ગેરકાયદેસર ઝીંગા તળાવો દૂર કરવા તેમજ તે અંગેના NGTના આદેશોના પાલનમાં બેદારકરી દાખવનાર જવાબદાર અધિકારીઓની જવાબદારી નક્કી કરવા કોંગ્રેસનીરજૂઆત
સુરત શહેર અને જિલ્લાના કાંઠા વિસ્તારમાં આવેલ ગામોના દરિયાઈ વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી મોટે પાયે ગેર કાયદેસર રીતે ઝીંગા ના તળાવો બનાવી દેવામાં આવ્યા છે. સુરત શહેરના ઓલપાડ મજુરા-ચોર્યાસી તાલુકામાં તેમજ તાપી નદી અને સમુદ્ર દેવતાના મિલનની પવિત્ર જગ્યાએ આવેલ કડિયા બેટ વિસ્તારમાં સરકારી જમીન પર વર્ષોથી ગેરકાયદેસર ઝીંગા તળાવો (શ્રિમ્પ ફાર્મ્સ) બનાવવામાં આવેલા છે, જે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (CRZ) નિયમો, 2019 અને પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ, 1986નું તેમજ સરકારના પરિપત્રોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. આ તળાવો મેંગ્રોવ્ઝ, વેટલેન્ડ્સ અને કોસ્ટલ ઇકોસિસ્ટમને અપાર નુકસાન પહોંચાડી રહ્યા છે, જે વિસ્તારના પર્યાવરણીય સંતુલન અને સ્થાનિક જીવસૃષ્ટિ માટે જોખમી છે.
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) દ્વારા સુરતના દરિયાઈ વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર બનેલા આવા તળાવોને દૂર કરવા માટે વારંવાર આદેશો આપવામાં આવ્યા છે તેમજ સરકાર દ્વારા પણ સરકારી જમીનના રક્ષણ અંગે પરિપત્રો અને ઠરાવો કરવામાં આવ્યો છે . નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)માં દાખલ કરવામાં આવેલા કેસ નંબર ૧૬/૨૦૨૦ અને સંબંધિત કેસોના આદેશમાં ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી (GCZMA), જીપીસીબી, જિલ્લા મેજિસ્ટ્રેટ અને ફિશરીઝ વિભાગને જોઈન્ટ કમિટી બનાવીને કાર્યવાહી કરવાના નિર્દેશો આપવામાં આવ્યા છે.
સને ૨૦૨૩ના માર્ચ મહિનામાં ખજોદ વિસ્તારમાં ગેરકાયદેસર તળાવો પર કાર્યવાહી કરવામાં આવી હતી અને તેને NGT આદેશોના પાલન તરીકે વર્ણવવામાં આવી હતી. આ ઉપરાંત એન.જી.ટી.માં ચાલતા કેસ અન્વયે થયેલી માપણીની જિલ્લા જમીન દફતર વિભાગમાંથી આરટીઆઈ હેઠળ માંગેલ માહિતી મુજબ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં કૂલ ૧૩૪૩.૯ હેક્ટર (૧,૩૪,૩૯,૦૦૦ ચોરસ મીટર) અને સુરત શહેરના ચોર્યાસી- મજુરા તાલુકામાં ગેરકાયદેસર રીતે સરકારી જમીનો પર ચાલતા ઝીંગાના તળાવોની કૂલ સંખ્યા ૫,૬૪૧ અને કૂલ વિસ્તાર ૪,૦૩૯ હેક્ટર છે.પરંતુ આજે પણ સુરત જિલ્લાના ઓલપાડ,ચોર્યાસી,મજુરા તેમજ કડિયા બેડ વિસ્તારમાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર બનાવવામાં આવેલ ઝીંગા તળાવો હજુ પણ કાર્યરત છે.
સુરત જિલ્લાનું વહીવટી તંત્ર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)ના હુકમોનું તેમજ સરકાર દ્વારા સરકારી જમીનના રક્ષણ અંગેના પરિપત્રો અને ઠરાવોનું પાલન કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું છે. જ્યારે કોઈ રજૂઆત કરવામાં આવે છે ત્યારે નામ પૂરતી કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ ત્યારબાદ ફરી જેમનું તેમ થઈ જાય છે. આ સિલસિલો છેલ્લા કેટલાય વર્ષોથી યથાવત રહ્યો છે. હાલમાં પણ જે કાર્યવાહી થઈ રહી છે તે માત્ર નામ પૂરતી ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.
કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે કલેક્ટરને આવેદનપત્ર આપવા સાથે રજૂઆત કરી હતી કે, એક તરફ સરકાર આ વિસ્તારને બીચ વિકાસ અને ઇકો-ટુરિઝમ યોજનાઓ હેઠળ પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની વાતો કરી રહી છે, પરંતુ બીજી તરફ વહીવટી તંત્રના જવાબદાર અધિકારીઓ સરકારી જમીનનું રક્ષણ કરવાની તેમની ફરજ નિભાવી રહ્યા નથી. આનાથી વિસ્તારના વિકાસને અડચણ પડી રહી છે અને પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે. વધુમાં, સરકારી જમીન પર ગરીબ લોકો દ્વારા સરકારી સહાયથી બનેલા ઘરો અને ધાર્મિક ઇમારતોનું ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે, જ્યારે વ્યાપારી હેતુસરના ગેરકાયદેસર તળાવોને બચાવવામાં આવી રહ્યા છે. જેને નામદાર કોર્ટના આદેશ હોવા છતાં તોડવામાં આવી રહ્યા નથી.આ અસમાન વર્તન ભારતીય બંધારણની કલમ ૧૪ (સમાનતાનો અધિકાર)નું ઉલ્લંઘન છે.
આ બાબતે સરકારી જમીનની રક્ષા કરવા માટે જવાબદાર મામલતદાર, તલાટી સહિતના તમામ અધિકારીઓની જવાબદારી નક્કી કરવી જોઈએ.
કોંગ્રેસની માંગણી
- કડિયા બેડ વિસ્તાર સહિત સુરત જિલ્લા અને શહેરના વિસ્તારમાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર બનાવવામાં આવેલ ઝીંગા તળાવોને તાત્કાલિક અને કાયમી રીતે દૂર કરવા માટે કાર્યવાહી કરવામાં આવે.
- ઝીંગા તળાવોના કામે ઉપયોગમાં લેવામાં આવતા વીજળીના જનરેટર મશીનો પણ વહીવટી તંત્ર દ્વારા કબજે લેવામાં આવે તેમજ તળાવો માટે DCVCL દ્વારા વીજળીના જે જોડાણ આપવામાં આવેલ ગેરકાયદેસર વીજળીના કનેક્શન પણ તત્કાલ દૂર કરવામાં આવે.
- ઝીંગા તળાવોના ઉપયોગમાં લેવા માટે બાંધવામાં આવેલ પાકા બાંધકામોનું પણ તોડી પાડવામાં આવે અને ફરી ન બને તે પણ તકેદારી રાખવામાં આવે.
- NGT આદેશોના તેમજ સરકારશ્રી સરકારી જમીનના રક્ષણ અંગેના પરિપત્રો અને ઠરાવોનું પાલન કરાવવામાં બેદરકારી દાખવી નિષ્ફળ રહેલા અધિકારીઓની તપાસ કરીને તેમની જવાબદારી નક્કી કરવામાં આવે અને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
- આ વિસ્તારને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માટેની યોજનાઓને અમલમાં મૂકવા અને પર્યાવરણીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તત્કાલ પગલાં લેવામાં આવે.
- ઝીંગા તળાવોના તોડયા બાદ ફરી આ સરકારી જમીન ઉપર ઝીંગા તળાવો બનાવી ન દેવાય એ માટે મહિનામાં બે દિવસ એટલે કે પંદર દિવસના અંતરારે થયેલ કાર્યવાહીનું મામલતદાર કક્ષાએથી સ્થળ તપાસ અહેવાલ તૈયાર કરવામાં આવે.
- જો ફરી આ સરકારી જગ્યાઓ ઉપર ઝીંગા તળાવો બનાવી દેવામાં આવે તો જવાબદાર મામલતદારની જવાબદારી નક્કી કરી તેમની સામે નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવે.
- આ રજૂઆત પર 30 દિવસમાં જવાબ આપવામાં આવે અને કાર્યવાહીનો અહેવાલ મોકલવામાં આવે