Health

રોગચાળો વકર્યો, સુરતમાં ડેંગ્યુમાં 17 વર્ષની કિશોરીનું મોત

સુરત: શહેરમાં ચોમાસા (Monsoon) પછી પણ રોગચાળો (epidemic) હજી શાંત પડ્યો નથી. ઝાડા ઉલટીના કેસ બાદ હવે શહેરના કાપોદ્રા વિસ્તારમાં ડેન્ગ્યુના (Dengue) કારણે 17 વર્ષની કિશોરીનું મોત (Death) થયાની ઘટના પ્રકાશમાં આવી હતી.

નવી સિવિલ હોસ્પિટલ (New Civil Hospital) પાસેથી મળતી માહિતી મુજબ કાપોદ્રા (Kapodra) ખાતે દિનદયાળ નગરમાં રહેતી 17 વર્ષીય દુર્ગા બાબુ દેવેન્દ્ર પિતાના અવસાન બાદ માતા સાથે નાનીને ઘરે રહેતી હતી. દુર્ગા પાંચ દિવસથી ડેન્ગ્યુની બીમારીમાં સપડાઈ હતી. જેની સારવાર ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી. દરમિયાન બુધવારે સાંજે તેની તબિયત વધારે બગડતા તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં ઝાડા ઉલ્ટીમાં મોતના અનેક બનાવ સામે આવ્યા છે. પરંતુ ડેન્ગ્યુથી મોતનો બનાવ પ્રથમ છે. માત્ર નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક મહિનામાં ડેન્ગ્યુના 236 જેટલા કેસ નોંધાયા છે.

નોંધનીય છે કે છેલ્લાં પંદરેક દિવસથી શહેરમાં શરદી-ખાંસીના કેસ પણ વધી ગયા છે. લોકો ગળા, પેટનાં ઈન્ફેક્શનથી પીડાઈ રહ્યાં છે. કોરોનાની પહેલી અને બીજી લહેર બાદ શહેરમાં જાણે બિમારીએ ઘર કર્યું હોય તેમ શહેરીજનો એક બાદ એક બિમારીથી પરેશાન થઈ રહ્યાં છે. પેટ, માથાના દુ:ખાવા અને શરદી-ખાંસીના લગભગ દરેક ઘરમાં એકાદ-બે કેસ જોવા મળી રહ્યાં છે.

નવી સિવિલમાં ઓક્ટોબર મહિનામાં રોગચાળાના આંકડા

બીમારી કેસો

  • ડેન્ગ્યુ 236
  • મેલેરિયા 148
  • ઝાડા-ઉલટી 064
  • તાવ 117
  • કમળો 092
  • ટાઇફોઇડ 035

Most Popular

To Top