Madhya Gujarat

પેટલાદને માન્ચેસ્ટર બનાવવા રેલ કનેક્ટિવિટીની માંગ

પેટલાદ : પેટલાદ વિભાગીય મથક ઉપરાંત તાલુકો છે. અહીંયા રેલ્વે સ્ટેશનને જંક્શનનો દરજ્જો છે. પરંતુ જંક્શનને મળવા પાત્ર સુવિધાઓનો અભાવ છે. પેટલાદ પાસે એકમાત્ર આણંદ – ખંભાતની ટ્રેન જ કાર્યરત છે. એક સમયના ઔદ્યોગિક શહેર ગણાતા પેટલાદની અનેક ટ્રેન માટેની માંગણીઓ વર્ષોથી પડતર છે. પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા પેટલાદની કેટલીક માંગણીઓ સંદર્ભે વર્ષોથી સતત ઉપેક્ષા થતી હોય છે. જેને કારણે પેટલાદ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વડાપ્રધાન સમક્ષ પડતર માંગણીઓ પૂરી કરવા રજૂઆત કરવામાં આવી છે.

ગાયકવાડી સ્ટેટ વખતે પેટલાદ માન્ચેસ્ટર ગણાતું હતું. આ શહેરના ઉદ્યોગો દેશ – વિદેશ સુધી ફેલાયેલા હતા. ઐતિહાસિક ગણાતા પેટલાદ શહેરથી સુતરાઉ કાપડ, એસીડ, કાપડનો કાચો માલ, પડિયા – પતરાળાંનો કાચો અને તૈયાર માલ વગેરે દેશના ખૂણે ખૂણે જતો હતો. જેથી પેટલાદમાં પચાસેક વર્ષ અગાઉ રેલ્વે સ્ટેશન ખાતે પેસેન્જર ટ્રેન ઉપરાંત વેગનો ભરેલ ગુડ્ઝ ટ્રેનો પણ આવી – જા કરતી હતી. પેટલાદ રેલ્વે સ્ટેશન ખાતે યાર્ડ, પાર્સલ ઓફીસ, બુકિંગ ઓફીસ વગેરે કાર્યરત હતા.‌

પરંતુ સમય જતાં સુતરાઉ કાપડ અને પડિયા પતરાળાંના વેપારમાં ઓટ આવવાને કારણે વિપરીત અસરો ટ્રેનની પાર્સલ સેવા ઉપર પણ પડી હતી. જો કે સમયની સાથે પેસેન્જર ટ્રેનોમાં જોરદાર વધારો થતાં ટ્રેનો બદલાઈ, રૂટ અને કોચ વધ્યા, ઈલેક્ટ્રીક સુવિધા સાથે સ્પીડ વધી, એટલે પેસેન્જરોને મળતી સુવિધામાં ચોક્કસપણે વધારો થયો છે. પરંતુ જંક્શન ગણાતા પેટલાદ રેલ્વે સ્ટેશનનો વિકાસ આણંદ – ખંભાત સુધી સિમીત જ રહ્યો. જો કે અવાર – નવાર પેટલાદ પંથકની પ્રજા, રાજકીય આગેવાનો, વિવિધ સંસ્થો દ્વારા રેલ્વેને લગતી અનેક માંગણીઓ કરતી રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ પેટલાદ તાલુકા માટે હંમેશા ઓરમાયું વર્તન રાખવામાં આવતું હોવાની વાત ચર્ચાસ્પદ છે.

જેથી તાજેતરમાં પેટલાદના વિકાસને ધ્યાનમાં રાખી પેટલાદ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા લેખીતમાં રજૂઆત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પેટલાદ પંથકના લોકોની વર્ષોથી પડતર માંગણીઓ જે છે તેને સ્વીકારી દૂરના અંતરની ટ્રેનો ફાળવવા રજૂઆત કરી છે. અરજી દ્વારા વધુમાં જણાવ્યું છે કે પેટલાદથી આણંદ સુધી બ્રોડગેજ લાઈન જાય છે તેને દિલ્હી અને મુંબઈ સુધી કનેક્ટીવીટી આપવી, પેટલાદથી તારાપુર, અરણેજ થઈ ભાવનગર સુધી ટ્રેન ફાળવવી. તારાપુર થઈ અરણેજ માત્ર 45 કિમી અંતર છે. જો એ લાઈન નવી નાખવામાં આવે તો ચરોતરવાસીઓને તેનો લાભ મળી શકે તેમ છે. નડીયાદ – ભાદરણ લાઈનને મીટરગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતર કરવાનુ કામ પણ અભરાઈએ ચઢી ગયું છે. આ કામ કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કર્યું હોવા છતાં રેલ્વે ટ્રેક ઉખાડી અધિકારીઓ કામ કર્યાનો સંતોષ માનતા હોવાથી પ્રજામાં ભારે અસંતોષ છે.

હવે ખંભાત સુધી ઈલેક્ટ્રીફિકેશનનું કામ લગભગ પૂર્ણ થઈ ગયેલ છે, તો જો ખંભાતથી દિલ્હી અને મુંબઈ સુધીની ટ્રેન ફાળવવામા આવે તો ચરોતરના લોકોને સૌથી મોટો લાભ થઈ‌ શકે તેમ છે. વધુમાં એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે આણંદથી જે મેમુ ટ્રેન ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, ભરૂચ, ગોધરા સુધી ચાલે છે તે ટ્રેનો ખંભાત કે પેટલાદથી શરૂ કરવામાં આવે તો પણ આ બંન્ને પંથકની પ્રજાને વેપાર – રોજગાર, નોકરીઓમાં લાભ મળી શકે તેમ છે. આવી તમામ માંગણીઓ પેટલાદ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરવામાં આવતા પેટલાદ પંથકની પ્રજામાં એક નવી આશા જન્મી હોવાનું જાણવા મળે છે.

પેટલાદના વિકાસ માટે ચેમ્બરને ચિંતા
પેટલાદ ચેમ્બર ઓફ કોમર્સ વર્ષો બાદ છેલ્લા એકાદ વર્ષથી સફાળું જાગ્યું છે. ચેમ્બર દ્વારા તાજેતરમાં પેટલાદના ઐતિહાસીક મંદિરો, વાવો, તળાવોના વિકાસ માટે રાજ્ય સરકારને રજૂઆત કરી ચૂક્યું છે. ઉપરાંત કોરોનાકાળમાં ઉમદા કામગીરી કરનાર ડોક્ટરો સહિત કૈલાસધામના કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. હવે નોકરી, વેપાર, રોજગાર સાથે જોડાયેલ રેલ્વે અંગે રજૂઆત કરવામાં આવતા ચેમ્બરની પ્રવૃત્તિએ પુન: એકવાર સ્વ.ભાનુભાઈ પટેલની યાદ તાજી કરાવી હોવાનું જાણવા મળે છે. પેટલાદ ચેમ્બરના વર્તમાન હોદ્દેદારોએ પેટલાદનો ભવ્ય ભૂતકાળ પરત મેળવવા કમર કશી હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન છે.

રેલ્વે મંત્રીને પણ રજૂઆત કરાઇ
પેટલાદ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રેલ્વેને લગતી કેટલીક પડતર માંગણીઓ સંદર્ભે એક લેખીત અરજી વડાપ્રધાનને કરવામાં આવી છે. જે સાથે પેટલાદ ચેમ્બરે રેલ્વે મંત્રી દર્શનાબેન જરદોશ, આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ તથા રેલ્વેની ડીઆરએમ વડોદરા કચેરી ખાતે પણ અરજી મોકલવામાં આવી છે. આ સમગ્ર રજૂઆત સંદર્ભે પેટલાદ ચેમ્બરે માંગણીઓ લોકસભાની ચૂંટણી પૂર્વે પૂરી થાય તેવી આશા વ્યક્ત કરી છે. જોવાનું એ રહેશે કે કેન્દ્ર સરકાર દ્વારા માંગણીઓ પૂરી કરવામાં આવે છે કે માત્ર આશ્વાસન મળે છે ?

Most Popular

To Top