નડિયાદ: નડિયાદ શહેરના ડભાણ ભાગોળ વિસ્તારમાં આવેલ એક બંધ કોમ્પ્લેક્ષમાં છેલ્લાં ઘણાં વર્ષોથી ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું હોઈ આ વિસ્તારમાં રહેતાં રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. ત્યારે પાલિકાતંત્ર દ્વારા આ કોમ્પ્લેક્ષમાંથી ગંદકી દુર કરવામાં આવે તેવી માંગ સાથે આ વિસ્તારમાં રહેતાં એક જાગૃત યુવકે પાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી છે. નડિયાદ શહેરના ડભાણ ભાગોળ વિસ્તારમાં આવેલ રામનાથ પોળની બહાર પાંચ થી છ વર્ષ અગાઉ એક કોમ્પ્લેક્ષ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, થોડું ઘણું કામકાજ કર્યા બાદ કોઈ કારણોસર નિર્માણાધિન કોમ્પ્લેક્ષનું કામ અધુરૂ છોડી દેવામાં આવ્યું હતું. છેલ્લાં ૫-૬ વર્ષોથી આ કોમ્પ્લેક્ષનું કામ આગળ વધ્યું નથી. આ કોમ્પ્લેક્ષમાં સાફ-સફાઈ પણ કરવામાં આવતી નથી. જેને પગલે આ કોમ્પ્લેક્ષમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે.
વરસાદથી બચવા માટે કોમ્પ્લેક્ષમાં ઘુસી આશરો લેતાં અબોલ જાનવરો પણ ત્યાં જ મળમુત્ર કરતાં હોય છે. ગંદકી તેમજ જાનવરોના મળમુત્રથી સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે. જેને પગલે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. અસહ્ય દુર્ગંધને પગલે કોમ્પ્લેક્ષ આગળ મુકવામાં આવેલાં બાંકડામાં સ્થાનિકો બેસી પણ શકતાં નથી. ત્યારે આ કોમ્પ્લેક્ષમાંથી વહેલીતકે ગંદકી દુર કરી પોળમાં રહેતાં રહીશોની પરેશાની દુર કરવામાં આવે તેવી માંગ સાથે આ વિસ્તારમાં રહેતાં કૌશલ પંડ્યા નામના એક યુવકે પાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજુઆત કરી છે.