SURAT

ખાડીપૂરે તંત્રને જાગવા મજબૂર કર્યું, આખરે સુરત એરપોર્ટ નજીકના ઝીંગા તળાવો તોડવાનું શરૂ કરાયું

સુરત: સુરત શહેરમાં વરસાદી સીઝનમાં ખાડી પૂર અને એરપોર્ટ પર બર્ડ હિટ જેવી ગંભીર ઘટનાઓને ધ્યાનમાં રાખીને તંત્ર સતર્ક બન્યું છે. ખાડી પૂરની સમસ્યાના ઉકેલ માટે જ્યાં એક તરફ વિશેષ સમિતિ રચવામાં આવી છે, ત્યાં બીજી બાજુ આજે એરપોર્ટને સમાંતર વિસ્તારોમાં અનેક ઝીંગા તળાવો સામે કાર્યવાહીનો દોર શરૂ થયો છે.

  • બર્ડ હિટની શક્યતા નિવારવા અને ખાડી પૂર રોકવા કલેક્ટરના આદેશને પગલે મજુરા મામલતદાર અને સિંચાઈ વિભાગનું ઝીંગાતળાવો સામે ઓપરેશન
  • બે દિવસમાં ખજોદ-આભવાના 24,500 ચો.મી.ના ઝીંગાતળાવો ભાંગીને ભૂક્કો કરી દેવામાં આવ્યો

અગાઉ મિંઢોળા નદીના મુખ પાસે ખાડીની આસપાસના ઝીંગા તળાવો તોડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ખજોદમાં 20 હજાર સ્ક્વેર મીટર અને આભવામાં 4500 સ્ક્વેર મીટર જગ્યામાંના ઝીંગાતળાવ બે દિવસમાં તોડી પાડવામાં આવ્યા છે.

જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના માર્ગદર્શનમાં મજુરા મામલતદાર અને સિંચાઈ વિભાગે સંયુક્ત ઓપરેશન શરૂ કરીને એરપોર્ટ વિસ્તારમાં ઝીંગા તળાવોના ડિમોલિશનનો આરંભ કર્યો છે. તળાવ તોડીને જમીનને સમતલ કરવાનું કામ શરૂ થયેલું છે જેથી વિમાન લેન્ડિંગ અને ટેકઓફ વખતે પંખીઓના ટોળા ન ઉમટે અને બર્ડ હિટની ઘટના અટકાવવામાં સહાય મળે. ઉલ્લેખનીય છે કે અગાઉ વહીવટી તંત્ર દ્વારા અનેક વખત નોટિસ આપવામાં આવી હોવા છતા પણ ઝીંગા માફિયાઓએ પોતાની પ્રવૃત્તિ ચાલુ રાખી હતી. જો કે હવે તંત્રએ ઝીંગા તળાવો તોડી નાંખી એવી સ્થિતિ ઉભી કરવાની તૈયારી કરી છે કે ભવિષ્યમાં ફરીથી એવા તળાવો ઉભા કરવામાં મોટા આર્થિક ખર્ચનો સામનો કરવો પડે, જે ઝીંગા ઉદ્યોગની કમર તોડનાર સાબિત થશે. આ કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે હવે તંત્ર માત્ર નોટિસ સુધી સીમિત ન રહી કાયદેસરની દૃષ્ટિએ કડક પગલાં લેવાનું મન બનાવી ચૂક્યું છે.

Most Popular

To Top