નડિયાદ: વસોમાં વર્ષો જૂનો ગ્રામ પંચાયતનો ચોરો બંધ હોય ખંડેર હાલતમાં ફેરવાયું છે. આ પંચાયત ઘરની જગ્યામાં ઝાડી ઝાંખરાના કારણે ઝેરી જીવજંતુઓનો ઉપદ્રવ વધવા પામ્યો છે. જેથી સ્થાનિક રહીશો તેમજ બાળકોને ઝેરી જીવજંતુઓ કરડવાની દહેશત વ્યાપી છે. વસો ગામ એનઆરઆઇ પરિવારો ધરાવતું ગામ છે. વસો ગામની મધ્યમાં વર્ષો જૂનું ગ્રામ પંચાયત નો ચોરો આવેલો છે. આ ચોરો છેલ્લા ઘણા વર્ષોથી બંધ હાલતમાં છે જેથી ઝાડી ઝાખરા ઊંગી નીકળ્યા છે. તેમજ આજુબાજુ રહેતા લોકો માટે ગંદકી કચરો નાખવાનું સ્થળ બની ગયું છે.
જેથી ગંદકી કચરો ભારે દુર્ગંધ મારતો હોય સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. આ ખંડેર ચોરાની જગ્યામાં ઉગી નીકળેલ ઝાડી ઝાંખરાના કારણે ઝેરી સાપ જેવા જીવજંતુઓનો ઉપદ્રવ વધ્યો છે. જેને લઇ આ વિસ્તારમાં રહેતા હબીબભાઇ ઇદ્રેશભાઈ વ્હોરાએ જુના ચોરામાં ઊગી નીકળેલ ઝાડી જાખરા તેમજ ગંદકી કચરાની સફાઈ કરવા માંગણી કરી છે. ખંડેર ચોરામાં ભરાઈ રહેતા ઝેરી જીવજંતુઓ બાજુના મકાનમાં ઘૂસી જતા હોઈ રહેણાંક વિસ્તારના પરિવારજનો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. આ અંગે રજુઆત કરી હતી છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ભારે રોષ જન્મ્યો છે.