આણંદ : આણંદ જિલ્લામાં આવેલા ભાલ વિસ્તારના ખંભાત, તારાપુર, સોજિત્રા, પેટલાદ ઉપરાંત માતર તાલુકાના ગામડાંઓમાં સિંચાઇ માટે નર્મદા નહેરનું પાણી આપવા માટે માગણી ઉઠી છે. આ અંગે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ભાલ વિસ્તારના ખેડૂતોએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ખંભાત, તારાપુર, માતર, સોજિત્રા, પેટલાદના ખેડૂતોની ખેતીલાયક જમીન માટે સિંચાઇ માટેનું પાણી 1972ની સાલથી મહી – કડાણા વણાંક બોરી ડેમના કાર્યક્ષેત્ર હેઠળની મહી સિંચાઇ વર્તુળ નહેર યોજના મારફતે નિકળી પેટા કેનાલોના કમાન્ડ વિસ્તારમાંથી મળે તેવું આયોજન સરકાર મારફતે અગાઉ કરવામાં આવ્યું હતું. આ વિસ્તારના 75થી પણ વધારે ગામડાની 60 હજાર હેક્ટરથી વધુ જમીન આવેલી છે. જેની સિંચાઇ માટેનો વિકલ્પ ફક્તને ફક્ત નહેરનું જ પાણી છે. આ વિસ્તાર ભાલ વિસ્તાર તરીકે ઓળખાય છે, જ્યાં ભુગર્ભ જળ બિલકુલ ખારા છે, જેથી સિંચાઇ માટેના વિકલ્પ તરીકે એક પણ બોરકુવો નથી.
ખેડૂતોનો સિંચાઇ વિસ્તાર સને 1972ની સાલથી મહી – કડાણા વણાકબોરી ડેમના સિંચાઇ વિસ્તારના કમાન્ડમાં આવેલો હોવા છતાં છેલ્લા વીસ વર્ષથી આ વિસ્તારની જમીનમાં નિયમિત સિંચાઇનું પાણી મળતું નથી અને જ્યારે સિંચાઇનું પાણી લેવાનું થાય ત્યારે સરકાર સામે તથા અધિકારીઓ સામે ધરણા સંઘર્ષ, ઉપવાસ આંદોલન કરવા છતાં અમુક વિસ્તારમાં મળે અથવા ન પણ મળે તેવી પરિસ્થીતી થાય છે. પાણી નહીં મળવાથી પાક નિષ્ફળ જાય છે અને ખેડૂતો દેવાદાર બની જાય છે. આથી, ખંભાત, તારાપુર, માતર વિગેરે તાલુકાના 75થી વધારે ગામના ખેડૂતોની સિંચાઇ વિસ્તારની જમીનને નર્મદા ડેમના સિંચાઇ વિસ્તારનું પાણી કાયમી ધોરણે આપવા માગણી કરવામાં આવી છે.