સોજિત્રા : સોજીત્રા ખાતે મુખ્ય રાજમાર્ગ પૈકીના દબાણો હટાવવાની કવાયત ઘણા દિવસોથી ચાલતી હતી. અહીં દબાણો સ્વૈચ્છિક દૂર કરવા પાલિકાએ અલ્ટીમેટમ પણ આપ્યું હતું. જેની સમય મર્યાદા પૂર્ણ થતાં આજરોજ દબાણકારો ઉપર પાલિકા ત્રાટકી હતી. જેમાં નાના મોટા 106 જેટલા દબાણોનો સફાયો કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.
સોજીત્રા નગરપાલિકા હદ વિસ્તારમાં થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરીનો મુદ્દો છેલ્લા ઘણા દિવસોથી ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.
આ દબાણો હટાવવા સંદર્ભે પાલિકાના તત્કાલિન ચીફ ઓફિસર માત્ર 20 દિવસના ટૂંકા સમયગાળામાં જ રાજીનામું ધરી વિદાય થઈ ગયા હતા. બાદમાં પેટલાદ પાલિકાના ચીફ ઓફિસરને સોજીત્રાનો ચાર્જ સોંપ્યો હતો. જેથી ઇન્ચાર્જ ચીફ ઓફિસર સંજય રામાનુજે ચાર્જ સંભાળતાની સાથે જ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ઉપર લીધી હતી. તેઓએ દબાણકારોને અલ્ટીમેટમ આપવા સાથે મિટીંગ પણ કરી હતી. જેની સમય મર્યાદા પૂર્ણ થતી હોવાથી દબાણો હટાવવાની કામગીરી આજે હાથ ધરવામા આવી હતી. આજરોજ સવારે 10 કલાકથી ચીફ ઓફિસર સંજય રામાનુજ સહિત પાલિકાના જુદા જુદા વિભાગોના કર્મચારીઓએ જૂના બસ સ્ટેન્ડ પાસેથી દબાણો દૂર કરવાની કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે શરૂઆત કરવામા આવી હતી.
સોજીત્રાના મુખ્ય રાજમાર્ગ પૈકી નડતરરૂપ લારી, ગલ્લા, કેબીન, પતરાના શેડ, ઓટલા, પગથીયા જેવા દબાણો હટાવવા અને થોડી પાડવાનું શરૂ કર્યું હતું. જેથી કેટલાક દબાણકારોએ સ્વૈચ્છિક પણ દબાણો દૂર કર્યા હતા. પાલિકા દ્ધારા દબાણો હટાવવાની કામગીરીને લઈ નગરમાં લોકટોળા ઉમટી પડ્યા હતા. જો કે પાલિકાએ સોજીત્રા ચોકડી સુધીના મુખ્ય રાજમાર્ગ પૈકી ગેરકાયદેસર રીતે બનાવેલા 36 જેટલા પાકા ઓટલા અને પગથીયા જેસીબી મશીનની મદદથી તોડી પાડવામાં આવ્યા હતાં.
આ અંગે ઇન્ચાર્જ ચીફ ઓફિસર સંજય રામાનુજે જણાવ્યું હતું કે, મુખ્ય રસ્તા પૈકી 35 જેટલા પતરાના બોર્ડ અને શેડ, 10 કેબીનો તથા 25 લારી, ગલ્લા મળી કુલ 106 દબાણો દૂર હટાવવામા આવ્યા છે. આજની દબાણ હટાવવાની કામગીરીમાં પાલિકા સાથે મામલતદાર કચેરીના કર્મચારીઓ પણ જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સોજીત્રાના કેટલાક દબાણકારો પાસેથી રાજકીય ગોડફાધરોએ ખાયકી કરી લીધી હોવાની વાત નગરમાં ભારે ચર્ચાસ્પદ બની હોવાનુ જાણવા મળે છે.