાની અપીલ કરી છે.