surat : રાજ્યના પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયાએ ગુરુવારે ગુજરાતની તમામ ચેમ્બર ઓૅફ કોમર્સ સાથે વિડીયો કોન્ફરન્સથી કોરોના સંક્રમણ ( corona) ની બીજી લહેરમાં ( second wave) ઉદ્યોગ સંગઠનોના પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા કરી હતી. જેમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ સહિતનાં રાજ્યનાં જુદાં-જુદાં શહેરોના ચેમ્બર જોડાયાં હતાં. આ પ્રસંગે સુરત ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ રજૂઆત કરી હતી કે, ડાયમંડ ટ્રેડિંગ, રિયલ એસ્ટેટ અને કાપડ માર્કેટ સહિતની તમામ હોલસેલ દુકાનો ચાર કલાક ખુલ્લી રાખવા છૂટ આપવી જોઇએ.
દક્ષિણ ગુજરાતમાં હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ સહિતના તમામ ઉદ્યોગની હોલસેલ દુકાનો દિવસ દરમિયાન સવારે ૧૦થી બપોરે ર કલાક સુધી ખોલવા માટે મંજૂરી આપવામાં આવે. રાજ્યમાં તમામ પ્રકારની ઉત્પાદન પ્રવૃત્તિઓ ચાલુ છે, પરંતુ ટ્રેડિંગ એક્ટિવિટી બંધ હોવાથી ઉત્પાદન પ્રવૃત્તિઓ પણ બંધ થવાની કગાર પર છે. આથી ટ્રેડિંગ એક્ટિવિટીની પરવાનગી તા.૧૮ મે, ર૦ર૧થી નવા જાહેર થનાર હુકમથી મળી રહે એ માટે માંગ કરવામાં આવી હતી. કારીગરો હાલમાં પોતાના વતન જઈ શકે તેવી સ્થિતિમાં નથી અને જો આ સંજોગોમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓને કોઈપણ કારણસર બ્રેક લાગશે. તો આ કારીગરો રસ્તા ઉપર આવી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગાડી શકે તેવી ભીતિ છે. કારણ કે, કાપડ માર્કેટની દુકાનો બંધ હોવાથી વિવિંગ અને પ્રોસેસિંગ એકમો દ્વારા ઉત્પાદન ઘટાડી દેવામાં આવ્યું છે અને બે પાળીને બદલે એક પાળીમાં ઉત્પાદનની પ્રક્રિયા ચાલુ છે. જો કાપડની માર્કેટો બંધ જ રહેશે તો વિવિંગ અને પ્રોસેસિંગ એકમો પણ બંધ થવાની ભીતિ સેવાઇ રહી છે. આવા સંજોગોમાં કાપડ ઉદ્યોગની સમગ્ર સપ્લાય ચેઇન ચાલુ રહે તેવી સ્થિતિનું નિર્માણ થવું જોઈએ. બાંધકામ ઉદ્યોગમાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે પણ તેને સંલગ્ન રેતી–કપચી, સિમેન્ટ અને સ્ટીલ જેવી એન્સીલરી સર્વિસની દુકાનો બંધ હોવાથી બાંધકામ પ્રવૃત્તિ ઉપર રોક લાગી ગઇ છે. આથી બાંધકામ ઉદ્યોગ ચાલુ રહે તેના માટે એન્સીલરી સર્વિસની દુકાનોને ખોલવા માટે મંજૂરી આપવામાં આવે. એક્સપોર્ટ–ઈમ્પોર્ટની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તમામ એકમોને કોઈપણ પ્રકારની પરવાનગી લીધા વગર પોતાનું કામ કરવા પરવાનગી આપવામાં આવે. કારણ કે, એક્સપોર્ટના ઓર્ડર્સ જો સમયસર ડિલિવરી ન થાય તો તેનો આર્થિક બોજો ઘણો મોટો હોઇ વૈશ્વિક બજારમાં ભારતની ઈમેજને પણ ખરાબ કરી શકે છે. આથી તાત્કાલિક ધોરણથી આ હુકમ અમલવાર થવો જોઇએ. રાજ્યમાં તમામ પ્રકારની મેઈન્ટેનન્સ અને રિપેર સર્વિસીઝ ચાલુ રહે તેવો હુકમ તાત્કાલિક ધોરણથી કરવામાં આવે..
18મી તારીખે સુરતની સ્થિતિની સમીક્ષા કરી કાપડ માર્કેટ અને હીરા બજાર સહિતના હોલસેલ વેપારનો નિર્ણય લેવાશે: ભાટિયા
રાજ્યના પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયાએ રાજ્યની વિવિધ ચેમ્બર ઓફ કોમર્સ ( chember of commerce) ના હોદ્દેદારો કરવામાં આવેલી રજૂઆતોને શાંતિપૂર્વક સાંભળી હતી અને જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી દ્વારા બનાવવામાં આવેલી કોર કમિટીમાં ઉદ્યોગ–ધંધાને સ્પર્શતા આ મુદ્દાઓ અંગે નિર્ણયો લેવામાં આવે છે. આથી ચેમ્બર ઓફ કોમર્સે તેમને કરેલી રજૂઆતોને તેઓ મુદ્દાસર મુખ્યમંત્રી દ્વારા બનાવાયેલી કોર કમિટી સમક્ષ 18મી મેના રોજ રજૂ કરશે. આ બેઠકમા કાપડ માર્કેટ ( textiles market) , હીરાબજારો ( diomond market) અને રિટેઇલ બજારો ( retail market) ખોલવા કે નહીં તે નિર્ણય લેવાશે.
ફરસાણ, મીઠાઇ, નમકીનની દુકાનો ખુલ્લી રાખવા છૂટ, છતાં સુરત પોલીસ દુકાનો બંધ કરાવે છે
સીએઆઇટીના ગુજરાત એકમના પ્રમુખ પ્રમોદ ભગતે રજૂઆત કરી હતી કે, ફરસાણ, નમકીન અને મીઠાઇની દુકાનો ચાલુ રાખવાનો ગૃહ વિભાગનો હુકમ છતાં સ્થાનિક તંત્ર દ્વારા ઘણી જગ્યાએ આ દુકાનો બંધ કરાવવામાં આવે છે. આથી સ્થાનિક તંત્રને આ હુકમ અંગે સૂચનો મળી રહે એ માટે કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી. રાજ્યના ડીજીપીએ આ મામલે સુરત સહિતના પોલીસ કમિશનરોને આ અંગે જાણ કરવાની ખાતરી આપી હતી.